With The Arrival Of 'Aap', The BJP Government On 'Action Mode', Lokpal Will Be Appointed In Every District Of The State, Also Sent A Proposal To The Center
તૈયારી જીત કી:'આપ'ના આગમન સાથે જ ભાજપ સરકાર 'એક્શન મોડ' પર, રાજ્યના દરેક જિલ્લામાં લોકપાલની નિમણૂક કરાશે, કેન્દ્રમાં દરખાસ્ત પણ મોકલી દીધી
ગાંધીનગર17 કલાક પહેલા
કૉપી લિંક
કેજરીવાલે લોકપાલની લડત બાદ જ રાજકીય પાર્ટીની સ્થાપના કરી દિલ્હીમાં શાસનકર્તા બન્યા
ગુજરાતમાં આમઆદમી પાર્ટીની એન્ટ્રી સાથે જ રાજ્યની ભાજપ સરકાર એક્શન મોડ પર આવી ગઈ છે અને ‘આપ’ ને કોઈ રાજકીય મુદ્દો જ ના મળે અને એના સુપ્રીમો કેજરીવાલની ભૂતકાળની લડતનું ભૂત ગુજરાતમાં પણ ફરી ના સળવળે એ માટે નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે, જેના ભાગ રૂપે ગુજરાતમાં હવે રાજય સરકાર દરેક જિલ્લામાં ‘લોકપાલ’ની નિયુક્તિ કરશે. રાજ્ય સરકારે આ અંગેની એક દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી આપી છે અને આગામી ચાર માસમાં આ નિયુક્તિ થઈ જશે.
નિવૃત્ત IAS અધિકારીને લોકપાલ તરીકે નિયુક્ત કરાશે
રાજ્યમાં નિવૃત્ત IAS કે એ કક્ષાના નિવૃત્ત અધિકારીને લોકપાલ તરીકે નિયુક્ત કરાશે. રાજ્યના નિવૃત્ત અધિકારીઓ, જેઓ લાંબા સમય સુધી ઉચ્ચ સ્થાને ફરજ બજાવી ચૂકયા હોય તેઓ સરકારી પ્રક્રિયાથી જાણકાર હોય તેવા અધિકારીઓને બેસાડવામાં આવી શકે છે. જોકે નિવૃત્ત અધિકારીઓ સરકારની ‘ફેવર’ પણ કરી શકે એવો ભય છે. સરકારની આ દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ જિલ્લા કક્ષાના લોકપાલની કચેરીનું માળખું અને નિયમો ઘડી કઢાશે.
ગુજરાતમાં ‘આપ’ના આગમનથી અગમચેતી
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં જ આમઆદમી પાર્ટીનો ગુજરાતમાં પ્રવેશ થયો છે અને રાષ્ટ્રીય કક્ષાએ લોકપાલની નિયુક્તિ મુદ્દે જે આંદોલન થયું હતું એમાં ‘આપ’ના હાલના વડા અરવિંદ કેજરીવાલ જોડાયા હતા અને એ સમયથી જ તેઓ જાણીતા બન્યા હતા અને બાદમાં દિલ્હીમાં તેમની ‘આપ’ની સરકારનું બે ટર્મથી શાસન છે. હવે ગુજરાતમાં ‘આપ’ના આગમનથી તેની અગમચેતીરૂપે ભાજપ સરકારે આ પગલું લેવાની પ્રક્રિયા શરૂ કરી હોવાનું જાણકારો માની રહ્યા છે.
સરકાર-સંગઠન વચ્ચે તાલમેલ બેસાડવા રૂપાણી અને પાટીલ મળ્યા
ગુજરાત સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે તાલમેળ ચાલતો રહે એ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના બંગલે પક્ષના પ્રમુખ પાટીલને મળ્યા હતા. બે કલાક સુધી બંધબારણે થયેલી બેઠકમાં રૂપાણીએ જ પાટીલને સામે ચાલીને આંતરિક બાબતોની ચર્ચા માટે બોલાવ્યા હતા.
ગુજરાતમાં કેજરીવાલની આમઆદમી પાર્ટીનું આગમન.
પાટીલને કડક સૂચનાઓ આપવામાં આવીઃ સૂત્ર
પાટીલ રૂપાણીના બંગલે પહોંચ્યા હતા અને તેમણે આ મંત્રણા શરૂ કરી હતી. ભાજપના ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને છેલ્લે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત વખતે આ બન્ને નેતાઓને એમાંય ખાસ કરીને પાટીલને કડક સૂચના અપાઇ હતી કે સરકાર અને સંગઠન સાથે મળીને કામ કરે અને વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઇને તમામ ગતિવિધિઓ સંભાળે. એ પછી આ ઘટના બની હોવાનું ભાજપનાં સૂત્રો જણાવે છે.
આગામી બદલી વિશે ચર્ચા કરી હોવાની આશંકા
ગયા સપ્તાહે સરકારના તમામ મંત્રીઓએ વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરી પોતાના વિભાગનાં કામોની પ્રગતિ અંગે સમીક્ષા કરી હતી, એને લઇને પણ રૂપાણી અને પાટીલ વચ્ચે વાતચીત થઇ હોય એ સંભવ છે. આ બેઠકમાં તેમણે આગામી સમયમાં રાજ્યમાં થનારી આઇપીએસ અધિકારીઓની બદલી અંગે પણ વાતચીત કરી હોવાનું જાણમાં આવ્યું છે. આ બેઠક બાદ પાટીલ સીધા જ પક્ષના મુખ્ય કાર્યાલય કમલમ્ પર આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...