Share
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સાંજે (16 જુલાઈ 2021) 04 વાગે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવશે. એ વખતે કેન્દ્રીય ગૃહસહકાર મંત્રી અમિત શાહ પણ વડાપ્રધાન સાથે જોડાશે. આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પાટનગરના મહાત્મા મંદિરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ, રેલવે બોર્ડના ચેરમેન સુનિત શર્મા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત રાજ્ય મંત્રી મંડળના સભ્યો પણ સામેલ થશે.
ગુરુવારે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ડીઆરએમ અમદાવાદ દીપક ઝાએ જાહેર કર્યું હતું કે, ગાંધીનગર-વારાણસી સુપરફાસ્ટ ટ્રેન સપ્તાહમાં એકવાર ગાંધીનગરથી ઊપડીને અમદાવાદ-ગોધરા-રતલામ થઈ 24 કલાક બાદ વારાણસી પહોંચશે. મહેસાણાથી તારંગાની તળેટીમાં વરેઠા સુધી 54 કિમીનો મીટરગેજ ટ્રેક બ્રોડગેજમાં ફેરવાયો છે અને એની ઉપર મેમુ ટ્રેન દરરોજ સવારે 6.40 વાગે વરેઠાથી ઊપડી 10 વાગે ગાંધીનગર અને સાંજે 6 વાગે ગાંધીનગરથી ઊપડીને રાત્રે 10 વાગે વરેઠા પહોંચશે.
રસ્તામાં પ્રત્યેક સ્ટેશને થોભાનારી આ ટ્રેનના રૂટ ઉપર વડનગર, વરેઠા, વિસનગર, ખેરાલુ સ્ટેશનો નવા બનાવાયા છે. વડનગર રેલવે સ્ટેશન રૂ. 8 કરોડના ખર્ચે હેરિટેજ સ્ટેશન બનાવાયું છે. જ્યારે સુરેન્દ્રનગર-પીપાવાવ વચ્ચેનો 266 કિ.મીનો ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન સાથે ડબલડેક્કર કન્ટેઇનર્સ દોડી શકે તેવો બનાવાયો છે.
‘ગરુડ’ કંપની તરફથી એસ. એસ. રાઠૌરે જણાવ્યું હતું કે, ગાંધીનગર રેલવે સ્ટેશન, 318 રૂમની હોટેલ, રોડ અંડરપાસ વગેરે રૂ. 790 કરોડના ખર્ચે તૈયાર થયા છે, જે ખર્ચમાં ગુજરાત સરકારનો અને રેલવેનો હિસ્સો અનુક્રમે 74 ટકા અને 26 ટકા છે. હોટેલ રાજ્ય સરકારે લીલા ગ્રૂપને ચલાવવા આપી દીધી છે, જે મહાત્મા મંદિર-પેવેલિયન્સનું પણ સંચાલન કરે છે.
વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સચિવ વિજય નેહરાએ જણાવ્યું હતું કે, માછલીઓની સૃષ્ટિની સફર કરાવતી એક્વાટિક ગેલેરી રૂ. 260 કરોડના ખર્ચે અને રોબોટ ટેક્નોલોજીના દર્શન સાથે સંપૂર્ણપણે રોબોટ દ્વારા ચાલતા કાફેટેરિયાની મોજ કરાવતી રોબોટિક ગેલેરી રૂ. 127 કરોડના ખર્ચે તૈયાર થઈ છે.
આજે આ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન થશે
* ગાંધીનગર-વારાણસી વચ્ચે અઠવાડિયે એકવાર દોડનારી સુપરફાસ્ટ-ટ્રેનનું પ્રસ્થાન
* ગાંધીનગરથી તારંગા નજીક વરેઠા સુધીની વાયા વડનગરની દિવસમાં બેવાર દોડનારી મેમુ ટ્રેનનું પ્રસ્થાન
* ગાંધીનગર રેલવે સ્ટેશન તથા ત્યાં ફાઇવ સ્ટાર હોટેલનું ઉદ્ઘાટન
* સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલેરીઓનું ઉદ્ઘાટન
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 16, 2021