Share 2004 બાદ પહેલી વખત કેન્દ્રીય પ્રધાનમંડળમાં સુરતના સાંસદને સ્થાન મળ્યું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં સુરતના સાંસદ દર્શના જરદોશે સોગંદ લેતા 17 વર્ષ બાદ કેન્દ્ર સ્તરે સુરતને પ્રતિનિધિત્વ મળ્યું છે. અગાઉ કાશીરામ રાણા 1998થી 2004 સુધી કેન્દ્રમાં પ્રધાન રહ્યા હતા. દર્શના જરદોશ 2009માં પહેલી વખત સુરતના સાંસદ તરીકે ચૂંટાયા હતા. છ ટર્મ સુધી સુરતના સાંસદ રહેલા કાશીરામ રાણાને કાપીને દર્શના જરદોશને ટિકિટ આપવામાં આવી હતી. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ ફરી ચૂંટાયા હતા. ત્રણ ટર્મ સાંસદ રહેલા દર્શના જરદોશ તળ સુરતી સમાજના છે. કાશીરામ રાણા બે વખત કેન્દ્રમાં કેબિનેટ પ્રધાન બન્યા હતા. 1998થી 2003 સુધી તેઓ કેન્દ્રના ટેક્સટાઇલ પ્રધાન હતા જ્યારે 2003થી 2004 સુધી તેઓ ગ્રામીણ વિકાસ ખાતાના કેબિનેટ પ્રધાન હતા. ડો. મનમોહનસિંહની યુપીએ સરકારમાં બારડોલીના સાંસદ ડો. તુષાર ચૌધરીને પ્રધાન બનાવવામાં આવ્યા હતા. 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર રચાઇ ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાંથી કોઇને પ્રતિનધિત્વ મળ્યું નહોતું. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતની ભરૂચ, સુરત, બારડોલી, વલસાડ લોકસભા બેઠક પર ભાજપે કલીન સ્વીપ કરી હતી. કેન્દ્રીય પ્રધાનમંડળની ફેરરચનામાં નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પ્રધાન બનાવવાની અટકળ વચ્ચે દર્શના જરદોશનું નામ જાહેર થયું છે. છ ટર્મ મોરારજી દેસાઈ, છ ટર્મ કાશીરામ રાણા સાંસદ ચૂંટાયા હતા આઝાદીથી 1977 સુધી સુરત સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ મોરારજી દેસાઇએ કર્યુ હતું. તેમણે દેશના નાણાપ્રધાનથી લઇને વડાપ્રધાન સુધીની જવાબદારી સુરતના સાંસદ તરીકે નિભાવી હતી. મોરારજી દેસાઇ બાદ કાશીરામ રાણાને કેન્દ્રીય પ્રધાનમંડળમાં તક મળી હતી. છ ટર્મ મોરારજી દેસાઇ અને છ ટર્મ કાશીરાણ રાણા બાદ ત્રણ ટર્મથી ચૂંટાતા દર્શના જરદોશને કેન્દ્રમાં તક મળી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Photo Gallery