Share
તો કેવી રીતે ભગવાન જગન્નાથની યાત્રાનો આરંભ થયો તે સુંદર ઈતિહાસ તો આપણે જાણ્યો. ત્યારે અમદાવાદની રથયાત્રા પણ એક અનેરું જ મહત્વ ધરાવે છે. આ વખતે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજાશે કે નહીં તે અંગે તે અસમંજસની સ્થિતિ છે કારણ કે ગયા વર્ષે પણ કોરોનાનાં કારણે ભક્તો વગર જ યોજાઈ હતી.પરંતુ આ રથયાત્રાનો પ્રારંભ કેવી રીતે થયો અને શું છે અમદાવાદની જગન્નાથની રથયાત્રાનો પાવનકારી ઈતિહાસ આવો જાણીએ..
ભગવાન જગન્નાથજી મંદિર તરીકે જાણીતું આ મંદિર મૂળરુપે તો હનુમાનમંદિર તરીકે અઢારમી સદીમાં જાણીતું બન્યું હતું. સાબરમતીના નયનરમ્ય જંગલતટ પર દેશાટન કરતાં આવેલાં હનુમાનદાસજી મહારાજ પ્રાણ પૂરવાની ચમત્કારિક શક્તિઓના પ્રતાપે એ સમયમાં નગરજનોમાં જાણીતાં હતાં. તેઓ પ્રખર હનુમાન ભક્ત હતાં અને તેમને સાક્ષાત હનુમાનજીએ દર્શન આપ્યા હતાં તેવો ઉલ્લેખ મળે છે. નદીના પટમાં ફરતાં તેમને એક શિલામાં સાક્ષાત હનુમાનજી જ દેખાયાં અને તે શિલામાંથી તેમણે હનુમાનજીની મૂર્તિ ઘડાવી સ્થાપિત કરી હતી જે હાલનુ જગન્નાથ મંદિર છે તે મુળ હનુમાનનું મંદિર હતુ..
રામાનંદી સંપ્રદાયના આ મહંતના બ્રહ્મલીન થયાં બાદ તેમના શિષ્ય સારંગદાસજી હતાં તેમને પુરીમાં તેમના નિવાસ દરમિયાન સ્વપ્નદર્શન થયું, જેમાં ભગવાન જગન્નાથજીએ ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાજીની મૂર્તિ સાથે મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરાવવા આદેશ આપ્યો હતો. મહંત સારંગદાસજી પુરીથી જ નીમકાષ્ઠની બનેલી મૂર્તિઓ પણ લઈ આવ્યાં અને ખૂબ જ ધામધૂમથી સંપૂર્ણ વિધિવિધાન સાથે પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ. આ સમયે સારંગદાસજી મહારાજે શિષ્યગણ સમક્ષ જણાવ્યું કે આ મંદિર હવેથી ભગવાન જગન્નાથજી મંદિર તરીકે ઓળખાશે.
આ તો થઈ મંદિર નામાભિધાનની વાત, બાકી ઘણી અનેક રસપ્રદ વાતો છે. આ મંદિરમાં પૂજાવિધાન માટે પુરીના જગન્નાથજી મંદિરના જ વિધિવિધાન અપનાવાયાં છે અને મંદિરના સંચાલન અને દૈનિક કાર્યોની વ્યવસ્થા શ્રી રામાનંદ વિરક્ત વૈષ્ણવ સંપ્રદાયની પ્રણાલિકા અનુસાર ચાલે છે. આ સંપ્રદાયના મુખ્ય ત્રણ અખાડા છે જેમાં શ્રી દિગમ્બર, નિર્વાણી અને નિર્મોહી… અમદાવાદનું જગન્નાથજી મંદિર શ્રી દિગમ્બર અખાડા અંતર્ગત છે. મંદિર શિખર પર બિરાજમાન ફરફરાતી પંચરંગી ધજા શ્રી દિગમ્બર અખાડાની પ્રતીક છે. મંદિર સ્થાપના પછી પહેલીવાર જ્યારે અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની નગરયાત્રાનો અવસર આવ્યો ત્યારે મહંત સારંગદાસજીએ શિષ્ય નરસિંહદાસજીની અધ્યક્ષતામાં રથયાત્રા આયોજનનો નિર્ણય લીધો અને તેમને પુરી મોકલ્યાં.
નરસિંહદાસજીએ પુરીમાં રથયાત્રા આયોજન સંબંધિત તમામ રહસ્યો જાણ્યાં અને તેઓ પરત આવ્યાં બાદ અમદાવાદની ભગવાન જગન્નાથજીની સૌપ્રથમ રથયાત્રા પહેલી જુલાઈ 1878 પુષ્યનક્ષત્રની અષાઢી બીજના દિવસે આયોજિત કરવામાં આવી હતી. એ વખતે અમદાવાદ કોટબંધ શહેર હતું એટલે રથયાત્રાનો રુટ એ રીતે નક્કી કરાયો કે આખા શહેરને આવરી લે. તથા વિશ્રામ માટે મહંતશ્રીના ગુરુભાઈના સરસપુર સ્થિત રણછોડરાય મંદિરને નક્કી કરાયું.. એ દિ’ને આજનો દિ’ ત્યારથી લઈને હજુ સુધી, હવે આ પરંપરા બની ગઈ છે.
મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે તમે જે પીઠ પર ભગવાનને પોતાના ભાઈબહેન સાથે શોભાયમાન થયેલાં જુઓ છે તેને ‘રત્નવેદી’ કહેવાય છે. જમણીતરફ ગુરુ દત્તાત્રેય, ડાબી તરફ શ્રી રણછોડરાયજી,. શ્રી નરસિંહ ભગવાન, શ્રી તિરુપતિ બાલાજીના ગર્ભગૃહ છે. બીજીતરફ શ્રી રામ દરબાર, શ્રી લક્ષ્મીજી, રાધાકૃષ્ણજી, અને શ્રીરામ દરબાર છે, જેની બરાબર સન્મુખ શ્રી હનુમાનજી મંદિર છે. ભગવાન જગન્નનાથજી શ્રી વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે ત્યારે શ્રી ગરુડજીને પણ સ્થાપિત કરવામાં આવ્યાં છે. ગરુડજીની સ્થાપના એ રીતે કરવામાં આવી છે કે તેમની નજર સીધી ભગવાન જગન્નાથજીના ચરણોમાં પડે. મંદિરના નીચેના ભાગમાં સિંદૂરીયા ગણપતિ, શ્રી આદ્ય હનુમાનજી, શ્રી રત્નેશ્વર મહાદેવ અને વૈદ્યનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી છે.
અમદાવાદના જગન્નાથજી મંદિરમાં ગૌસેવા, ભંડારો, દીનદુખિયાને ભોજનની પરંપરા પણ આજની નથી, પહેલાંથી જ છે જેને આ મંદિરમાં થઈ ગયેલાં મહંતશ્રીઓની પરોપકારી સદવૃત્તિઓનો પ્રસાદ જ કહી શકાય. મંદિરમાં તમામ ધાર્મિક અને પારંપારિક તહેવારોની ઉજવણી પણ એ પરંપરાનો જ હિસ્સો છે.
ભગવાન જગન્નાથજી સ્વંય પોતાની ઇચ્છાથી અમદાવાદમાં આવ્યાં અને વસ્યાં એ તો ખરું જ પણ નગરભ્રમણની ઇચ્છા પણ મંહતશ્રીને તેમણે સ્વપ્નદર્શનમાં વ્યક્ત કરી હતી. જગન્નાથ કા ભાત જગત પસારે હાથ જેવી લોકોક્તિ પણ આ મંદિરને લઈને જ રચાઈ છે. આવા મહિમાવંત ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક ધૂપછાંવ પણ ઘણી રહી છે, તડકીછાંયડી પણ રહી છે, પરંતુ આજે પણ શહેરીજનોના અદમ્ય ઉત્સાહ અને ભક્તિભાવથી રથયાત્રા સમયે આખા શહેરનું વાતાવરણ રોમાંચિત થઈ ઉઠે છે.
શહેરના માર્ગો ભગવાન જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજીની રથયાત્રાના દર્શને જતાં માર્ગો બની જાય છે. અને ચારેકોર જય જગન્નાથનો જયઘોષ વ્યાપી વળે છે. ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રાનો અનેરો અવસર જ્યારે 12મી જુલાઈએ યોજાવા જઈ રહ્યો છે ત્યારે ભક્તો આશા રાખીને બેઠા છે કે નાથ તેમનાં આંગણે આવે અને તેમને પાવનકારી આશિષ આપે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 11, 2021