The President Of The Education Union Demanded Millions Of Rupees To Return To Work
શિક્ષિકાનો આક્ષેપ:નોકરી પર પરત લેવા શિક્ષણ સંઘના પ્રમુખે લાખો રૂપિયા માંગ્યા
મહુવા11 કલાક પહેલા
કૉપી લિંક
ધોળીકૂઇ ગામની શાળા
રાજીનામું પરત ખેંચ્યા બાદ ફરી ફરજ પર હાજર કરવા ધોળીકૂઇની શિક્ષિકા પાસે નાણા મંગાયા
ભોગ બનનારે આપવીતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરતા આખરે તપાસ શરૂ
મહુવા તાલુકાની સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સંચાલિત પ્રાથમિક શાળાની એક શિક્ષિકાનું રાજીનામું પરત ખેંચાયા બાદ હાજર કરવા માટે લાખ્ખો રૂપિયાની માંગ થઈ હોવાનો ઓડિયો ક્લિપ વાઈરલ થતા જ શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ ગાંધીનગરથી શિક્ષણ વિભાગના નાયબ નિયામક તપાસ માટે આવ્યા હતા. હાલ મહુવા તાલુકામા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જોકે આ મુદ્દે સુરત જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ સાથે વાતચીત કરતા તેમણે પૈસા માંગવાની બાબત ખોટી હોવાની જણાવવાની સાથે ઓડિયો ક્લિપમાં એડિટિંગ થયુ હોવાનુ જણાવ્યુ હતુ.
પ્રાપ્ત વિગત મુજબ સુરત ગ્રામ્ય વિસ્તારમાં હાલ એક ઓડિયો કલીપ ખુબ જ વાઈરલ થઇ છે. આ કલીપ માં સુરત જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલ શિક્ષિકા પાસેથી કોઈ કારણસર પૈસા માંગી રહ્યા હોવાનુ જણાઈ રહ્યુ છે. સમગ્ર ઘટના પર નજર કરીએ તો કલાવતીબેન ગામીત નામના મહિલા શિક્ષક થોડા સમય અગાઉ માંગરોળ તાલુકાના પાનસરા ગામ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને કોઈક અંગત કારણોસર તેમને ફરજ પરથી રાજીનામું આપી દીધું હતુ.પરંતુ થોડા જ સમયમાં ફરીથી રાજીનામું પરત ખેંચી શિક્ષક તરીકે જોડાવા માંગતા હતા.
જેને લઇ આ શિક્ષિકા પાસે થી 4 લાખ રૂપિયા જેટલી રકમ માંગવામાં આવી હતી. જોકે શિક્ષિકા દ્વારા 4 લાખ પૈકી ના 1 લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા અને બાકીના પૈસા નહી આપતા શિક્ષિકાને માનસિક રીતે ખુબ જ હેરાન કરવામાં આવી રહી હતી. ત્યારબાદ તાલુકા ફેર કેમ્પમાં બદલી કરાવી મહુવા તાલુકામા આવી ગયા હતા.અને હાલ મહુવા તાલુકાના ધોળીકુઈ ગામે આવેલ પ્રાથમિક શાળામા ફરજ બજાવે છે. જ્યાં પણ તેમની હેરાનગતિ ચાલુ જ રેહતા તેમણે ડીપીઓ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની હેરાનગતિ અંગે વીડિયો રેકોર્ડિંગ કરી સોશિયલ મીડિયામા વાયરલ કર્યો હતો.
જે ઘટના શિક્ષણ વિભાગ ગાંધીનગર સુધી પહોંચતા નાયબ નિયામક મહુવા તાલુકામા દોડી આવ્યા હતા, અને શિક્ષકોના નિવેદનો લઈ તપાસ હાથ ધરી હતી. હાલ મહુવા તાલુકા સહિત જિલ્લામા શિક્ષિકા સાથે થયેલ અન્યાયનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કામગીરી સામે તાલુકાની જનતામા ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે.અને ડીપીઓ,ટીપીઓ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંધના પ્રમુખ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી.
ડીપીઓ અને ટીપીઓ દ્વારા પણ હેરાનગતિ થયાની રાવ
શિક્ષિકાએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી સુરત જિલ્લા ડીપીઓ અને ટીપીઓ દ્વારા પર હેરાનગતિ થઇ હોવાની ફરિયાદ કહી છે.
નાણા ન આપતા મારો પગાર કાપ્યો, ઇન્ક્રીમેન્ટ અટકાવ્યું
અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિપકભાઈ દરજીએ મારી પાસે રૂપિયા માંગ્યા હતા. જે રૂપિયા મે ન આપ્યા તેથી તેમણે મારો બે માસનો પગાર કાપી લીધો છે. મારુ ઇન્ક્રીમેન્ટ અટકાવ્યું છે અને મને હજી નવનો ગ્રેડ નથી આપ્યો, અને મારા કોઈ પણ પ્રમાણપત્ર પર સાઈન નથી કરતા ઉપરાંત અમારા ટીપીઓ કેતનભાઈ ચૌધરી મારા કેરેક્ટરની ગમેતેમ વાતો કરી મારી મજાક ઉડાવે છે.
આ ઘટના અંગે મે ફરિયાદ કર્યા બાદ નાયબ નિયામક આર.આર.પટેલ તપાસમા આવ્યા હતા તેમણે આવતાની સાથે જ મારી પર ફોન લઈ લીધો હતો અને મારી સાથે ફરિયાદી તરીકે નહીં પરંતુ હું એક આરોપી હોઉં તેવુ વર્તન કરી ધમકાવી હતી જેને લઈ હું મારું નિવેદન પણ સરખું આપી શકી ન હતી. > કલાવતીબેન ગામીત, શિક્ષિકા,ધોળીકુઈ પ્રાથમિક શાળા
વાઇરલ થયેલો આખો વીડિયો જ ખોટો છે
આ આખો વીડિયો ખોટો છે,અને મારા પર થયેલ આક્ષેપો પણ ખોટા છે.આ શિક્ષિકા મારા બેન છે.અને તમામ શિક્ષકો મારા ભાઈ બહેન છે.> કેતનભાઈ ચૌધરી, મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી
જે આક્ષેપો થયા તે ખોટા છે
જે ઓડિયો ક્લિપ વાયરલ થયો છે તેમા એડિટિંગ લાગે છે. રાજીનામા બાદ પારિવારિક તકલીફ જોઈ શિક્ષિકાબેનને અમે ફરી નોકરી અપાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમની પાસે એક રૂપિયો લીધો પણ નથી અને કોઈને આપ્યો પણ નથી. અમે ફક્ત માનવતાની દ્રષ્ટિએ એમની મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને જે આક્ષેપો થયા છે તે ખોટા છે.> કિરીટભાઈ પટેલ, પ્રમુખ,સુરત જિલ્લા શિક્ષણ સંઘ
અન્ય સમાચારો પણ છે...
એપ ખોલો