Share
રિવરફ્રન્ટની પાળેથી :- હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’
હિંદી સાહિત્યના લોકપ્રિય વ્યંગલેખક હરિશંકર પરસાઈની એક ખૂબ જ લોકપ્રિય વ્યંગકથા છે :
એક પ્રોફેસર હતા. સરકારી કોલેજમાં શિક્ષણસેવા કરતા’તા. આ પ્રોફેસર સાહેબના વાઇફ બીમાર હતાં. હોસ્પિટલમાં એડમિટ કરવાં પડેલાં. આ જ સમયગાળામાં પેલા પ્રોફેસરને ટ્રાન્સફ્રનો ઓર્ડર મળ્યો. (ના, હોસ્પિટલ ટ્રાન્સફ્ર માટે નહીં, કોલેજ ટ્રાન્સફ્ર માટે!) શિક્ષણ વિભાગના મોટા અધિકારી એ જ સોસાયટીમાં રહેતા’તા, જ્યાં આ પ્રોફેસર પણ રહેતા’તા. અધિકારી સાહેબનો બંગલો પ્રોફેસરના ઘરની સામેની લાઇનમાં, દેખાય એટલો નજીક લાગતો પણ સહેજ દૂર હતો. પ્રોફેસર જ્યારે જ્યારે કોલેજ જવા નીકળતા ત્યારે પેલા અધિકારી સાહેબને શિષ્ટાચાર ખાતર ‘ગૂડ ર્મોનિંગ સર!’ કહેવાનું ચૂકતા નહોતા. એક દિવસ પ્રોફેસરને થયું કે લાવને અધિકારી સાહેબને વિનંતી કરું કે મારી ટ્રાન્સફ્ર થોડા દિવસ માટે અટકાવી દે. આટલું વિચારી એ અધિકારીશ્રીના બંગલે પહોંચ્યા.
‘ગૂડ ર્મોનિંગ સર’ પ્રોફેસરે શિષ્ટાચાર બતાવ્યો.
‘કામ બોલો… શા માટે આવ્યા છો?’ અધિકારીશ્રીએ પોતાનો વિશેષાધિકારભર્યો શિષ્ટાચાર વ્યક્ત કર્યો.
‘સાહેબ, મારી એક પ્રાર્થના છે.’
‘પ્રાર્થના કરવા મંદિરમાં જવાનું હોય, કોઈના બંગલે ના જવાય. આ મારો બંગલો છે. કામ બોલો.’
‘મારી વાઇફ્ને હોસ્પિટલમાં એડમિટ કરવી પડી છે. ખૂબ બીમાર છે.’
‘તો?’
‘તો?’
‘સર, મારી એટલી જ વિનંતી છે કે મહેરબાની કરીને મારી આ ટ્રાન્સફ્રના ઓર્ડરને કેન્સલ કરી દો. કેન્સલ કરવો એ આપના જ હાથમાં છે સર.’
અધિકારીશ્રી નારાજ થઈ ગયા.
‘તમે ભણેલાગણેલા છો, તેમ છતાં તમને એટલીય ખબર નથી કે ડિસિપ્લિન અને પ્રોપર ચેનલ કોને કહેવાય? તમે સીધા મારી પાસે કેમ આવ્યા? તમારે પ્રોપર ચેનલ થ્રૂ એપ્લિકેશન કરવી જોઈએ. તમારી કોલેજના પ્રિન્સિપાલનો મંજૂરીપત્ર મેળવી ને મારી પાસે આવવું જોઈએ. જાઓ ટ્રાન્સફ્ર ઓર્ડર કેન્સલ નહીં થાય. તમે પ્રોપર ચેનલ થ્રૂ કામ નહીં કરીને શિસ્તભંગ કર્યો છે તો એની કડકમાં કડક શિક્ષા પણ કરવામાં આવશે. ગેટ લોસ્ટ.’
જેટલી હદે અપમાનિત થવાય એટલી હદે અપમાનિત થઈ, પ્રોફેસર ત્યાંથી નીકળી ગયા. બીજા જ દિવસથી આ પ્રોફેસર બે મહિનાની રજા પર ઉતરી ગયા.
થોડા દિવસ પછી એક સાંજે પેલા અધિકારીશ્રીના બંગલામાં આગ લાગી. આજુબાજુના રહેવાસીઓ આગ બુઝાવવા બનતા માનવીય પ્રયત્નો કરવા લાગ્યા, પણ પ્રોફેસર તો પોતાના ઘરના કમ્પાઉન્ડમાં આવીને, તાપણું તાપે એમ આગને તાપી રહ્યા’તા. દોઢ-બે કલાકમાં આગ બુઝાઈ ગઈ, કોઈ જાનહાનિ જોકે નહોતી થઈ.
બીજા દિવસે પ્રોફેસર સાહેબ સોસાયટીમાંથી પસાર થઈ રહ્યા’તા ત્યારે પેલા અધિકારીશ્રી પોતાના બંગલાના કમ્પાઉન્ડ ગેટ પાસે ઊભા’તા. અધિકારીશ્રીએ સહેજ ‘અપ ટુ અર્થ’ બનીને ઊંચા અવાજે પ્રોફેસરને પૂછયું, ‘પ્રોફેસર, ગઈકાલ સાંજે મારા બંગલામાં આગ લાગી’તી ત્યારે સોસાયટીના સૌ સભ્યો મદદ કરવા માટે આવેલા, તમે તમારા ઘરના કમ્પાઉન્ડમાં ઊભા’તા તોય કેમ નહોતા આવ્યા?’
પ્રોફેસરે હજુ પણ પોતાનો શિષ્ટાચાર છોડયો નહોતો. એમણે પૂરી નમ્રતા અને શાલીનતાથી કહ્યું, ‘સર, હું મજબૂર હતો. પ્રિન્સિપાલ સાહેબ બહારગામ ગયા હોવાથી એમનો લેખિત મંજૂરી પત્ર લીધા વિના કેવી રીતે આવું! આપના બંગલે તો પ્રોપર ચેનલ થ્રૂ જ આવવું જોઈએને!’
અધિકારી કોઈપણ સમયનો, કોઈપણ સ્થળનો હોય- અધિકારી એ અધિકારી છે. અધિકાર ભોગવવો એ એનો અકર્મસિદ્ધ અધિકાર છે. પોતાના હાથ નીચેના કર્મચારીને વ્યક્તિ નહીં, વસ્તુ માનવાના એમને પ્રોપર ચેનલ થ્રૂ અધિકારો મળ્યા છે.
આપણે ત્યાં આજની નહીં, આઝાદી મળ્યાના સમયની આ જ તો પરંપરા છે કે અધિકારી હંમેશાં ફ્રજમુક્ત અને અધિકારયુક્ત હોય! તમે કોઈપણ સરકારી ડિપાર્ટમેન્ટમાં જાઓ, એકાદ અધિકારી તો તમને એવો મળી જ જવાનો, જેના બાયોલોજિકલ કન્સ્ટ્રક્શનમાં સમજદારીનો સિમેન્ટ ઓછો અને રગશિયા ગાડાની રેતી વધારે હોય! એવો એક અધિકારી તો મળી જ જવાનો, જેના પગ કરતાં હાથ વધારે ચાલતા હોય. હાથનું કામ લખવા પૂરતું કે ટાઇપ કરવા પૂરતું થોડું હોય છે? ગણવાની પ્રક્રિયા માટે પણ પોતાના વરદહસ્તનો સાર્થ (સ-અર્થ) ઉપયોગ થતો હોય છે! તમને એક એવો અધિકારી તો મળી જ જવાનો જે પોતાના કર્મચારીઓને નાની-નાની વાતમાં ધમકાવીને પોતાની અંદરના ડરપોકપણાને ઢાંકતો ફ્રતો હોય! એક એવો અધિકારી તો ચોક્કસ મળી જવાનો, જેનો ગુરુ કોઈ કાચિંડો હોય! હવે તમે જ કહો, જેનો ગુરુ રંગ બદલતો હોય એનો શિષ્ય શું શું નહીં બદલતો હોય એ જ મોટો પ્રશ્ન છે!
સવાલ અધિકારીઓને મળેલા કે મળતા અધિકારોનો નથી, એ અધિકારો ખરેખર અસ્તિત્વમાં છે કે કેમ? એ સૌથી મોટો સવાલ છે! મળવાપાત્ર મળતા અધિકારોમાં નહીં સમાતા એવા કેટલાક અનધિકારો પણ અમુક અધિકારીઓ ભોગવે છે એ લોકશાહીના વૃક્ષ પર ઉગેલું સૌથી મોટું ફ્ળ છે! લોકશાહી નામના વૃક્ષનો છાંયડો નેતાઓ અને અધિકારીઓના ભાગમાં આવે છે એટલો જનતાના ભાગમાં અને જનતાના ભાગ્યમાં નથી આવતો. કહેવાય લોકશાહી, પણ લાગે બાબુશાહી!
સત્તાધીશોએ નહીં આપેલા એવા કેટલાક અધિકારો પણ અમુક અધિકારીઓ ભોગવી રહ્યા છે, એમાંના કેટલાક નમૂના મનોરંજન પૂરું પાડે એવા છે.
“ટાલિયા કર્મચારીએ ખિસ્સામાં કાંસકો રાખવો નહીં. ટાલિયો કર્મયોગી કાંસકા સાથે પકડાશે તો એણે વાળની લાગણી દુભાવી છે એમ સમજી એના પર કાર્યવાહી કરવામાં આવશે.
“કુંવારો કર્મચારી ઓફ્સિમાં નિયમિત અને સમયસર આવવો જોઈએ. જો આમ કરવામાં ચૂક કરશે તો તે અચૂક નોકરી ગુમાવશે. નોકરી ન ગુમાવવી હોય તો, જે તે ડિપાર્ટમેન્ટ હેડનાં ડોમેસ્ટિક કાર્યો કરવાં પડશે. આ સંદર્ભે કોઈ પત્રકારે ઓફ્સિર્સ યુનિયનના પ્રેસિડેન્ટને પૂછયું કે આવો અધિકાર તમને કોણે આપ્યો? ત્યારે એમણે આઝાદ ભારતના આઝાદ ભારતીયની અદાથી કહ્યું, દરેક અધિકારો મળતા નથી, કેટલાક મેળવી લેવા પડે છે. પત્રકારે બીજો પ્રશ્ન કર્યો, ‘પણ આવો અનધિકૃત અધિકાર મેળવવાની પ્રેરણા તમને કોણે આપી?’ ત્યારે પેલા પ્રેસિડેન્ટે કહ્યું, ‘Ph.D.ના એક ગાઇડે અમને આવી પ્રેરણા પૂરી પાડી છે – આવા અનધિકૃત અધિકારો આજે પણ ભોગવનારા ભોગવે જ છે!’
“પરિણીત કર્મચારીને પાણી, ચા કે નાસ્તાની સર્વિસ પૂરી પાડવા માટે પ્યૂનની વ્યવસ્થા કરવામાં નહીં આવે. પરણેલો કર્મચારી સેલ્ફ્ સર્વિસમાં પારંગત હોવાથી એને પોતાનાં કર્મો કરવામાં મુશ્કેલી નથી આવતી. પરણેલો કર્મચારી જો કોઈ પ્યૂનની સેવા લેતાં પકડાશે તો કર્મચારીને એક સપ્તાહ માટે જે તે વિભાગના હેડનાં કાર્યો કરવાનાં રહેશે અને પકડાયેલા પ્યૂનને એ હેડનાં ઘરકામ પણ કરવાં પડશે – એ પણ તદ્દન નિઃશુલ્કપણે!
“અધિકારી કોઈપણ કામ સોંપે એને ‘ઓફિસ વર્ક’ સમજી પૂરો ન્યાય આપવો. ઓફિસ અવર્સમાં કોઈ અધિકારી પોતાના કર્મચારી પાસે પોતાનાં અંગત કાર્યો સોંપી શકશે. આની પાછળ જે તે અધિકારીનો એક જ આશય હશે કે એ પોતાનાં કર્મચારીને પોતાનો ફેમિલી મેમ્બર સમજે છે – એ જ્ઞાનથી એ કર્મચારીને અવગત કરવો. ‘ફેમિલી મેમ્બર’નો અર્થ ફેમિલીનાં નાનાં-મોટાં કાર્યો સંપન્ન કરવા પૂરતો જ સમજવો.
“કોઈપણ કર્મચારીએ પોતાના વિભાગીય અધિકારીશ્રી સાથે નમ્રતાથી, શાલીનતાથી અને પૂરી ગરિમાપૂર્ણ વાત કરવી. આવી અપેક્ષા કોઈ કર્મચારીઓ પોતાના અધિકારી પાસે રાખવી નહીં. અધિકારી ગમે એટલો ‘અપ ટુ અર્થ’ રહીને વાત કરે તો પણ કર્મચારીએ તો હંમેશાં ‘ડાઉન ટુ અર્થ’ જ રહેવાનું છે.
આપણે ત્યાં જેટલું મહત્ત્વ અધિકાર અને અધિકારીને આપવામાં આવે છે એટલું મહત્ત્વ અધિકારીઓના ફેમિલી મેમ્બર્સના અધિકારોને આપવામાં આવશે ત્યારે દુનિયાની સૌથી મોટી લોકશાહી દેશની બેનમૂન બાબુશાહીનું કંઈક જુદું જ દર્શન જોવા મળશે!
ચૂસકી :
યક્ષ : વિશ્વનું શ્રેષ્ઠ નિર્દોષ વાક્ય કયું?
યુધિષ્ઠિર : ‘મને ખબર નથી!’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
186644
Views
30932
Views
23964
Views
21164
Views