Share
રાજ્યભરમાં ચકચાર જગાવનારા સ્વીટી પટેલ કેસની તપાસ શરૂ કર્યાના 72 કલાકમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 48 દિવસથી દફનાયેલા રહસ્યને ઉજાગર કરી દીધું હતું. ક્રાઈમ બ્રાંચની સાત જુદી-જુદી ટીમો દ્વારા એક પછી એક આરોપી અજય દેસાઈનું ક્રોસ ઈન્ટ્રોગેશન કરવામાં આવતું હતું. આજે આરોપી દેસાઈ પોલીસ તપાસમાં ભાંગી પડયાં હતા અને સાહેબ હવે વધારે ન પુછતાં બધુ કહી દઉં છું, તેમ કહી સ્વીટી પટેલને મોતને ઘાટ ઉતાર્યા બાદ કેવી રીતે કિરીટસિંહ જાડેજાની મદદથી તેના મૃતદેહનો નિકાલ કર્યો? તેની માહિતી પોપટની જેમ ઓકી દીધી હતી.
કરજણથી 48 દિવસ પહેલા ગુમ થયેલી સ્વીટી પટેલ કેસમાં વડોદરા જિલ્લા પોલીસ કંઈ ઉકાળી શકી ન હતી. શરૃઆતથી જ માનીતા પીઆઈ દેસાઈને છાવરવામાં આવતો હતો. જેથી તા. 18 જુલાઈએ ગૃહમંત્રીએ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને એટીએસને સોંપી હતી.
તા.21મી જુલાઈએ અમદાવાદ ક્રાઈમના ડીવાયએસપી ડી.પી. ચુડાસમાએ તપાસ સંભાળી લીધી હતી. ત્યારબાદ અજય દેસાઈને અમદાવાદ લઈ જવાયા હતા. જ્યાં ક્રાઈમ બ્રાંચની સાત ટીમોએ રાઉન્ડ ધી ક્લોક દેસાઈની પુછપરછ કરી હતી. જેમાં અંધેર કોટળી જેવો માહોલ કરી અજય દેસાઈને અનેક ક્રોસ સવાલો કરાયા હતા. તેમાંય શુક્રવારે દેસાઈના કરજણ ખાતેના ઘરના બાથરૃમમાંથી લોહીના ડાઘા મળતાં તેઓ વધુ ભીંસમાં મુકાયા હતા. આખરે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીની પુછપરછમાં આરોપી અજય દેસાઈ પડી ભાંગ્યા હતા અને સાહેબ હવે વધારે ન પુછતાં બધુ કહી દઉં છું, તેમ કહી વટાણા વેરી દીધા હતા.
બાળકના જન્મ મુદ્દે ખટરાગ થતા પતિએ પત્નીનો કાંટો કાઢવા પ્લાન બનાવ્યો
સ્વીટી પટેલે છઠ્ઠા મહિને ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ કરતાં જ પીઆઇ અજય દેસાઇના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. કારણકે દેસાઇએ વર્ષ 2017માં જ સમાજની યુવતી સાથે લગ્ન કરી લીધાં હતાં. જો સ્વીટી બાળકને જન્મ આપે તો સમાજમાં પોતાના સંબંધો ખુલ્લા પડવાનો ભય હતો. જેથી અજય દેસાઇએ પત્ની સ્વીટીને બાળકને દુનિયામાં નહીં લાવવા માટે દબાણ કર્યું હતું. પરંતુ સ્વીટી ટસની મસ થઈ ન હતી તે કોઇ પણ સંજોગોમાં બાળકને જન્મ આપવા માંગતી હતી. જેને લઈ અજય અને સ્વીટી વચ્ચે ઝઘડા શરૃ થયાં હતાં. બીજી તરફ, અજય દેસાઇને સામાજીક પત્ની વડોદરા રહેવા આવી ગઈ હતી. જેથી અજય દેસાઇ સ્વીટીને વધુ સમય આપી શકતા ન હતાં. દરમિયાન સ્વીટીએ પુત્રને જન્મ આપ્યો હતો. સ્વીટી અજય દેસાઇ થકી થયેલાં બાળકની સાથે કરજણ ખાતે રહેતી હતી. અજય દેસાઇ વડોદરા સમાજીક પત્ની સાથે રહેતા હોઈ સ્વીટી રોજ તેને મેસેજ તથા કોલ કરતી હતી. સામાજીક પ્રશ્નને કારણે દેસાઇએ આડી ખીલ્લી રૃપ સ્વીટીનો કાંટો કાઢી નાંખવા પ્લાન બનાવ્યો હતો. આ પ્લાન બનાવ્યાના લગભગ દોઢ મહિના બાદ તા. ૫ જુને દેસાઇએ પત્ની સ્વીટીની હત્યા કરી મૃતદેહને સળગાવી દીધો હતો.
અજય દેસાઇએ થ્રિલર મુવીની જેમ આખો પ્લોટ ઘડયો
સાતીર દિમાગ ધરાવતા પીઆઇ દેસાઇએ પોતાના અન્ય સ્ત્રી સાથેના સંબંધો જાહેર ના થાય તે માટે થ્રિલર મુવીની જેમ આખો પ્લોટ ઘડયો હતો. જેમાં અજય દેસાઇએ તેના મિત્ર કિરીટસિંહ જાડેજાને એમ કહયું હતું કે, મારી બહેન ગર્ભવતી થઈ ગઈ છે અને તે અપરણીત છે. જો સમાજમાં ખબર પડશે તો હોબાળો મચી જશે એટલે અમે ઘરના બધાએ ભેગા મળી તેને મારી નાખી છે. હવે તેના મૃતદેહનો નિકાલ કરવાનો છે. જેથી જાડેજાએ અજય દેસાઇને મૃતદેહનો નિકાલ કરવામાં મદદ કરવા તત્પરતા બતાવી હતી. ત્યારબાદ કિરીટસિંહે બતાવેલ જગ્યા પર દેસાઇએ સ્વીટીના મૃતદેહને સળગાવી દીધો હતો.
સ્વીટી પટેલની મર્ડર મિસ્ટ્રીની તવારીખ
1. અજય દેસાઈ તા.5 જુને સવારે 8.30 વાગ્યે ઉઠયા હતા, ત્યારે પત્ની સ્વીટીબેન ન દેખાયા
2. દેસાઈએ તા.5 જૂને સવારે 11.30 વાગ્યે સાળાને તેની બહેન ગુમ થઈ હોવાની જાણ કરી
3. તા.11 જૂને સ્વીટીબેનના ભાઈએ કરજણ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ આપી
4. કરજણ પીઆઈએ હેડ કોન્સ્ટેબલને સ્વીટી પટેલ કેસની તપાસ સોંપી
5. 24 દિવસ સુધી તપાસમાં કરજણ પોલીસે કંઈ ન ઉકાળ્યું
6. તા.5 જુલાઈએ ડીએસપી સુધીર દેસાઈએ તપાસ ડીવાયએસપી કલ્પેશ સોલંકીને સોંપી
7. શંકાના દાયરામાં આવેલા અજય દેસાઈના વિવિધ ટેસ્ટ કરાવાયા
8. ડીવાયએસપીની તપાસમાં પણ સ્વીટી કેસનું રહસ્ય બહાર આવ્યું
9. 18 જુલાઈએ રાજ્યના ગૃહમંત્રીએ વડોદરાની મુલાકાત વખતે તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને આપી
10. 24 જુલાઈએ આરોપી અજય દેસાઈએ ક્રાઈમ બ્રાંચ સમક્ષ પત્ની સ્વીટીની હત્યાની કબુલાત કરી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 25, 2021