Whether Going Abroad Or Traveling, Racket Of Giving Negative Report Of Corona Without Doing Test
ભાસ્કર સ્ટિંગ:વિદેશ જવું હોય કે ફરવા, ટેસ્ટ કર્યા વિના જ કોરોનાના નેગેટિવ રિપોર્ટ આપવાનું સુરતમાં રેકેટ
સુરત10 કલાક પહેલાલેખક: મોઇન શેખ
કૉપી લિંક
રિપોર્ટરનાં સેમ્પલ લીધાં વિના કોરોના ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આપી દેવાયો.
આધારકાર્ડ મગાવી રૂ. 900માં નેગેટિવ રિપોર્ટ આપતી ખાનગી ‘જીન’ લેબના નંબર પરથી રિપોર્ટની કોપી મોકલી
ફરવાલાયક સ્થળોએ બતાવવા પડતા કોરોના રિપોર્ટના ગોરખધંધા ત્રીજી લહેર માટે ઘાતક સાબિત થશે
સુરતની જીન લેબનો રિપોર્ટ મળશે, બધે માન્ય ગણાશે, વિદેશ જવું હોય તો પાસપોર્ટ આપો, એ રિપોર્ટ પણ આપીશું: વચેટિયો
કોરોના શરૂ થયો ત્યારથી જ સુરત સહિત રાજ્યનાં વિવિધ શહેરોની લેબમાં ખોટા રિપોર્ટ આપવાના ગોરખધંધા ચાલે છે. હજુ પણ આ સિલસિલો ચાલુ છે. કોરોનાના કેસ ઘટી જતાં ટૂરીઝમનાં સ્થળો ખૂલી ગયાં છે. ફરવાલાયક સ્થળોએ કે વિદેશમાં એન્ટ્રી માટે બતાવવા પડતા કોરોના નેગેટિવ રિપોર્ટ બનાવવાના ગોરખધંધાનો ‘દિવ્ય ભાસ્કરે’ પર્દાફાશ કર્યો છે. શહેરની અનેક ખાનગી લેબોમાં ટેસ્ટિંગના નામે પૈસાનો ખેલ ચાલે છે. કોઈપણ વ્યક્તિને લેબ સીધેસીધા ટેસ્ટ વિના રિપોર્ટ નહીં મળે એવું નથી કહેતી, પરંતુ લેબ વતી કામ કરતા વચેટિયા પોતાનું મોઢું બતાવ્યા વગર માત્ર વ્હોટ્સએપ પર જ સમગ્ર ખેલ કરી નાખે છે. લેબમાં ગયા વિના અને કોઈપણ પ્રકારનાં સેમ્પલ આપ્યાં વિના સુરતની નાનપુરા વિસ્તારમાં આવેલી જીન લેબનો રિપોર્ટ વચેટિયાએ વ્હોટ્સએપમાં જ મોકલી આપ્યો હતો. ‘દિવ્ય ભાસ્કરે’ પહેલા નાનપુરાની એક ખાનગી લેબમાં ફોન કરી પૂછ્યું કે અમારા એક ગ્રુપને ગોવા ફરવા જવું છે. ટેસ્ટ વિના આરટી-પીસીઆરનો રિપોર્ટ નેગેટિવ બનાવી આપશો, નાણાં જે થાય એ આપી દઈશું ?
ટેસ્ટ વિના રિપોર્ટ માગ્યો તો એક લેબે ના પાડી, અડધા કલાકમાં એ લેબના રેફરન્સથી સામેથી જ વચેટિયાએ ડીલ કરી.
આ પ્રશ્નના જવાબમાં લેબે ના પાડી હતી, પણ થોડી જ વારમાં એક એજન્ટનો ભાસ્કરના રિપોર્ટર પર ફોન આવ્યો અને કહ્યું કે ફિરોઝભાઈએ તમારો નંબર આપ્યો છે. અમે ટેસ્ટ વિના રિપોર્ટ આપી દઈશું. ટેસ્ટનાં નાણાં એડવાન્સમાં ઓનલાઈન આપવા પડશે. જ્યાં પણ જવું હશે ત્યાં આ રિપોર્ટ માન્ય ગણાશે, જે જીન લેબનો ઓરિજિનલ રિપોર્ટ હશે. વિદેશ જવું હોય તોપણ કહેજો, જેમાં પાસપોર્ટની કોપી આપવી પડશે. અત્યારે તમે માત્ર આધારકાર્ડ મોકલો. રિપોર્ટ તાત્કાલિક નહીં મળે, કેમ કે 8 કલાકની પ્રોસેસનો સમય બતાવવો પડે છે. શનિવારે સાંજે ભાસ્કરે ત્રણ રિપોર્ટરનાં આધારકાર્ડ મોકલ્યાં હતાં, જેની સામે સેમ્પલ વિના જ રવિવારે બપોરે રિપોર્ટ મોકલી આપ્યા હતા. પ્રત્યેક રિપોર્ટના 900 લેખે 2700 રૂપિયા લીધા હતા.
ક્રોસ વેરિફિકેશનની કોઈ સિસ્ટમ નથી
આ કૌભાંડ કરનારા ખૂબ સારી રીતે જાણે છે કે કોઇપણ એન્ટ્રી પોઇન્ટ કે એરપોર્ટ પર આરટી-પીસીઆર રિપોર્ટની ચકાસણી માટે કોઈ યોગ્ય સિસ્ટમ જ નથી, જેને કારણે આવા બોગસ રિપોર્ટ લઈને લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવ-જા કરી રહ્યા છે.
જીન લેબ વતી વચેટિયાએે ત્રણ ટેસ્ટના 2700 રૂ. પેટીએમથી લીધા હતા. ભાસ્કરે જીન લેબના સત્તાવાર લોકો સાથે સીધો સંવાદ કર્યો નથી, પરંતુ રિપોર્ટ જીન લેબના ઓફિશિયલ વ્હોટ્સએપથી આવ્યો હતો.
‘તબીબોના પણ રિપોર્ટ કાઢીએ છીએ’
આરટી-પીસીઆર ટેસ્ટ કરવા માટે સેમ્પ્લ લીધા વિના જ રિપોર્ટ આપવાની વાત કરનારો ટાઉટ એટલો મક્કમ હતો કે તેણે વિશ્વાસ આપતાં કહ્યું હતું કે તમે બિલકુલ ગભરાશો નહીં. અમે તો લાંબા સમયથી આ કામ કરતા આવ્યા છીએ. અમે તો ડોક્ટર્સના પણ આવા રિપોર્ટ કાઢીને આપીએ છીએ.
આ સ્ટિંગ કેમ કરવામાં આવ્યું?
‘દિવ્ય ભાસ્કર’ પાસે એક કિસ્સો આવ્યો, જેમાં એક પરિવાર ચાર દિવસ માટે ગોવા ફરવા ગયો હતો. સુરતથી ગોવા ફલાઈટમાં જવા માટે 5 સભ્યનો રિપોર્ટ સુરતની જ એક જાણીતી લેબે ટેસ્ટ વિના જ આપી દીધો હતો. પ્રતિ વ્યક્તિ માત્ર રૂ.400 લીધા હતા, જ્યારે આ પરિવાર ગોવાથી પરત ફર્યો ત્યારે પણ એરપોર્ટ પર બતાવવા ફરીથી આરટી-પીસીઆરની જરૂર પડી હતી. ત્યાં તેઓ ટેસ્ટ કરાવવા ફર્યા પણ એક રિપોર્ટના 2,000 લેખે 10,000 રૂપિયા માગ્યા. દરમિયાનમાં ત્યાં એક રેસ્ટોરાં ચલાવનારાએ કહ્યું કે ટેસ્ટ વિના જ રિપોર્ટ આપી દઈશું. 1,000 રૂપિયા લઈ ગોવાથી પણ સુરતની જેમ જ રિપોર્ટ મળી ગયો. આ રિપોર્ટ ગોવા એરપોર્ટ અને સુરત એરપોર્ટ ઓથોરિટીએ પણ તપાસ્યો અને પરિવારને જવા દેવાયો. આ કિસ્સો જાણવા મળતાં ભાસ્કરે સરકારી તંત્રની આંખો ખોલવા અને રિપોર્ટ ખરેખર કાયદેસર છે કે નહીં તેની ચોક્કસાઇ કરનારી સિસ્ટમ ઊભી થાય એ હેતુથી આ સ્ટિંગ કર્યું છે.
જીન લેબના જે નંબર પરથી રિપોર્ટ મળ્યો એનો ઓફિશિયલ વ્હોટ્સએપ DPનો સ્ક્રીનશોટ
ભાસ્કરના રિપોર્ટરે જીન લેબના વચેટિયા મહેશ પરમાર સાથે કરેલી વાતચીતના અંશો...
રિપોર્ટર : અમે 3 છીએ, ગોવા જવું છે પણ ખબર પડી કે ત્યાં RT-PCR રિપોર્ટ વગર એન્ટ્રી નથી તો શું કરીએ?
ફિરોઝ : RT-PCR ટેસ્ટ અમે નથી કરતા, એટલે ઓનો રિપોર્ટ નથી આપતા. તમે જીન લેબમાં જાવ.
(થોડા સમય બાદ મહેશનો રિપોર્ટર પર ફોન આવે છે)
રિપોર્ટર : હેલો...
મહેશ : ફિરોઝભાઈએ તમારો નંબર આપ્યો છે, આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો છે?
રિપોર્ટર : હા... કરાવવો છે.
મહેશ : આધારકાર્ડની કોપી, મોબાઇલ નંબર મોકલી ગૂગલ પે કરો. રિપોર્ટ ક્યારે જોઈએ છે?
રિપોર્ટર : મને કાલે જ જોઇએ, કાલની ફ્લાઇટ છે.
મહેશ : કાલે કેટલા વાગ્યે જોઇએ?
રિપોર્ટર : આવતીકાલે સાંજે જોઇએ.
મહેશ : સાંજે કેટલા વાગ્યે, 6 વાગ્યે કે 9 વાગ્યે?
રિપોર્ટર : મારી સાથે બીજા બે લોકો જવાના છે તો હાલ વડોદરા છે. તેઓ કાલે બપોર સુધીમાં સુરત આવી શકશે.
મહેશ : કાલે બપોર સુધીમાં આવે તો નહીં થઈ શકશે, 8 કલાકનો પ્રોસેસ ટાઇમ આપવો પડે.
રિપોર્ટર : ભાઈ, અગાઉ જેમની સાથે વાત થઈ હતી ઓ મુજબ ટેસ્ટની જરૂર નથી. રૂપિયા તમને મળી જશે.
મહેશ : હા. ટેસ્ટ કે સેમ્પ્લ લેવાની જરૂર નથી પણ 8 કલાકનો પ્રોસેસ ટાઇમ અમારે બતાવવો પડે છે.
રિપોર્ટર : હું તમને હમણાં જ ડોક્યુમેન્ટ મોકલી આપું છું, તમે ટાઇમ નાખી દેજો. આધારકાર્ડ અને રૂપિયા હમણા જ ગૂગલ પેથી મોકલી આપું છું.
મહેશ : ઠીક છે. હમણા મોકલી આપો. કાલે 5-6 વાગ્યા સુધીમાં રિપોર્ટ આવી જશે.
રિપોર્ટર : કઈ લેબનો રિપોર્ટ આવશે? સરકાર માન્ય લેબ છે ને?
મહેશ : જીન લેબનો આવશે. સુરતમાં જે RT-PCR ટેસ્ટ કરે છે તેનો જ રિપોર્ટ બારકોડ સાથે આવશે.
રિપોર્ટર : અમે ત્રણ લોકો છીએ, કેટલા રૂપિયા થશે?
મહેશ : એકના 900 રૂપિયા. 3ના 2700 થશે.
રિપોર્ટર : ઠીક છે, હું હમણા જ રૂપિયા મોકલી આપું છું. આધારકાર્ડ પણ આ નંબર ઉપર વ્હોટ્સએપ કરું ને?
મહેશ : હા. મોકલી આપો.
(20 મિનિટ બાદ ફરીથી કોલ કરાયો)
રિપોર્ટર : રિપોર્ટ માન્ય તો ગણાશે ને? નહીં તો અમે ગોવામાં જઈને ફસાઈ નહીં જઈએ. લેબનું નામ શું છે?
મહેશ : હા. જીન લેબનો રિપોર્ટ આવશે. એ ખૂબ ફેમસ છે. તમારું જ નહીં, જે લોકો અમેરિકા જાયને એ લોકોનો પણ રિપોર્ટ કરાવ્યો છે. અમારી પાસે તો ડોક્ટર્સ પણ રિપોર્ટ કરાવે છે.
રિપોર્ટર : કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને?
મહેશ : ગેરંટી મારી. કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પાસપોર્ટ હોય તો તેની કોપી પણ મોકલી આપો. તેનો નંબર પણ રિપોર્ટમાં આવી જશે.
રિપોર્ટર : હાલ વિદેશ જવાનું નથી એટલે જરૂર નથી.
મહેશ : વિદેશ જવું હોય તો એ પણ થઈ જશે.
(ગૂગલ પેથી પેમેન્ટ માગ્યું હતું, પણ એ ન ચાલતા મહેશે 2700 રૂપિયા પેટીએમથી લીધા હતા)
અન્ય સમાચારો પણ છે...