આજે મંગળવાર છે, તારીખ 27 જુલાઈ, અષાઢ વદ ચોથ. આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર 1) મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા 2) સ્વીટી પટેલ હત્યા કેસમાં આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આરોપી અજય દેસાઈને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવશે. 3) અમેરિકન વિદેશમંત્રી એન્ટની બ્લિંકન ભારત આવશે, PM મોદી અને વિદેશમંત્રી એસ.જયશંકર સાથે આતંકવાદ અંગે ચર્ચા કરશે. 4) ઓનલાઈન પરીક્ષા ન આપી શકનારા વિદ્યાર્થીઓ માટે આજે ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા યોજાશે. હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર 1) અમદાવાદના વસ્ત્રાપુરમાં બેરોજગાર યુવકે ટ્રેડિંગ કંપનીના કર્મચારીની આંખમાં મરચું નાખી રૂ. 2 કરોડની દિલધડક લૂંટ કરી, આરોપી પકડાયો અમદાવાદ શહેરમાં બપોર બાદ 2 કરોડની લૂંટનો દિલધડક બનાવ બન્યો હતો. શહેરના વસ્ત્રાપુરમાં ધોળા દિવસે ટ્રેડિંગ કંપનીના કર્મચારીની આંખમાં મરચું નાખી અઢી કરોડની લૂંટ થઈ હતી. ગ્રો મોર નામની ટ્રેડિંગ કંપનીના કર્મચારીને લૂંટીને લૂંટારુ ભાગ્યો હતો. પરંતુ બહાદુર કર્મચારીએ તેની એક્ટિવા ઝડપી લીધી હતી. આ દરમિયાન અન્ય વેપારીઓ અને પોલીસ પહોંચી જતા લૂંટારું પોલીસ પકડમાં આવી ગયો હતો. 2) સુરતમાં સાળી પર રેપ કેસમાં પેરોલ પર છૂટેલા બનેવીએ 11 વર્ષીય સાળાની હત્યા કરી, હત્યારો બિહાર ભાગી ગયો સુરત શહેરના પનાસમાંથી 11 વર્ષના બાળકનું અપહરણ કરી હત્યા મામલે ખટોદરા પોલીસની ટીમ હત્યારાને પકડવા માટે બિહાર રવાના થઈ છે. હત્યારો ખુદ બાળકનો જીજાજી છે. જ્યારે સાળીના રેપ કેસમાં આજીવન સજાનો કેદી પણ છે. મૃતક બાળકની બહેન અને આરોપીની પત્નીએ જ 5 દિવસ પહેલા તેને પેરોલ પર છોડાવ્યો હતો. 3) વડોદરાના પંડ્યા બ્રિજ પાસે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન એક્ટિવા પર જઈ રહેલી યુવતીની છેડતી, ત્રિપુટીએ યુવતીના વાળ પકડીને રોડ પર ઢસડીને માર માર્યો વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસેથી રાત્રિ કર્ફ્યૂના અમલ બાદ પસાર થઈ રહેલી એક્ટિવાસવાર યુવતીનો પીછો કરી અજાણી ત્રિપુટીએ તેને બીભત્સ વર્તન કરી ગડદાપાટુનો માર માર્યાની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અત્રે નોંધનીય છે કે આરોપીઓએ પ્રેસમાં હોવાની ઓળખ આપીને બદનામ કરવાની ધમકી આપી હતી. 4) યેદિયુરપ્પાનું કર્ણાટકના CM પદેથી રાજીનામુ; તક આપવા બદલ PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે CM પદ પરથી રાજીનામું આપ્યું છે. રાજ્યમાં ભાજપની સરકારને બે વર્ષ પૂરાં થયાં હતા. આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા યેદિયુરપ્પાએ રાજીનામાની જાહેરાત કરી હતી. થોડીવાર પછી તેમણે રાજભવન પહોંચીને ગવર્નરને રાજીનામું સોપ્યું હતું. તેમણે કર્ણાટકની જનતાની સેવા કરવાની તક આપવા બદલ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો. 5) આસામ-મિઝોરમ બોર્ડર પર ફાયરિંગ; અમિત શાહના પ્રવાસના એક દિવસ પછી બંને રાજ્યોનાં નાગરિકો-પોલીસ વચ્ચે ઘર્ષણ ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતના એક દિવસ પછી જ આસામ અને મિઝોરમ વચ્ચે સરહદ વિવાદનો મુદ્દો સોમવારે ભડક્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આસામના સુરક્ષાદળો અને મિઝોરમના નાગરિકો વચ્ચે ઘર્ષણ થયું હતુ. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ દાવો કર્યો હતો કે આ અથડામણમાં તેમના છ જવાનોનાં મોત નિપજ્યાં હતા 6) ટિકૈતે કરી જાહેરાત-15 ઑગસ્ટે ફરી થશે ટ્રેક્ટર રેલી; 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર ઉપદ્રવ થયેલો ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે હરિયાણામાં જીંદના ખેડૂતો તરફથી 15 ઑગસ્ટે ટ્રેક્ટર રેલી નિકાળવાની ઘોષણાનું સમર્થન કર્યુ છે. ટિકૈતે રવિવારે કહ્યું કે ટ્રેક્ટર રેલી કાઢવી કંઇ ખરાબ બાબત નથી. ઉત્તર પ્રદેશના મુરાદાબાદ, હાપુડ અને અમરોહાથી ખેડૂતોનાં જૂથો દિલ્હી આવશે અને 15 ઑગસ્ટે રસ્તા પર પરેડ કરશે. 7) મહારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખલનમાં દટાયેલા 53 લોકોના મૃતદેહ મળ્યા; અન્ય 35 લોકો જીવતા હોવાની ગ્રામજનોને આશા નહીં મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મહાડ તાલુકાનાં તલીયે ગામમાં 22 જુલાઈની સાંજે 5 વાગે થયેલ ભૂસ્ખલનના 45 ઘર જમીનદોસ્ત થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ગામના લગભગ 85 જેટલા લોકો દટાઈ ગયા હતા, જેમાંથી 53ના મૃતદેહ સોમવારે સવાર સુધીમાં બહાર કાઢવામાં આવ્યા છે. 23 જેટલા લોકો હજી પણ દટાયા છે. મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં 1) તેલંગણાના કાકતીય રૂદ્રેશ્વર રામપ્પા મંદિરને યુનેસ્કોએ વૈશ્વિક ધરોહરમાં સામેલ કર્યું; ભારતનું 31મું સાંસ્કૃતિક વિશ્વ ધરોહર બન્યું 2) મહારાષ્ટ્રમાં વરસાદની વિવિધ દુર્ઘટનામાં 228 લોકોનાં મૃત્યુ, 21 જિલ્લા ભારે વરસાદથી પ્રભાવિત; CM ઉદ્ધવ ઠાકરે જન્મદિવસ નહિં ઊજવે 3) મીરાબાઈ ચાનૂ સ્વદેશ ફરી; દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, એરપોર્ટ સ્ટાફે ભારત માતાની જય બોલાવી, RT-PCR ટેસ્ટ પણ કરાવ્યો આજનો ઈતિહાસ વર્ષ 1949માં આજના દિવસે પ્રથમ વખત જેટ એન્જિન ધરાવતા વિમાનમાં 'ડી હૈવિલેન્ડ કોમેટે' ઉડાન ભરી હતી. અને આજનો સુવિચાર મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ છે. તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું.. અન્ય સમાચારો પણ છે...