આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે ઈન્ડિયા-શ્રીલંકા વચ્ચે વનડે સિરીઝ શરૂ થશે,શિખર ધવન સૌથી સિનિયર ડેબ્યૂ કેપ્ટન બનશે
2) ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના
3) રાજ્યના 8 મહાનગર સહિત 33 જિલ્લામાં વેક્સિનેશન આજે બંધ રહેશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચારો
1) કોંગ્રેસ-NCPમાં તકરારની વાત વચ્ચે PM મોદીને મળ્યા શરદ પવાર, એક કલાક સુધી થઈ બંધ બારણે વાતચીત
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની વચ્ચે ચાલી રહેલા તકરાર વચ્ચે NCP સુપ્રીમો શરદ પવારે શનિવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓની વચ્ચે લગભગ એક કલાક સુધી બંધ બારણે વાતચીત થઈ હતી. જો કે આ મુલાકાત બાબતે હજી સુધી NCPએ પણ કોઈ ખુલાસો કર્યો નથી.
2) છેલ્લા પાંચ વર્ષમાં જુલાઈ સુધીનો સૌથી ઓછો 20.72 ટકા વરસાદ, ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર 7 ઈંચ વરસાદ
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સમગ્ર સિઝનમાં વરસાદની ઘટ જોવા મળી છે. આ વર્ષે માત્ર 7 ઈંચ વરસાદ જ થયો છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થયો છે. પરંતુ અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઓછો વરસાદ થયો છે. 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 84 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 45 મીમી વરસાદ નોંધાયો છે.
વાંચો સમાચાર વિગતવાર
3) મહીસાગરના સંતરામપુરમાં મહિલાના અમાનવીય રીતે ગર્ભપાતના વીડિયોથી ચકચાર, આરોગ્યમંત્રી નીતિન પટેલે તપાસના આદેશ આપ્યા
મહીસાગરના સંતરામપુરમાં બેરોકટોકપણે ચાલતા ગર્ભપાતના વેપારનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો છે. જિલ્લામાં બાળકોની ગર્ભમાં જ હત્યા કરવાની ઠેર-ઠેર હાટડીઓ ચાલી રહી છે, ત્યારે એક મહિલાના અમાનવીય રીતે ગર્ભપાતનો વીડિયો સામે આવતાં ચકચાર મચી છે. આ વીડિયોમાં 4 જેટલી મહિલા એક મહિલાને જમીન પર સુવડાવી ગર્ભપાત કરાવી રહી છે. આ ઘટનામાં આરોગ્ય મંત્રી નીતિન પટેલ તપાસના આદેશ આપ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર
4) થરાદના ચોથાનેસડા ગામની મહિલાએ ચાર બાળક સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી, બે બાળક અને માતાનું મોત
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પસાર થતી નર્મદાની કેનાલમાં એક મહિલાએ તેનાં ચાર બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું, જેમાં બે બાળક અને માતાનું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. કેનાલ અહીંના લોકો માટે સુસાઇડ પોઈન્ટ બની ગયો છે. નર્મદાની મુખ્ય કેનાલમાં મહિલાએ બાળકો સાથે ઝંપલાવતાં આજુબાજુના લોકો તેમજ સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા. બચાવ કામગીરીમાં બે બાળકોને આબાદ બચાવ થયો છે.
વાંચો સમાચાર વિગતવાર
5) રાજકોટમાં ડોમિનોઝમાં નોકરી કરતી મહિલાને મેનેજરે નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી એક વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું
રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર રિલાયન્સ મોલમાં આવેલા ડોમિનોઝમાં નોકરી કરતી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પીઝા સેન્ટરના પરપ્રાંતીય મેનેજરે નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી એક વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. હાલ આરોપી ફરાર થયો છે અને પીડિતાની ફરિયાદને આધારે માલવિયાનગર પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપી ઉમેશ શર્મા મૂળ ઉતરપ્રદેશના મથુરાના વતની છે અને ડોમિનોઝ પીઝા સેન્ટરના મેનેજર છે.
વાંચો સમાચાર વિગતવાર
6) સુરતના બિલ્ડરે 192 કિલોનો 'તૈમુર' બકરો રૂપિયા 11 લાખમાં ખરીદ્યો, ઇદના દિવસે કુરબાની સાથે ઉજવણી
સુરતમાં બકરી ઇદની ઉજવણીની તૈયારીઓ ધામધૂમથી શરૂ થઈ ગઈ છે. પંજાબી, કાશ્મીરી, રાજસ્થાની, સીરોઇ નસલના બકરા મંડીઓમાં મોં માગી કિંમતે મુસ્લિમ બિરાદરો બકરાની ખરીદીઓ કરી રહ્યા છે. સુરતના ઇતિહાસમાં પહેલી વાર તૈમુર નામનો એક બકરો રૂપિયા 11 લાખમાં જાણીતા બિલ્ડર ઝબલભાઈ સુરતીએ ખરીદતા આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઝબલભાઈએ જણાવ્યું હતું કે, બકરો 192 કિલોનો છે અને 46 ઇંચની ઉંચાઈ ધરાવે છે. ઇદના રોજ બકરાની કુરબાની આપી ઉજવણી કરાશે.
વાંચો સમાચાર વિગતવાર
7) NIVના રિસર્ચમાં ખુલાસો, વેક્સિન લગાવી ચૂકેલા લોકો પર ડેલ્ટા વેરિયન્ટથી મોતની સંભાવના 99%થી પણ ઓછી
સરકારથી લઇને હેલ્થવર્કર્સ સુધી દરેક વેક્સિનેશનને જ કોરોના સંક્રમણની સામે સૌથી મોટું હથિયાર માને છે. કેટલાંય સંશોધનોમાં આ સાબિત થઇ ચૂક્યું છે. વેક્સિનેશન પર કરવામાં આવેલા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી(NIV)ના સ્ટડીમાં કેટલીક આવી જ જાણકારીઓ સામે આવી છે. વેક્સિન કોરોનાના સૌથી ખતરનાક અને ઝડપથી ફેલાનારા ડેલ્ટા વેરિયન્ટથી થવાવાળા મૃત્યુ સામે 99% સુધી સુરક્ષા આપે છે. રિસર્ચના રિઝલ્ટથી ખબર પડે છે કે વેક્સિનેશન પછી સંક્રમિત થવાવાળા 9.8% લોકોને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. જ્યારે માત્ર 0.4% સંક્રમિતોની મોત થયાં છે.
વાંચો સમાચાર વિગતવાર
8) સિદ્ધુ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનશે, જોકે CM કેપ્ટનના આદેશથી બનશે 2 કાર્યકારી અધ્યક્ષ; કેબિનેટ વિસ્તરણમાં પણ સ્વતંત્ર નિર્ણય લઈ શકશે
પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે વિખવાદનો અંત આવે તે માટે એક મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ હાઈકમાન દ્વારા આ માટે 4 સૂત્રીય ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે. તે હેઠળ સિદ્ધુ પંજાબ કોંગ્રેસના નવા અધ્યક્ષ બનશે.સિદ્ધુ સાથે 2 કાર્યકારી અધ્યક્ષ પણ બનાવવામાં આવશે, જેમનું નામ અમરિંદર નક્કી કરશે. કેબિનેટમાં ફેરફારમાં પણ કેપ્ટનને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવશે. કોને મંત્રી બનાવવા અથવા કેબિનેટમાં સ્થાન આપવું કે નહીં તે અંગે સિદ્ધુ સહિત કોઈ પણ નેતા દરમિયાનગીરી કરી શકશે નહીં. કોંગ્રેસ એક-બે દિવસમાં સિદ્ધુને પ્રદેશના અધ્યક્ષ પણ બનાવવાની જાહેરાત કરી શકે છે.
વાંચો સમાચાર વિગતવાર
મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) આગ્રામાં 25 મિનિટમાં 8.5 કરોડની લૂંટ, 4 ચોર મણપ્પુરમ ગોલ્ડની ઓફિસમાં ઘુસ્યા, સ્ટાફને બંદી બનાવી 17 કિલો સોનું અને રૂ.5 લાખ લૂંટી ગયા
2) મધ્યપ્રદેશમાં વિમાન દુર્ઘટના ટળી, ટેક ઓફ કરતી વખતે રનવેથી ઉતરીને રોડ પર પહોંચ્યું એરક્રાફ્ટ, મહિલા ટ્રેની પાયલટ સુરક્ષીત
3)
ગુજરાત હાઈકોર્ટ અપ્રત્યક્ષ સુનાવણીનું જીવંત પ્રસારણ કરતી દેશની સૌ પ્રથમ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે વર્ચ્યુયલ કોર્ટનું ઉદઘાટન કર્યુ
4) કોવિશીલ્ડ લઈ ચૂકેલા લોકોનો યુરોપમાં પ્રવેશ મુશ્કેલ,યુરોપિયન એજન્સીએ કહ્યું- કોવિશીલ્ડના ઓથરાઇઝેશન માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી અરજી મળી નથી
આજનો ઈતિહાસ
વર્ષ 1947માં આજના દિવસે બ્રિટીશ પાર્લામેન્ટમાં ઈન્ડિયા ઈન્ડિપેન્ડેન્ટ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો.
અને આજનો સુવિચાર
દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..
અન્ય સમાચારો પણ છે...