Share
અનુસંધાન :- દેવેન્દ્ર પટેલ
અમેરિકાની એક મલ્ટિનેશનલ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મિટિંગમાં કંપનીના ચેરમેને બોર્ડના સભ્યોને એક પ્રશ્ન પૂછયો : ‘બોલો, આ પૃથ્વી પરની સૌથી વધુ કિંમતી અને રિચેસ્ટ લેન્ડ-જમીન કઈ ?’
એક સભ્યે કહ્યું : ‘આફ્રિકાની સોનાની ખાણો.’
બીજા સભ્યે કહ્યું : ‘હીરાની ખાણો.’
ત્રીજા સભ્યએ કહ્યું : ‘ગલ્ફના દેશોની જમીન કે જ્યાં પેટાળમાં ઓઇલ છે.’
પરંતુ કંપનીના ડાયરેક્ટરે કહ્યું : ‘ના… તમે કહ્યું તે કરતાં પૃથ્વીની સૌથી વધુ કિંમતી જમીન છે કબ્રસ્તાન.’
બોર્ડના બધા સભ્યો વિચારમાં પડી ગયા. તેમણે પૂછયું : ‘જ્યાં મૃતદેહો દાટવામાં આવે છે તે કબ્રસ્તાન પૃથ્વી પરની રિચેસ્ટ લેન્ડ કઈ રીતે ?’
ચેરમેને કહ્યું : ‘પૃથ્વી પરની સૌથી કિંમતી જમીન કબ્રસ્તાન છે કારણ કે જ્યાં દટાયેલા અનેક લોકો પાસે સર્જનાત્મક શક્તિ હતી પણ તેનો કદી ઉપયોગ થયો નહીં. કબ્રસ્તાન એવી જગા છે કે જ્યાં દટાયેલા લોકો પાસે વિશ્વને શ્રેષ્ઠ બનાવવાના અનેક વિચારો અને ખ્યાલો હતા પણ એ બધા તેનો લાભ આપ્યા વિના જ અહીં દટાઈ ગયા. આ એવી જગા છે જ્યાં સૂતેલા કેટલાંક માણસો શ્રેષ્ઠ કવિતાઓ, સુંદર કથાઓ અને સાહિત્ય આપી શકે તેમ હતા પણ તેઓ ગમે તે કારણસર દુનિયાને શ્રેષ્ઠ સાહિત્યની ભેટ આપ્યા વિના જ અહીં દટાઈ ગયા. અહીં દટાયેલા કેટલાંક લોકો પાસે શ્રેષ્ઠ ગીતો હતા જે કદી ગવાયા જ નહીં. અહીં દટાયેલા લોકો પાસે વિશ્વને બહેતર બનાવવા માટેની અદ્ભુત સંશોધન ક્ષમતાઓ હતી, પણ એ સંશોધનો એમણે દુનિયાને આપ્યા જ નહીં. અહીં દટાયેલા એવા કેટલાયે લોકો છે જેમની પાસે બીમાર લોકોની સારવાર માટે શ્રેષ્ઠ ઉપચાર હતા પણ તેનો ઉપયોગ કર્યા વિના જ તેઓ અહીં દટાઈ ગયા. આ કારણથી વણવપરાયેલી શ્રેષ્ઠ ક્ષમતાઓથી ભરેલું કબ્રસ્તાન વિશ્વનું સૌથી કિંમતી સ્થળ-જમીન છે.’
બધા સભ્યો શાંતિથી સાંભળી રહ્યા.
ચેરમેને ઉમેર્યું : ‘એટલા માટે જરૂરી છે કે તમારી પાસે વિશ્વને બહેતર બનાવવાનો કોઈ ખ્યાલ, કોઈ કવિતા, કોઈ સાહિત્ય, કોઈ સંશોધન છે તો તેને તમારા દીમાગમાં સંઘરી ના રાખો. Die Empty. મૃત્યુ પામો તે પહેલાં તમારી પાસે જે કાંઈ શ્રેષ્ઠ છે તે દુનિયાને આપીને અર્થાત્ દીમાગ ખાલી કરીને મૃત્યુ પામો. Die Empty.’
આટલું બોલ્યા પછી ચેરમેને કહ્યું : ‘ટોડ હેન્રી નામના એક લેખકે ‘Die Empty’ નામનું પુસ્તક લખ્યું છે. તેનો આ અર્ક છે. તમારી પાસે પણ જે કાંઈ શ્રેષ્ઠ આવડત છે તે આપણી કંપનીને આપો.’
ટોડ હેન્રીએ એક કંપની સ્થાપી છે જેનું નામ ‘એક્સિડેન્ટલ ક્રિએટીવ’ છે. આ કંપની એક પ્રકારની સંસ્થા જ છે જે સર્જનાત્મક કૌશલ્ય અને અસાધારણ-તેજસ્વી આઇડિયાઝ ધરાવતા લોકોને તેમના કૌશલ્યના વિકાસમાં મદદ કરે છે.
ટોડ હેન્રી કહે છે : ‘તમે જ્યારે મૃત્યુ પામો છો ત્યારે તમે તમારી સાથે કાંઈ જ લઈ જતા નથી. તમારી ધૂન, પ્રેમ, વિચારો અને કૌશલ્ય એ બધું જ આ વિશ્વને આપતા જાવ. આવતીકાલની કોઈ ખાતરી નથી. તમારી પાસે કાંઈ છે અને તે વિશ્વને આપ્યા વગર જ તમે જશો તો તેનો અર્થ એ છે કે તમે સ્વાર્થી છો. વિશ્વને કોઈને કોઈ ઉપહાર આપ્યા વગરનો તમારો એક દિવસ પણ જવો જોઈએ નહીં. જિંદગીનો તમામ દિવસ આખરી દિન છે તેમ સમજીને કામ કરો.’
ટોડ હેન્રી તેમના પુસ્તક ‘Die Empty’માં કહે છે : ‘તમારી જિંદગીમાં જે કાંઈ બને છે તેના માટે તમે જ સોએ સો ટકા જવાબદાર છો. તમારી જિંદગીના સારા કે નરસા પરિણામ માટે તમે તમારા પરિવારને, તમારી જ્ઞાતિને, તમારી જાતિને, તમારા સમાજને કે તમારી સરકારને જવાબદાર ગણી શકો નહીં. જેન્ડરને પણ નહીં.’
તેઓ કહે છે : ‘જિંદગીમાં કોઈ પણ ચીજ કે કામ પ્રત્યે લગાવ જરૂરી છે પછી તે ગીત હોય, અભિનય હોય, નોકરી હોય, કે સમાજ સેવા. સફળતા ત્યારે જ મળશે જ્યારે તમે સહન કરવા તૈયાર હશો. જો તમે બિઝનેસ, પ્રેમ કે લગ્નમાં સફળ થવા માગતા હોવ તો લગાવ તો જરૂરી છે જ પણ તેની સાથે વ્યથા સહન કરવાની પણ તૈયારી રાખજો. તમારી ધૂનના કારણે વ્યવસાયમાં ઈજાગ્રસ્ત થવાની કે રડવાની કે મૃત્યુ પામવાની પણ તૈયારી રાખજો. વ્યથા સહન કરવાની શક્તિ હશે તો જ સફળતા પ્રાપ્ત થશે. યાદ રહે કે, આ કામ કરતાં તમને કોઈ તકલીફ થશે ત્યારે અંકલ સેમ કે કોઈ નેતા તમને મદદ કરવા કદી નહીં આવે. તમારા મમ્મી-પપ્પા પણ નહીં આવે. કારણ કે એ તમે નક્કી કરેલો લગાવ અને તમારા સ્વપ્નોની દુનિયા હશે. સમાજ પાસેથી તો મદદની અપેક્ષા રાખશો જ નહીં. બસ એક જ કામ કરો. સંજોગોના ગુલામ થવાના બદલે તેની પર માસ્ટરી હાંસલ કરવા કોશિશ કરો.’
ટોડ હન્રી કહે છે : ‘આપણે બધાં માનવ-ઇતિહાસના સૌથી વધુ રસપ્રદ કાળમાં જીવીએ છીએ. મોબાઈલ કે લેપટોપ પર એક બટન દબાવતા જ તમને જે માહિતી જોઈએ તે મળી રહે છે. એક બટન દબાવવાથી તમારે જે જાણવું છે કે જે શીખવું છે તે તમે જાણી કે શીખી શકો છો. આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે તમે એને ભેટવા માગતા હોવ. જિંદગી જીવવા માટે છે. ઘણા કારણ વગર તેને મીસ કરે છે, ગૂમાવે છે. વિશ્વની કેટલીય સુંદર ગિફ્ટસ તમને ભેટવા આતુર છે. જિંદગીમાં રસ કદી ગૂમાવશો નહીં. જિંદગીમાં કાંઈને કાંઈ નવું શીખવાની તમન્ના ગૂમાવશો નહીં. હંમેશાં જિજ્ઞાસુ રહો, જિજ્ઞાસુ બનો. ખબર નહીં ક્યારે ગુગલ તમારી જિંદગીના શ્રેષ્ઠ વિચારો કે ખોજને કે કવિતાને કે તમારા ખ્યાલોને વિશ્વ સમક્ષ મૂકી દેશે. કાંઈ પણ કામ કર્યા વગર નિરાશ થઈને બેસી ના રહો. વિશ્વ તમારા વિચારો ખ્યાલો, સર્જન કે ઉપચારને ભેટવા રાહ જોઈ રહ્યું છે.
ધારો કે ભગવાન વેદ વ્યાસે મહાભારત જેવો મહાન ગ્રંથ આપ્યો જ ના હોત તો ? મહાભારતમાં તેમણે શ્રીમદ્ ભગવદ્ગીતા ના મૂકી હોત તો ? વાલ્મીકિજીએ રામાયણની રચના કર્યા વિના જ વિદાય લીધી હોત તો? મહાકવિ કાલિદાસ શાકુન્તલમ્ની રચના કર્યા જ વગર જતાં જ રહ્યા હોત તો? ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર ગીતાંજલિ લખ્યા વિના જ જતા રહ્યા હોત તો? મેડમ ક્યૂરી રેડિયમની શોધ કર્યા વિના જ કબ્રસ્તાનમાં સૂઈ રહ્યા હોત તો? મહાન વૈજ્ઞાનિકો પેનેસિલીનની કે હડકવા વિરોધી રસીની શોધ કર્યા વિના જ કબ્રસ્તાનમાં દટાઈ ગયા હોત તો? ગાંધીજી અહિંસાના અને સત્યાગ્રહના અમોઘ શસ્ત્રની શોધ કર્યા વિના જ આ જગતમાંથી વિદાય લીધી હોત તો? બોરિસ પાસ્તરનાકે ‘ડો. ઝિવાગો’ લખ્યું જ ના હોત તો ? ચાર્લી ચેપ્લીને ફિલ્મોમાં અભિનય આપ્યો જ ના હોત તો ? મધર ટેરેસા સાધ્વી બન્યાં જ ના હોત તો? ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી વિશ્વને શ્રેષ્ઠ ધર્મ અને ઉપદેશ આપ્યા વગર જ જતા રહ્યા હોત તો ? લત્તા મંગેશકર કે મોહંમદ રફીએ ગીતો ગાયા જ ના હોત તો? રાજકપૂર અને દેવઆનંદે અભિનય કર્યા વિના જ જતા રહ્યા હોત તો?
મૃત્યુ પામો તે પહેલાં વિશ્વને કાંઈને કાંઈ આપીને જાવ.
Die Empty.
આ છે ‘Die Empty’ પુસ્તકમાં ટોડ હન્રીએ મુકેલા વિચારો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
100592
Views
34176
Views
34148
Views
20520
Views