Share
વિચાર સેતુ :- વિનીત નારાયણ
ભારતના વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રમન્નાએ ઝૂમના માધ્યમથી સમગ્ર દેશને સંબોધન કરતાં મહત્ત્વની વાત કહી કે, ‘ન્યાયતંત્રને સંપૂર્ણ સ્વતંત્ર હોવું જોઇએ. તેને વિધાયિકા કે કાર્યપાલિકાના માધ્યમથી પ્રત્યક્ષ કે પરોક્ષપણે નિયંત્રિત ના કરી શકાય. તેવું કરવામાં આવશે તો કાયદાનું છદ્મ શાસન બની રહેશે.’ તેમના આ વિચાર સૂકી જમીન પર વરસાદી ઝરમર જેવા છે.
ન્યાયમૂર્તિ રમન્નાના આ પ્રહાર દેશની કાર્યપાલિકા અને વિધાયિકા પર સીધેસીધા છે, કે જેના આચરણે સર્વોચ્ચ અદાલતની ગરિમાને તાજેતરનાં વર્ષોમાં જેટલી ધૂંધળી કરી છે તેટલી ક્યારેય નથી કરી. સેવાનિવૃત્ત થયેલા ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સથાશિવમને કેરળના રાજ્યપાલ બનાવવામાં આવ્યા તે ઘટના અને એ જ રીતે એક સમયે ભારતનું મુખ્ય ન્યાયમૂર્તિપદ સંભાળી રહેલા શ્રી ગોગોઇને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા તે ઘટના સર્વોચ્ચ અદાલતના ઇતિહાસમાં એક ડાઘના રૂપમાં યાદ રાખવામાં આવશે.
ભૂતકાળની સરકારોએ પણ ન્યાયાધીશોને પોતાના પક્ષે કરવા માટે પરોક્ષ રીતે કે પછી ક્યારેક પ્રત્યક્ષરૂપે પ્રલોભનો આપેલ છે. પરંતુ તે પ્રલોભનો એટલી નિર્લજ્જતા સાથે નહોતાં અપાયાં કે સામાન્ય જનતાના મનમાં દેશના સૌથી મોટા ન્યાયાધીશોનાં આચરણ અંગે શંકા જન્મે. આઝાદ ભારતના ઇતિહાસમાં આવું એક અનૈતિક કાર્ય ત્યારે થયું હતું કે જ્યારે કોંગ્રેસ પાર્ટીએ એક સમયે ભારતના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂકેલા રંગનાથ મિશ્રાને પોતાના પક્ષની ટિકિટ પર ચૂંટીને રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા. જોકે ત્યારે કોંગ્રેસ પાર્ટી સત્તામાં નહોતી. તેથી મિશ્રાની ચૂંટણીને સથાશિવમ કે ગોગોઇની જેમ સત્તાધારી પક્ષ દ્વારા તેમણે સરકાર પ્રતિ કરેલી સેવાના બદલામાં મળેલો પુરસ્કાર ના કહી શકાય. જોકે મિશ્રાની ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં જે કારણ હતું તે કાંઇક એવું જ હતું કે જે કારણે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ બંને પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિઓને પુરસ્કૃત કર્યા છે. ઇન્દિરા ગાંધીની હત્યા પછી ૧૯૮૪માં દિલ્હીમાં થયેલાં રમખાણોની તપાસ કરાવવા વડા પ્રધાન રાજીવ ગાંધીએ એક સભ્યના બનેલા રંગનાથ મિશ્રા પંચની રચના કરી હતી. તેમણે તે રમખાણોમાં સરકારની રહેલી ભૂમિકાને ક્લીનચીટ આપી દીધી હતી. તેનો પુરસ્કાર રંગનાથ મિશ્રાને ૧૯૯૮માં આપવામાં આવ્યો હતો.
દેશના ૭૫ વર્ષના ઇતિહાસમાં સર્વોચ્ચ અદાલતના કુલ ૨૨૦ મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા અને તે પૈકી આ ત્રણ અપવાદરૂપ છે. તેથી એવો સંદેશો જાય છે કે આ ત્રણ મુખ્ય ન્યાયમૂર્તિએ કાંઇક એવા નિર્ણય આપ્યા હશે કે જે ન્યાયની કસોટી પર ખરા નહીં હોય. તે ચુકાદો આપવાનો એકમાત્ર ઉદ્દેશ તે સમયના વડા પ્રધાનને ખુશ કરવાનો રહ્યો હશે. તેથી તેમને તે ઇનામ મળ્યું. તેને કારણે ત્રણેય પૂર્વ ન્યાયમૂર્તિઓની વ્યક્તિગત છબિ ઝાંખી પડી અને તેની સાથે સર્વોચ્ચ અદાલતની નિષ્પક્ષતા પર સંદેહ જન્મવો પણ સ્વાભાવિક છે. તો શું એવું માનવામાં આવે કે ન્યાયમૂર્તિ રમન્નાનું આ સંબોધન દેશની કાર્યપાલિકા અને વિધાયિકાને ચેતવણી છે, કે જેઓ ક્રમશઃ ન્યાયપાલિકા પર પણ પોતાનો સકંજો કસવા માટેની ફિરાકમાં રહે છે. લોકશાહીની મજબૂતી માટે પણ ચારેય સ્તંભ સશક્ત રહે, સ્વતંત્ર રહે અને બાકી ત્રણ સ્તંભો પ્રતિ જવાબદેહ રહે તે જરૂરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય મંચો પર અભિવ્યક્તિની આઝાદીની ભરપૂર વકીલાત તો કરે છે, પરંતુ તેમના કાર્યકાળમાં આ સ્વતંત્રતાનું જેટલું હનન થયું છે તેવું હનન મેં વીતેલાં ૩૫ વર્ષના પત્રકારજીવનમાં, ૧૮ મહિનાની કટોકટીને બાદ કરતા ક્યારેય નથી જોયું. આ ખૂબ જ ખતરનાક વલણ છે, કારણ કે તેને કારણે લોકશાહી સતત નબળી થઇ છે અને રાજ્યોમાં પણ અધિનાયકવાદી પ્રવૃત્તિ ઝડપથી વધી રહી છે. સવાલ તમે પૂછવા નહીં દો, પત્રકાર પરિષદ તમે કરશો નહીં, માત્ર દેશને વારંવાર એકતરફી સંબોધન કરતા જશો તો સ્વાભાવિક છે કે લોકશાહીના આ ચોથા સ્તંભનું અસ્તિત્વ જ ખતમ થઇ જશે.
ન્યાયપાલિકાની સ્વતંત્રતાને અક્ષુણ રાખવા માટે સરકાર દેશના કરોડો લોકોનો વિશ્વાસ હાંસલ કરે છે. તેને પગલે સામાન્ય માનવીને ન્યાય મળવાની આશા બનેલી રહે છે. તેને કારણે સરકારમાં પણ ન્યાયપાલિકાનો પરોક્ષ ડર બનેલો રહે છે. તંદુરસ્ત લોકશાહીનું આ લક્ષણ છે. બીજી તરફ એ પણ મહત્ત્વપૂર્ણ છે કે ન્યાયાધીશોએ પોતાની ગરિમાની જાતે ચિંતા કરવી જોઇએ. સમાજના અન્ય ક્ષેત્રોનું જે રીતે નૈતિક પતન થયું છે તેનાથી ન્યાયપાલિકા પણ વણસ્પર્શી નથી રહી. અનેક ઉદાહરણો થકી આ વાત સિદ્ધ થઇ શકે છે. સામાન્ય ભારતીય કે જેને ન્યાય વ્યવસ્થાનો ક્યારેય પણ સહારો લેવાનો વારો આવ્યો હોય, તેણે આ પીડાનો અનુભવ કર્યો હશે. હા, અપવાદ દરેક સ્થાને હોય છે. ૧૯૯૭થી ૨૦૦૦ વચ્ચે મેં ભારતના બે પદસ્થ મુખ્ય ન્યાયમૂર્તિ તેમજ અન્યોના અનૈતિક અને ભ્રષ્ટ આચરણને પ્રકાશમાં લાવવા પ્રયાસ કર્યો હતો ત્યારે સપ્તાહો સુધી દેશની સંસદ, મીડિયા અને અધિવક્તાઓ વચ્ચે તોફાન આવી ગયું હતું. બધા વિચારવા લાગ્યા હતા કે આટલા ઊંચાં બંધારણીય પદ પર બેસીને પણ કોઇક આવું આચરણ કરે છે તો પછી ન્યાય મળવાની આશા કઇ રીતે રાખી શકાય?
આ દિશામાં પણ ન્યાયપાલિકામાં ગંભીર ચિંતન અને નક્કર પ્રયાસ થવા જોઇએ. વર્ષ ૨૦૦૦માં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એસ.પી. ભરુચાએ કેરળના એક સેમિનારમાં બોલતા કહ્યું હતું કે, ‘સર્વોચ્ચ ન્યાયપાલિકામાં પણ ભ્રષ્ટાચાર છે, પરંતુ વર્તમાન કાયદા તેનો સામનો કરવા પૂરતા નથી. ભ્રષ્ટ ન્યાયાધીશોને સેવામાં રહેવાનો કોઇ અધિકાર ના હોવો જોઇએ.’ તેમણે આ વાત કહ્યે ૨૧ વર્ષ વીતી ગયાં, પરંતુ આ દિશામાં કોઇ સાર્થક પ્રયાસ નથી થયા. શું આશા સેવી શકાય કે ન્યાયમૂર્તિ રમન્ના અને તમના સહયોગી ન્યાયમૂર્તિ આ દિશામાં પણ નક્કર પગલાં લેશે?
ભારતની બહુમત જનતા આજે ભારે કષ્ટ અને અભાવો વચ્ચે જીવી રહી છે. તેની આર્થિક સ્થિતિ ઝડપથી કથળી રહી છે. જ્યારે મુઠ્ઠીભર દ્યોગિક ગૃહોની સંપત્તિ ખૂબ જ ઝડપથી વધી રહી છે. તેને કારણે સમાજમાં કોઇ ખાઇ સર્જાઇ છે અને તેનું ભયાનક પરિણામ આવી શકે છે. આવી સ્થિતિમાં ગરીબને ન્યાય પણ ના મળે અને હતાશ થઇને તે કાયદો પોતાના હાથમાં લઇ લે તો દોષ કોને લાગશે? ન્યાયપાલિકામાં સુધારા માટે રાષ્ટ્રીય ન્યાયિક આયોગ, મોટામોટા ન્યાયવિદ અને કાયદા ભણાવવાવાળા સમયાંતરે પોતાનાં સૂચનો કરતા રહે છે પરંતુ તેનો અમલ નથી થતો. સરકારો ન્યાયપાલિકાને મજબૂત નથી થવા દેવા માગતી અને દુર્ભાગ્યવશ ન્યાયપાલિકા પણ પોતાના આચરણમાં પાયાના ફેરફાર લાવવા ઇચ્છુક નથી રહી. શું માની શકાય કે આઝાદીના ૭૫મા વર્ષમાં ન્યાયમૂર્તિ રમન્ના આ દિશામાં પહેલ કરશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery