The Wife Committed Suicide With 3 Children After Becoming Husband Bao
આત્મહત્યા ફોલોઅપ:પતિ બાવો બની જતાં પત્નીએ 3 બાળક સાથે આપઘાતનું પગલું ભર્યું
ગરબાડા5 કલાક પહેલા
કૉપી લિંક
મોતને ભેટેલી ચાર વર્ષીય રિયા અને 8 માસના કનેશ તથા બાવો બનેલા નરેશની તસવીર.
ભે ગામની મહિલાએ જામનગરના ખંભાલિડામાં 3 બાળકની હત્યા કરી હતી, 2 વર્ષ પિયર બેઠી, પતિ થોડા મહિના રહી ફરી જતો રહ્યો
મહિલા બાળકોની જવાબદારીનો ભાર વેઠી ના શકી, બાળકો મારી નાખ્યા બાદ મોત સામે જોવાતી પાઇપ પકડી લીધી, પતિ ઘટનાથી અજાણ
ગરબાડા તાલુકાના ભે ગામની મહિલાએ જામનગરના ખંભાલિડા(મોરાર સાહેબ)માં ત્રણ બાળકને કૂવામાં ફેંકીને તેમની હત્યા કરી નાખી હતી. આપઘાતનો તો તેણે પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ મૃત્યુ મુખ સામે જોવાતાં કૂવાની પાઇપ પકડી લેતાં તે બચી ગઇ હતી. માતાના હાથે જ મોત પામનારાં ત્રણે બાળકોની ગુરુવારના રોજ ભે ગામમાં એક જ ચિતા ઉપર અંતિમ વિધિ કરવામાં આવી હતી. પતિ બાવો બની જતાં માથે આવી પડેલી જવાબદારીઓનો ભાર સહન નહીં કરી શકતાં મહિલાએ પોતાની કૂખે જન્મેલાં ત્રણે સંતાનોની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભે ગામના હોળી ફળિયામાં રહેતા નરેશ ભૂરિયાના લગ્ન ધાનપુર તાલુકાના નવાનગર ગામના ડોબેળ ફળિયામાં રહેતી મેસુડી સાથે થયા હતા. સુખી દાંમ્પત્ય જીવનના પરિપાક રૂપે મેસુડીબેને ચાર બાળકને જન્મ આપ્યો હતો. જોકે એકાએક જ નરેશભાઇનો સંસારમાંથી મોહ ઊઠી જતાં તે સાધુ બની ગયો હતો. પત્ની-બાળકોનો વિચાર કર્યા વગર નરેશે ઘરેથી નીકળી જતાં મેસુડીબેને થોડો સમય તો સાસરીમાં ગાળ્યો હતો, પરંતુ એ પછીથી પિયર જતી રહી હતી. બે વર્ષ બાદ નરેશ એકાએક પ્રગટ થયો હતો અને મનામણા કરીને મેસુડી અને બાળકોને ભે ગામે લઇ આવ્યો હતો. થોડો સમય સાથે રહ્યા બાદ નરેશે ફરીથી ઘર છોડી દીધુ હતું. પ્રારંભમાં તો તેની સાથે ફોન પર વાત પણ થતાં તે હરિદ્વાર તરફ હોવાનું જણાવતો હતો, પરંતુ આશરે છેલ્લા બે માસથી તો તેણે ફોન પણ બંધ કરી દીધો છે.
બીજી વખત એકલી પડી ગયેલી મેસુડીબેન સાસરી પક્ષના લોકો સાથે બાળકોને લઇને જામનગરના ખંભાલિડા જતી રહી હતી. પતિની હયાતી છતાં વિધવાનું જીવન અને બાળકોની જવાબદારી નિભાવવા પાછી પડેલી મેસુડીએ અંતે 4 માસની દીકરી રિયા, અઢી વર્ષની માધુરી અને 8 માસના કનેશ સાથે દુનિયા છોડી દેવાનો નિર્ણય કરીને અવિચારી પગલું ભર્યું હતું. જોકે તે બચી જતાં પોલીસે હત્યા સંબંધી ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રણ બાળકના વતન ભે ગામમાં અગ્નિસંસ્કાર કરાયા.
મેસુડીનાં ચાર બાળકોમાં સૌથી મોટી દીકરીનું પણ શંકાસ્પદ મોત થયું હતું
ત્રણ બાળકને કૂવામાં ફેંકી હત્યા કરનાર મેસુડીએ દાંપત્ય જીવન દરમિયાન ચાર બાળકને જન્મ આપ્યો હતો. પતિ નરેશે બાવો બની ઘર છોડ્યા બાદ ભે ગામમાં જ સૌથી મોટી દીકરીનું પણ આકસ્મિક મોત થયું હતું. દાદા સેનિયાભાઇએ જણાવ્યું હતું કે મેસુડીએ દીકરી પર ધ્યાન નહીં આપતાં મોત થયું હતું.
દાદા બાળકોના મૃતદેહ લઇને વતન આવ્યા
મસુડી સામે હત્યા સંબંધી ગુનો દાખલ કરીને પોલીસે તેની અટકાયત કરી લીધી હતી. બીજી તરફ પોસ્ટમોર્ટમની વિધિ બાદ ત્રણે બાળકોની લાશ તેમના દાદા સેનિયાભાઇને સોંપી દેવાઇ હતી. સેનિયાભાઇ સહિતના પરિવારના લોકો ત્રણે બાળકના મૃતદેહ લઇને વતન ભે ગામે આવ્યા હતા. અહીં ત્રણ બાળકના મૃતદેહને મૂકેલા ખાટલાને ચિતા પર મૂકીને અંતિમ વિધિ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...