Share
એકસ્ટ્રા કોમેન્ટ : કૃષ્ણકાંત ઉનડકટ
જમ્મુના એરફેર્સ સ્ટેશન પર ડ્રોનથી થયેલા બે હુમલા કાશ્મીરમાં આતંકવાદી ઘટનાની નવી પેટર્ન છે. કાશ્મીરમાં આ પ્રકારે પહેલી વખત હુમલો થયો છે. જમીન માર્ગે હુમલો કરવામાં આતંકવાદીઓને હવે ખાસ સફ્ળતા મળતી નથી એટલે આતંકવાદીઓએ આકાશનો રસ્તો અપનાવ્યો છે. પી-૧૬ પ્રકારના ડ્રોનથી આ હુમલા થયા હોવાનું અનુમાન છે. આ ડ્રોન જમીનથી થોડા જ ઉપર ઊડીને ત્રાટકે છે. આવા ડ્રોન રડારમાં ટ્રેસ થતા નથી. કાશ્મીરમાં ડ્રોનથી હુમલાઓ થવાની શક્યતાઓ ઘણા સમયથી વર્તાતી હતી. સેનાએ એના માટે તૈયારીઓ પણ શરૂ કરી હતી. સેનાની તૈયારીઓ ક્યાંક કાચી પડી. જે સ્થળે ડ્રોન હુમલા થયા એ એરફેર્સ સ્ટેશન જમ્મુના સતવારી વિસ્તારમાં આવેલું છે. પાકિસ્તાનની બોર્ડરથી આ એરફેર્સ સ્ટેશન માત્ર ૧૪ કિલોમીટરના અંતરે આવેલું છે. શું આ હુમલો પાકિસ્તાનની જમીન પરથી કરવામાં આવ્યો હતો? અત્યારે કંઇ કહેવું વધુ પડતું છે, તપાસ બાદ બધું બહાર આવી જવાનું છે. કાશ્મીરના એરફેર્સ સ્ટેશનોમાં આ સ્ટેશન સૌથી જૂનું છે. ૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના ભાગલા પડયા એ પછી સાત જ મહિનામાં એટલે કે ૧૦મી માર્ચ ૧૯૪૮ના શરૂ કરવામાં આવ્યું હતું. આ સ્થળ યાત્રી વિમાનોની અવરજવર માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. એરપોર્ટનો રન-વે અને ટ્રાફ્કિ કંટ્રોલ એરફેર્સના હાથમાં છે. હુમલા માટે મધરાતનો સમય પસંદ કરવામાં આવ્યો હતો. પહેલો હુમલો રાતના એકને સાડત્રીસ મિનિટે અને બીજો હુમલો પાંચ મિનિટ પછી જ કરવામાં આવ્યો હતો. એક હુમલો ટેકનિકલ એરિયાવાળા બિલ્ડિંગમાં થયો હતો અને બીજો હુમલો ખુલ્લી જગ્યામાં થયો હતો. શું ડ્રોન એનું નિશાન ચૂકી ગયું હતું? ડ્રોનનું નિશાન ખુલ્લી જગ્યામાં પાર્ક કરાયેલા એરફેર્સના ફઇટર જેટ કે હેલિકોપ્ટર હતા? એરફેર્સ સ્ટેશન પર મુખ્ય બે એરિયા હોય છે. એક એડમિનિસ્ટ્રેશન એરિયા અને બીજો ટેકનિકલ એરિયા. ટેકનિકલ એરિયા વધુ સેન્સેટિવ હોય છે. આ એરિયામાં જ એરક્રાઇટ, હેલિકોપ્ટર અને બીજા સરંજામ રાખવામાં આવે છે.
સૌથી મોટો સવાલ એ છે કે, આતંકવાદીઓ પાસે ડ્રોન આવ્યા ક્યાંથી? પાકિસ્તાનની મદદ વગર આવો હુમલો શક્ય નથી. પાકિસ્તાન ડ્રોન મારફ્તે હથિયારો મોકલતું હોવાની ઘણી ઘટનાઓ બહાર આવી છે. કાશ્મીર અને પંજાબમાંથી પાકિસ્તાની ડ્રોન પકડાયા પણ છે. મેઇડ ઇન ચાઇનાના આ ડ્રોન પાકિસ્તાનના રસ્તે ભારત સુધી પહોંચ્યા હતા. ૧૩મી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ પાકિસ્તાન બોર્ડરથી માત્ર દોઢ કિલોમીટર જ દૂર આવેલા પંજાબના અટારીમાંથી એક હેક્સાકોપ્ટર ડ્રોન મળી આવ્યું હતું. ડ્રોન મળ્યું એ પછી તારીખ ૨૨મી સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ પકડાયેલા એક આતંકવાદીએ કબૂલ્યું હતું કે, પાકિસ્તાને આઠ ડ્રોન મારફ્તે હથિયારોનો જંગી જથ્થો મોકલ્યો હતો. ૨૦મી જૂન ૨૦૨૦ના રોજ કાશ્મીરના કઠુઆ વિસ્તારમાં બીએસએફે એક ડ્રોન તોડી પાડયું હતું. ૨૨મી સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ કાશ્મીર પોલીસે અખનૂર સેક્ટરમાંથી હથિયારોની ડિલિવરીમાં વપરાયેલું એક ડ્રોન પકડી પાડયું હતું. ડ્રોન મારફ્તે જેને હથિયારો મળ્યા હતા એવા ત્રણ આતંકવાદીઓને પણ સેનાએ ઝડપી લીધા હતા. હુમલો કરી શકે એવા ડ્રોન પહેલી વખતે સામે આવ્યા છે. ડ્રોન ટેકનોલોજી અને ડ્રોન એટેકમાં ઇઝરાયેલની માસ્ટરી છે. ડ્રોન અને મિસાઇલ એટેકથી બચવા માટે ઇઝરાયેલે પૂરતો બંદોબસ્ત પણ કરી રાખ્યો છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે થોડા સમય અગાઉ યુદ્ધ થયું ત્યારે ઇઝરાયેલના આર્યન ડોમની ખૂબ ચર્ચાઓ થઇ હતી. આર્યન ડોમ મિસાઇલ કે બીજા કોઇ આકાશી હુમલાથી બચાવ કરે છે. દુશ્મને છોડેલી મિસાઇલને હવામાં જ ઉડાવી દેવાની અફ્લાતૂન ટેકનોલોજી ઇઝરાયેલ પાસે છે. આપણા દેશે આખા કાશ્મીરને આકાશી હુમલાથી બચાવવા માટેની વ્યવસ્થા સત્વરે કરવી પડશે. જમીન ઉપર તો આપણી સેનાએ એવો બંદોબસ્ત કરી રાખ્યો છે કે, આતંકવાદીઓ કોઇ મૂવમેન્ટ ન કરી શકે. હવે આકાશી હુમલાઓથી એલર્ટ થવાનો સમય પાકી ગયો છે. પુલવામાની ઘટના પછી આતંકવાદીઓ કાશ્મીરમાં કોઇ મોટી ઘટનાને અંજામ આપી શકવામાં સફ્ળ થયા નથી. આતંકવાદીઓએ એટલે જ નાના નાના હુમલાઓ શરૂ કરવાનું શરૂ કર્યું છે.
આપણી સરકારે કાશ્મીરને મળેલો વિશેષ દરજ્જો હટાવી દીધો અને કાશ્મીર અને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા એને આગામી તારીખ પાંચમી ઓગસ્ટના રોજ બે વર્ષ પૂરા થાય છે. આ દિવસની આજુબાજુમાં આતંકવાદી ઘટના બને તેવી દહેશત તો હતી જ. ઇન્ટેલિજન્સને એવા ઇનપુટ્સ પણ મળ્યા છે કે, પાકિસ્તાનની સેના અને જાસૂસી સંસ્થા આઇએસઆઇ ફ્રીથી વધુ એક્ટિવ થઇ છે. આતંકવાદીઓને હુમલા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હમણા કાશ્મીરના ચાર ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ સહિત ૧૪ નેતાઓ સાથે બેઠક કરી એનાથી પણ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. આ બેઠકમાં કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને નવા સીમાંકનનું કામ પતે એટલે તરત જ વિધાનસભાની ચૂંટણી કરવા વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પાકિસ્તાન એટલે થોડુંક ચૂપ હતું કારણ કે એને ગ્રે લિસ્ટમાંથી બહાર આવવું હતું. ફ્રાંસના પેરિસમાં મળેલી ફઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફેર્સની બેઠકમાં પાકિસ્તાનને વધુ એક વખત ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂન ૨૦૧૮થી પાકિસ્તાન એફએટીએફ્ના ચોપડે ગ્રે લિસ્ટમાં છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને બે દિવસ પહેલાં જ અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું કે, નરેન્દ્ર મોદીની જગ્યાએ ભારતમાં બીજા કોઇ વડા પ્રધાન હોત તો પાકિસ્તાન સાથે સમજૂતી થઇ શકી હોત. આપણા દેશની સરકારે હવે પાકિસ્તાન સાથે કોઇ વાતચીત કરવાને બદલે એની ભાષામાં જ જવાબ આપવાનું નક્કી કરી લીધું છે. ઇમરાન એવું કહીને પોતાનો બચાવ કરે છે કે, અમે ખુદ આતંકવાદનો ભોગ બનેલા છીએ. આતંકવાદ સામેની લડાઇમાં પાકિસ્તાને અમેરિકા સાથે મળીને કામ કર્યું છે. આ લડાઇમાં ૭૦ હજાર પાકિસ્તાનીઓએ જીવ ગુમાવ્યા છે. પાકિસ્તાનને ૧૫૦ બિલિયન ડોલરનું નુકસાન ગયું છે. ઇમરાને એ વિચારવાની જરૂર છે કે, ૭૦ હજાર પાકિસ્તાનીઓએ જીવ ગુમાવ્યા એમાં આતંકવાદીઓ કેટલા હતા? ઇમરાન ખાનનું તેની સેના અને આઇએસઆઇ જ કંઇ માનતા નથી. એ તો ભારતની વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન જ આપી રહ્યા છે. ભારતને પરેશાન કરવામાં ચીન પણ પાકિસ્તાનને તમામ પ્રકારની મદદ કરી રહ્યું છે. પાકિસ્તાન અને આતંકવાદી સંગઠનો એવા તમામ પ્રયાસો કરવાના છે કે, કાશ્મીરમાં શાંતિનો માહોલ ન બને. આ વખતે જેવો એટેક થયો છે એવા હુમલાઓ વધુ થવાની શક્યતાઓ છે ત્યારે વધુ સતર્ક થવા સિવાય બીજો કોઇ વિકલ્પ જ આપણી પાસે નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery