Share
રિવરફ્રન્ટની પાળેથી :- હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’
થોડા સમય પહેલાં કાચિંડાઓની કાર્યકારિણી બેઠક યોજાઈ. અખિલ ભારતીય કાચિંડા મહામંડળનું આ ચોથું કે પાંચમું મહાઅધિવેશન હતું. એજન્ડા ફક્ત એક જ હતો, પણ એકમાત્ર એજન્ડા માટે પૂરા પાંચ દિવસ સુધી મહાઅધિવેશનની બેઠકો ચાલી.
અધ્યક્ષીય પ્રવચન કરતા મહામંડળના સ્થાપક પ્રમુખશ્રી કાચિંડાલાલે સૌનું સ્વાગત કરતાં કહ્યું : આપણી પ્રજાતિનાં સૌ સજ્જનો અને સન્નારીઓ, આપ સૌને હું આવકારું છું. આજથી પૂરા પાંચ દિવસ સુધી ચાલનારા આપણા આ મહાઅધિવેશનનો એજન્ડા તો માત્ર એક જ અને એટલો જ છે કે મનુષ્યજાતિએ અને એમાંય રાજકારણી નામની એક મહાપ્રજાતિએ રંગ બદલવાની બાબતે આપણી સ્પર્ધા કરવા માંડી છે. આ પાંચ દિવસ સુધી આપણે એ જ ચિંતન કરવાનું છે કે આ લોકો આપણી સાથે પોઝિટિવલી કોમ્પિટિશન કરે તો ભલે કરે, વી ડોન્ટ માઇન્ડ, બટ… રંગ બદલવાની આપણી મૌલિક કલા સાથે ચેડાં કરીને જો નેગેટિવલી કોમ્પિટિશન શરૂ કરે અને આપણને જ ઓવરટેક કરી જાય, તો એ સહેજપણ ચલાવી લેવાય નહીં. આ પાંચ દિવસ સુધી આપણે એ જ ચિંતન કરવાનું છે કે વાર-તહેવારે રંગ બદલવાની આપણી મોનોપોલી યેનકેન પ્રકારેણ જાળવી રાખવાની છે. એ માટે આપણે ગમે તેવા અને ગમે તેટલા રંગ બદલવા પડે તો પણ બદલીશું, પણ માણસજાતિને કે એની પ્રજાતિને આપણે ફાવવા દેવાની નથી.
બીજી બાજુ કાચિંડાવાદી રાજકારણીઓની પ્રજાતિને જેવી ખબર પડી કે કાચિંડા સમાજે પોતાના રંગ બદલવાના એકાધિકાર એવા વિશેષાધિકારને બચાવવા માટે અખિલ ભારતીય કાચિંડા મહાઅધિવેશન શરૂ કર્યું છે, તો તરત જ આ લોકોએ પણ એના વિરોધમાં પોતાનું મહાસંમેલન શરૂ કર્યું.
કાચિંડાવાદી રાજકારણીઓના મહાસંમેલનના મહાઅધ્યક્ષપદેથી બોલતાં કાચિંડાભૂષણ સેવકરામે કાચિંડાઓ પ્રત્યે (અહીં ‘કાચિંડાઓ પ્રત્યે’ એટલે ઓરિજિનલ કાચિંડાઓ પ્રત્યે) ઉદારમત બતાવતાં કહ્યું, ‘ભાઈઓ અને બહેનો, મારી પહેલાં જે રાજસેવકે પોતાના ભાષણમાં કાચિંડાઓને સબક શીખવાડી દેવાની ઉગ્ર માગણી કરી અને રંગ બદલવાની એમની મોનોપોલીને ઝૂંટવી લેવાની જે તત્પરતા બતાવી એ મને જરા વધારે પડતું લાગ્યું. માફ કરજો, એમનો આટલો ઉગ્ર વિરોધ મને પર્સનલી ગમ્યો નથી. મારું માનવું એવું છે કે અગાઉના વક્તાશ્રી, નેતા બન્યા એ પહેલાં એ પ્રવક્તા હતા એટલે આટલો ગુસ્સો-જુસ્સો અને ઠસ્સો એમના એ સમયની આચારસંહિતા અને પ્રોટોકોલ પ્રમાણે ઠીક હતા, પણ હવે એ પ્રવક્તા નથી. હા, એમના એવા કામચલાઉ અને સ્ક્રિપ્ટેડ ગુસ્સા, જુસ્સા અને ઠસ્સાને લીધે નેતા બની ગયા એ સારી વાત છે, પણ હવે એમણે જવાબદારીપૂર્વકનું વક્તવ્ય શરૂ કરવું જોઈએ.
હું મૂળ મુદ્દા પર આવું. એમણે કહ્યું કે વાર તહેવારે રંગ બદલતા રહેવાની મોનોપોલી કાચિંડા પાસે છે તો ભલેને એમની પાસે રહે! એમનો રંગ એમને મુબારક! આપણે કાચિંડાની મોનોપોલીમાં ગાબડું પાડવાને બદલે આપણી પોતાની મોનોપોલી ઊભી કેમ ના કરી શકીએ? અરે, હું તો ત્યાં સુધી કહીશ મિત્રો, કે રંગ બદલવાની આપણી સૂત્રાત્મક સ્ટાઇલ અને પ્રાસાનુપ્રાસ શબ્દાવલીની મેથડને એવી ટેક્નોલોજિકલ ટ્રીટમેન્ટ આપીએ કે ઓરિજિનલ કાચિંડાઓ તો વાર-તહેવારે જ રંગ બદલતા રહે છે, પણ આપણે તો રંગ બદલવાની કલામાં સંભવામિ ક્ષણે ક્ષણેની જેમ ક્ષણે ક્ષણે! શક્તિશાળી બની રહીએ!
સાચું કહું દોસ્તો, મને તો એ વાતે શરમ અનુભવાય છે કે આઝાદીનાં આટલાં વરસો પછી પણ આપણે લોકો, રંગ બદલવાની કલામાં કાચિંડાઓથી સહેજપણ આગળ વધી શક્યા નથી. ૨૧મી સદી ટેક્નોલોજીની સદી છે. માત્ર એકાદ વાઇરસ જ નહીં, એકાદ વિચાર પણ પૂરી દુનિયાને બદલી નાખવા માટે પૂરતો હોય છે. તો ચાલો, આપણે આજના મહાસંમેલનનો આરંભ ‘ઢંગ એક રંગ અનેક’ એ સૂત્રાત્મક રંગથી કરીએ. તમને કદાચ ખબર નહીં હોય, પણ સૂત્રોનોય એક રંગ હોય છે. સૂત્રોચ્ચારનો પણ એક રંગ હોય છે. ચૂંટણીપ્રચારમાં જે રંગના શબ્દો વપરાય છે એ જ રંગના અર્થો હોય એવું જનતા અને મતદારો ભલે માને, આ માટે આપણે એમનાં ભોળપણની કદર કરીએ છીએ પણ આપણે એવા વહેમમાં નહીં રહેવાનું કેમકે મૂળે તો આપણે કાચિંડાવાદી છીએ એટલે આપણા શબ્દ, અર્થ અને સંદર્ભ લાગે એકરંગી, પણ વાસ્તવમાં તો એ હોય અનેકરંગી! આ બાબતે આપણે કાચિંડાથી જરૂર આગળ છીએ.
હા, એક વાત જરૂર સમજાય છે કે આપણા રાજકારણીય સમાજમાં એક નેતા, બીજા નેતાને પછાડીને આગળ નીકળી જવાની રાજસેવા પૂરી નિષ્ઠાથી બજાવે છે ત્યારે આપણામાંના જ કેટલાક રાજસેવકો એ નેતાની ઈર્ષા કરવા માંડે છે. પણ સાહેબ, એક નિષ્ઠાવાન પક્ષભક્ત નેતા – વરસો સુધી જે પક્ષના છાંયડે બેસી સમૃદ્ધિના શિખરે પહોંચ્યો છે એ, જ્યારે શાસકપક્ષમાં જોડાઈને મંત્રી કે ઉપમુખ્યમંત્રીની ખુરશી પર બેસી જાય છે ત્યારે એ નેતા કોઈ અન્ય નેતા સાથે સ્પર્ધા કરે છે એમ ના કહેવાય, પણ પૂરા ગૌરવ સાથે એમ જરૂર કહેવાય કે એ નેતા કોઈ નિષ્ણાત રંગપલટુ કાચિંડા સાથે સ્પર્ધા કરે છે. આપણે હવે આવી જૂની પરંપરામાંથી બહાર નીકળવાનું છે અને એક નવી પરંપરા શરૂ કરવાની છે – એ નવી પરંપરા છે : રંગ બદલવાની કલામાં આપણે કાચિંડાની નહીં, પણ કાચિંડો આપણી સ્પર્ધા કરે! અને આ નવી પરંપરાનો લાભ આપણે પૂરા રાજકારણીય સમાજને પૂરો પાડવાનો છે કે જેના થકી પૂરા રાષ્ટ્ર અને સમાજમાં સ્વયંલાભી રાજસેવા થઈ શકે.
આજે આપણે સોશિયલ મીડિયાનો સુઉપયોગ કરીને એકબીજાંને પછાડવાની કે એકબીજાંથી આગળ નીકળવાને બદલે એકબીજાંને પાછળ ધકેલી દેવાની રાષ્ટ્રસેવા કરીએ છીએ એમાંથી હવે બહાર નીકળવાનું છે. કાચિંડા પાસેથી એક વાત જે ખરેખર શીખવા જેવી છે એ તો આપણે શીખ્યા જ નથી. ખરેખર તો શીખવા જેવી વાત એ જ છે કે આજ સુધી એકપણ કાચિંડાએ અન્ય કાચિંડાને પછાડવાની કે પાછળ ધકેલી દેવાની નિમ્નસ્તરની પ્રવૃત્તિ કરી નથી. કાચિંડા પાસેથી આપણે આ શીખવાનું છે, પણ શીખ્યા નથી અને કદાચ એટલે જ પૂરો કાચિંડાસમાજ આપણી આ અનેરી એવી અનેકરંગી રંગકલા વિષે વિચારતો થઈ ગયો હશે એટલે એ લોકોએ એમનું મહાઅધિવેશન બોલાવ્યું હશે.
રંગ બદલવામાં જે રાજકારણીઓએ કાચિંડાને પણ શરમજનક સ્થિતિમાં મૂકી દીધો છે એવા મહાન રંગપરિવર્તનકારીઓને ‘કાચિંડાસ્ય આદ્યગુરુ’ નામનો માનદ ઈલકાબ આપી સન્માનિત કરવા જોઈએ. આવા રંગપરિવર્તનકારીઓને પોતાના ગુરુપદે પ્રાણપ્રતિષ્ઠિત કરીને એમનું સન્માન કરવાનું કામ ખરેખર તો ઓરિજિનલ કાચિંડાસમાજે કરવું જોઈએ. આમ તો જોકે બધું એકનું એક જ કહેવાય. ક્ષણેક્ષણે રાજરંગ બદલનારા આવા રાજરંગીઓ ઓરિજિનલ કાચિંડાનું સન્માન કરે, કે પછી ઓરિજિનલ કાચિંડાઓ આવા રાજરંગીઓનું સન્માન કરે – ફરક કોઈને પડે એમ નથી. નરસિંહ મહેતાએ વરસો પહેલાં કહેલુંને કે ‘અંતે તો હેમનું હેમ હોયે!’ એમ આપણે પણ કહી શકીએ કે – ‘અંતે તો એમનું એમ હોયે!’
રંગ બદલવો એ પક્ષપલટો કરવો કે પાટલી બદલવા જેવું સહેલું કામ નથી. ઘણીવાર તો પક્ષ બદલ્યા પછી પણ રંગ તો એનો એ જ રહેતો હોય છે. ક્યારેય ક્યાંય એવું સાંભળવા મળ્યું કે પક્ષ જાય તો પૈસા પાછા? એ તો માત્ર ને માત્ર રંગ માટે જ એવું કહેવાય, અને એય તે સો ટચના પાક્કા રંગ માટે – કે રંગ જાય તો પૈસા પાછા!
કેટલાક નેતાઓ તો એવા પણ જોવા-જાણવા અને માણવા મળ્યા છે, જેમણે પોતાનો માતૃપક્ષ કે પિતૃપક્ષ છોડીને, સામેના પક્ષનો ખેસ ઓઢી લીધો હોય તો પણ એમનો અંદરનો રંગ તો એમણે એમનો એમ જ રાખ્યો હોય છે. માણસ કદાચ વફાદારી બદલે, રંગ ન બદલે. આજે વફાદારીનો રંગ ઠોકરો ખાય છે અને ચાપલૂસીનો ‘રંગ’ રાજ કરે છે!
ચૂસકી :
યક્ષ : નશામાં અંધ કરી દે એવો શ્રેષ્ઠ મત કયો : એકમત કે બહુમત?
યુધિષ્ઠિર : ખુશામત!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery