Share
થોડા હટકે :- પ્રસન્ન ભટ્ટ
દેશમાં લાગુ કરાયેલા જીએસટીની ગત પહેલી જુલાઈએ ચોથી વરસી ગઈ. સીમલેસ ફ્લો ઓફ ક્રેડિટ એટલે કે, ચૂકવેલા કરની પરત જમા અસરની વિઘ્નરહિત પ્રક્રિયાના સિદ્ધાંત પર જીએસટીનું ગઠન થયું હતું. કરના માળખામાં આમૂલ પરિવર્તનનું સૂચક આ પરિવર્તન જ્યારથી અમલી થયું ત્યારથી તેની અસર-આડઅસર ચર્ચાના કેન્દ્રસ્થાને રહી છે. દેશમાં ખોરવાયેલી અર્થવ્યવસ્થાના જવાબદાર પરિબળોમાં જીએસટીને મુખ્ય પૈકી એક ગણાવવામાં વિરોધીઓ કોઈ કસર છોડતા નથી. વન નેશન વન ટેક્સ, એક રાષ્ટ્ર એક કર જીએસટીને પ્રસ્થાપિત કરવા માટેના સરકારી સૂત્રની સાર્થકતા તપાસવા માટે સહજ પ્રેરાયો અને જે વિગતો સામે આવી તે આઘાતથી કંઈક વિશેષ અનુભૂતિ કરાવનારી છે. જીએસટી લાગુ થયા પછી વેપાર-ઉદ્યોગ માટે વહીવટી પ્રક્રિયા સરળ થવાની અપેક્ષા હતી. કાચા માલથી અંતિમ ઉત્પાદ સુધી પ્રત્યેક તબક્કે કરનો દર સમાન હોય અને અંતિમ ઉપભોક્તા ખરીદેલા માલ-સામાન પર નિયત કર ભરે તે સરકારની તિજોરીમાં જાય. ઉત્પાદનના પ્રત્યેક તબક્કે જે પણ કર વસૂલાત થઈ હોય તે તેના ભરનારને તેના ખાતામાં પરત જમા મળે તેવી જોગવાઈ જીએસટીના નવા કરમાળખામાં ઉદ્ઘોષિત હતી. સરકારની ભદ્ર ભાવના અમલ થવાના તબક્કે જ મૂળ ઉદ્દેશથી સાવ ભટકેલી હોવાની વિગતો ચોક્કસ જ થોડી હટીને છે.
જીએસટી લાગુ થવાના ભણકારા સંભળાયા ત્યારથી જાણકારો ઈન્વર્ટેડ ડયૂટી સ્ટ્રક્ચરને લઈ ચિંતા વ્યક્ત કરતા હતા, જે ચાર વર્ષ પછી આજે સાચી ઠરતી દેખાય છે. ઉત્પાદન પ્રક્રિયામાં કાચા માલથી લઈ વિવિધ તબક્કે ઊંચા કરદર અને અંતિમ ઉત્પાદન માટે કરનો દર ઓછો રાખવાની માનસિકતા રાજકીય હેતુ પ્રેરિત હોય તેવું બને પરંતુ તેમ થવાથી જે આર્થિક અરાજકતા સર્જાવા પામી છે તેનું ચિત્ર ખૂબ જ બિહામણું છે. કાચો માલ અને અંતિમ ઉત્પાદન વચ્ચે જીએસટીની ટકાવારીનો જે ફરક છે તે તફાવતની રકમ ખરા હકદારને વાસ્તવિક સપાટી પર પરત પ્રાપ્ત થતી નથી. સરકારી ચોપડે ક્રેડિટરૂપે દેખાતી એ રકમ તેના હકદારને કાગળ પર જોવા સિવાય કોઈ કામની નથી. જીએસટીનો કાયદો લાગુ કરાયો ત્યારથી અત્યાર સુધીમાં જીએસટી કાઉન્સિલની ૪૩ બેઠકો મળી છે. આ બેઠકોમાં કરાયેલા ૯૮૯ સુધારા ફલિત કરે છે કે, આરંભે કંઈક કાચું કપાયું હતું. નવા માળખામાં આટઆટલા ફેરફાર પછી પણ આજે વ્યાપાર-ઉદ્યોગની સ્થિતિ સુખકર નથી. બજારના પડકારો વચ્ચે કાગળિયા કરવા કે વેપાર તેની દ્વિધા દિનપ્રતિદિન વધતી જોવા મળે છે. માનવજીવનની મુખ્ય જરૂરિયાત રોટી, કપડાં અને મકાન હોવાનું કહેવાય છે. આ ત્રણેય ક્ષેત્રમાં અંતિમ ઉપભોકતાના સ્તરે જીએસટીનો કરદર ન્યૂનતમ બતાવવાના પ્રયાસ થયા છે. ખરીદનાર કર રાહતની ભ્રમણા સાથે રાજી થતો રહે તેવી સરકારની દરકાર આમ તો ખોટી પણ નથી, પરંતુ આ ત્રણેય ક્ષેત્રમાં નિર્માણ પ્રક્રિયાના વિવિધ તબક્કે જરૂરી ચીજવસ્તુઓના જીએસટીના જે કરદર લાગુ છે તે વિષયને સમજવા પૂરતા થઈ રહેશે.
ઉદાહરણ સ્વરૂપે સાવ પ્રાથમિક ખાણીપીણીના ઉદ્યોગની વાત કરીએ તો અહીં જીએસટીના દર ચીઝ, પનીર, ઘી, તેલ પર ૧૮ ટકા છે, સામે ગ્રાહક પાસે ફક્ત પાંચ ટકા જીએસટીથી બિલ લેવાનું છે. હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગના રાષ્ટ્રવ્યાપી ટર્નઓવરને ધ્યાનમાં લઈએ તો પાંચ અને ૧૮ ટકા વચ્ચે ૧૩ ટકાની જે ક્રેડિટ બ્લોક થાય તેનો સરવાળો ગમે તેવા વિદ્વાન આંકડાશાસ્ત્રીને ભૂલભૂલામણીમાં પાડી દે. કપડાંની વાત કરીએ તો અહીં હાલ જીએસટીના ૩ જુદા દર લાગુ છે. જે કાયદો અમલમાં આવ્યો ત્યારે બે દર હતા. શરૂઆતમાં યાર્ન સહિતના કાચા માલ પર ૧૮ ટકા અને તૈયાર કાપડ પર પાંચ ટકા જીએસટી લાગુ હતો. બહુલ જનસંખ્યાને પ્રભાવિત કરતી વીવિંગ ઈન્ડસ્ટ્રીએ ઊહાપોહ કરતા કાચા માલનો જીએસટી દર ઘટીને ૧૨ ટકા કરાયો, પરંતુ આજે જે સ્થિતિ છે તેમાં યાર્નના કાચા માલ પર ૧૮ ટકા જીએસટી છે. વીવર્સ ૧૨ ટકા જીએસટી ભરીને યાર્ન ખરીદે છે અને કાપડનો વેપારી વીવર્સને પાંચ ટકા જીએસટી કાપડ પર ચૂકવે છે. આ પ્રક્રિયામાં યાર્ન ઉત્પાદકોના ૬ ટકા અને વીવર્સના ૭ ટકા જીએસટીની રકમ ક્રેડિટ બ્લોકના પાંજરે પુરાય જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વીવર્સ દ્વારા અદાલતી જંગ લડીને પોતાના હક્કનું રક્ષણ કરાયું છે પરંતુ તે સફળતા આંશિક છે. અગાઉના ૬૫૦ કરોડ રૂપિયા હજી તેમને પરત મળ્યા નથી. મકાનની વાત કરીએ તો ઈંટ પર પાંચ ટકા, સિમેન્ટ, સળિયા અને કાચ પર ૧૮ ટકા તથા ગૃહ સુશોભનની વસ્તુઓ પર ૨૮ ટકા જીએસટી લાગુ છે, સામે વ્યાજબી ભાવના મકાન પર ફક્ત ૧ ટકા, વ્યાજબીથી થોડા વધુ મોંઘા મકાન પર પાંચ ટકા અને વ્યાવસાયિક મિલકતો પર ૧૨ ટકા જીએસટી લાગુ છે. રાષ્ટ્રીય સ્તરે અવલોકન કરીએ તો દેશના બજારમાં બાંધકામ ઉદ્યોગનો હિસ્સો ૨,૧૦,૪૭૯ કરોડ છે. આ કુલ ટર્નઓવરના ફક્ત પાંચ ટકા તફાવત ગણીએ તો ૧૦,૫૨૩ કરોડ રૂપિયા બાંધકામ ઉદ્યોગની ક્રેડિટ બ્લોક હોય તેવું અનુમાન કરી શકાય.
આ ઉપરાંતના અન્ય ત્રણ મહત્ત્વના ક્ષેત્ર પ્રવાસન, રસાયણ અને પગરખાંના ક્ષેત્રમાં પણ આવી જ સ્થિતિ છે. પ્રવાસન ઉદ્યોગમાં એજન્ટ પાસે ૧૮ ટકા ટેક્સ વસૂલાય છે, સામે રેલવે, હવાઈ અને માર્ગ મુસાફરીમાં પ્રત્યેક તબક્કે જીએસટીના દર જુદા છે. હોટલ બુકિંગ કરવા જાય ત્યારે પણ જુદા જુદા કરદર પ્રમાણે એજન્ટે ચૂકવણું કરવું પડતું હોય છે. આ ઉદ્યોગનું ટર્નઓવર ૧,૪૦,૯૧૮ કરોડનું છે. તફાવતની ૭૦૪૫ કરોડ ક્રેડિટની રકમ અહીં પ્રતિ વર્ષ બ્લોક થતી હોવાનું કહેવાય છે. રસાયણ જેમાં ખાતર પણ સમાવિષ્ટ છે. તેમાં પાંચ અને બાર ટકાના બે દર લાગુ છે. આ ક્ષેત્રનું માર્કેટ કેપ ૨,૯૨,૮૭૫ કરોડ છે. આખા ક્ષેત્રની ૧૪,૬૪૩ કરોડની રકમ ક્રેડિટ બ્લોકના નામે ખોવાઈ ગઈ છે, જેમાં ફક્ત ખાતરના વ્યાપારીઓ પોતાના ૬૦૦૦ કરોડ હોવાનો બળાપો ઠાલવી રહ્યા છે. પગરખાં ઉદ્યોગમાં ૧૦૦૦ની નીચેના જોડાં પર પાંચ ટકા અને તેથી મોંઘા પર ૧૨ ટકા જીએસટીનો તફાવત છે, જ્યારે કાચા માલ પર ૧૨ ટકા સળંગ જીએસટી લાગુ છે. જોડાં બનાવનારના ૨૦૦૦ કરોડ રૂપિયા વર્ષે ક્રેડિટ બ્લોકમાં હડપ થઈ જાય છે. જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સહિતનાં ક્ષેત્રોની સ્થિતિ પણ આવી જ છે. અત્રે ઉલ્લેખ કર્યો છે તે ક્ષેત્રની વાત કરીએ તો ૪ વર્ષ દરમિયાન ૮૭,૦૦,૦૦૦ કરોડ જેટલી રકમ જીએસટી વિભાગ દ્વારા કોઈ કારણ વિના બ્લોક કરી દેવાઈ છે. ટૂંકમાં ઉત્પાદન ક્ષેત્રે અપવાદરૂપે કોઈ સુખી હોય તો તે હોય શકે, બાકી બધાની હાલત ‘મા મને કોઠીમાંથી કાઢ જેવી છે.’
સીજીએસટી એક્ટની કલમ ૫૪(૩) કહે છે કે, કોઈ પણ ઉદ્યોગકારના ખાતામાં પડી રહેલી વણવપરાયેલી ઈનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરવા તે હક્કદાર છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે દેશના વેપાર-ઉદ્યોગની ૧૪,૮૯,૦૦,૦૦૦ કરોડની ક્રેડિટ સરકાર પાસે જમા બોલે છે.
અને છેલ્લે…
નંદવંશના નાશ પછી સત્તા પર આવેલા ચંદ્રગુપ્ત મહાઆમત્ય ચાણક્યને પૂછે છે કે, પ્રજા પાસે કરની વસૂલાત કેવી રીતે કરવી જોઈએ, ત્યારે જવાબમાં ચાણક્ય કહે છે કે, ફૂલમાંથી મધમાખી જે રીતે પરાગરજ લે તે પ્રમાણે રાજાએ પ્રજા પાસે કરની વસૂલાત કરવી જોઈએ. ટૂંકમાં મધમાખીને મધ પણ મળી જાય અને ફૂલ સલામત રહે તે જોવાની જવાબદારી રાજાની છે.