Share
દિલ્હી વિધાનસભા દ્વારા પાઠવાયેલા સમન્સને પડકારતી ફેસબુક ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને એમડી અજિત મોહનની અરજી પર ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સમગ્ર વિશ્વને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકાતી પોસ્ટ સાચી છે કે ખોટી તેની ચકાસણી સમાજના ઘણા લોકો કરી શક્તા નથી તેથી ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતી ડિબેટ અને મુકાતી પોસ્ટ સમાજનું ધ્રુવીકરણ કરવાની ક્ષમતા ધરાવે છે. દિલ્હી રમખાણોના મામલામાં ફેસબુકના અધિકારીઓને સાક્ષી તરીકે હાજર થવા દિલ્હી વિધાનસભાની હાર્મની કમિટીએ સમન્સ પાઠવ્યા હતા પરંતુ ફેસબુકના અધિકારીઓ હાજર થયા નહોતા. તેમણે આ સમન્સને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો. આ મામલામાં ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, દિલ્હી રમખાણોને લગતા ક્રિમિનલ કેસોમાંના પુરાવા ચકાસવાનું કામ રાઘવ ચઢ્ઢાના નેતૃત્વ હેઠળની દિલ્હી વિધાનસભાની કમિટીનું નથી. દિલ્હી વિધાનસભાની કમિટીએ રમખાણ કેસમાં ફેસબુક સામે કાર્યવાહી કરવાનું નિવેદન આપવું જોઇએ નહીં.
પીએસ એન્ડ હાર્મની કમિટી માત્ર સમન્સ પાઠવી શકે છે : કોર્ટ
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને પોલીસ દિલ્હી વિધાનસભાના કાર્યક્ષેત્રમાં આવતાં નથી તેથી દિલ્હી રમખાણો પર ટિપ્પણી કરવાનો પીસ એન્ડ હાર્મની કમિટીને કોઇ અધિકાર નથી. તેઓ માત્ર સમન્સ પાઠવી શકે છે. વિશેષ કરીને દિલ્હી વિધાનસભાની કમિટીએ ક્રિમિનલ કેસો અને પુરાવાના પ્રકાર પર કોઇ ટિપ્પણી કરવી જોઇએ નહીં. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જો ફેસબુકના અધિકારી દિલ્હી વિધાનસભાની કમિટી સમક્ષ હાજર થવાનું નક્કી કરે તો પણ કમિટી તેમને કોઇપણ પ્રકારના જવાબ આપવા દબાણ કરી શકે નહીં. કમિટી તેમની સામે વિધાનસભાના વિશેષાધિકારના ઉલ્લંઘનની કાર્યવાહી કરી શકશે નહીં. ડિસેમ્બર ૨૦૨૦માં પીસ એન્ડ હાર્મની કમિટીએ ફેસબુકના અધિકારીઓ દ્વારા કરાયેલી અરજીમાં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની માગ કરી હતી.
૨૭ કરોડ યૂઝર્સ સાથે ફેસબુકને અનિયંત્રિત થવા દેવાય નહીં : કોર્ટ
કોેર્ટે વધુમાં જણાવ્યું કે, સંખ્યાની દૃષ્ટિએ વિચારીએ તો માર્ચ ૨૦૨૧ સુધીમાં દુનિયામાં ૨.૮૫ યૂઝર્સ ફેસબુક ઉપર રજિસ્ટર્ડ હતા. ભારતમાં ૨૭ કરોડ લોકો રજિસ્ટર્ડ યૂઝર્સ છે. આટલી મોટી સંખ્યામાં યૂઝર્સ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અનિયંત્રિત થવા દેવાય નહીં. સોશિયલ મીડિયા દ્વારા જે રીતે મેનિપ્યુલેશન કરી શકાય છે તે લોકશાહી દેશો માટે જોખમ ઊભું કરી શકે છે. મતદાન અને ચૂંટણીઓ દરેક લોકશાહી દેશના પાયા સમાન હોય છે. સોશિયલ મીડિયા દ્વારા મોટાપાયે આ બાબતે ધ્રુવિકરણ કરી શકાય છે. આવા ધ્રુવિકરણનું પરિણામ ખૂબ જ ભયાનક આવતું હોય છે. સોશિયલ મીડિયાના પોતાના પડકારો છે અને તેને જવાબદારીમાંથી છટકી જવા દેવાય નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery