It May Rain In Many Districts Of The Gujarat, PM Modi Worried Over The Crowd At The Hill Station
મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડી શકે, દાહોદના ધાનપુરના ખજૂરીમાં પ્રેમી સાથે ભાગેલી પરિણીતાનાં કપડાં ફાડ્યાં, હિલ સ્ટેશન પરની ભીડથી PM ચિંતિત
અમદાવાદએક દિવસ પહેલા
કૉપી લિંક
નમસ્કાર,
આજે બુધવાર છે, તારીખ 14 જુલાઈ, અષાઢ સુદ ચોથ.
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) દાહોદ, મહીસાગર, સાબરકાંઠા, તાપી, અરવલ્લી, નવસારી, વલસાડ, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદ પડી શકે
2) ઓલિમ્પિકમાં ભાગ લેવા ભારતીય એથ્લીટ્સની પ્રથમ બેચ ટોક્યો રવાના થશે, ત્રણ દિવસ ક્વોરન્ટીન રહેશે.
3) ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવા માટેનો આજે છેલ્લો દિવસ.
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચારો
1) દાહોદના ધાનપુરના ખજૂરીમાં પ્રેમી સાથે ભાગેલી પરિણીતાના જાહેરમાં કપડાં ફાડ્યાં, ખભા પર પતિને બેસાડી ગામમાં ફેરવી
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરી ગામમાં એક પરિણીતાને તાલિબાની સજા આપવામાં આવી છે. ગામની 23 વર્ષીય પરિણીતા પ્રેમી સાથે ભાગી ગઇ હતી. ત્યાર બાદ સાસરિયાંએ પરિણીતા અને પ્રેમીને પકડી લાવ્યાં હતાં. પરિણીતાને ગડદાપાટુનો માર માર્યો હતો. પરિણીતાનાં કપડાં ફાડી નાખ્યાં હતાં અને પતિને તેના ખભા પર બેસાડી વરઘોડો કાઢ્યો હતો.
2) સ્વીટી પટેલની શોધખોળમાં દહેજમાંથી સળગેલાં મળેલાં હાડકાં યુવાન વયના માનવ શરીરના હોવાનું FSL રિપોર્ટમાં ખૂલ્યું
ભારે ચકચારી બનેલા વડોદરા જિલ્લા SOGના પીઆઇ એ.એ.દેસાઈનાં પત્ની સ્વીટી પટેલના ગુમ થવાના કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. સ્વીટી પટેલની શોધખોળ માટે ગયેલી પોલીસને થોડા દિવસ અગાઉ દહેજના અટાલી ગામ નજીક ત્રણ માળના અવાવરૂ મકાનમાંથી તથા તેની પાછળના ભાગમાંથી સળગેલાં હાડકાં મળ્યાં હતાં. ફોરેન્સિકની તપાસમાં આ હાડકાં યુવાન અને મધ્યમવર્ગની વયના માનવ શરીરના હોવાનો ઘટસ્ફોટ થયો છે.
3) દ્વારકાના જગતમંદિરની ધ્વજા પર વીજળી પડી, દ્વારકાવાસીઓ પરની મોટી ઘાત ભગવાન દ્વારકાધીશે ટાળી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકામાં આજે સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે જગતમંદિરની ધ્વજા પર વીજળી પડતાં દંડને નુકસાન થયું હતું.
4) અમદાવાદમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી, ફિયાન્સે ફિયાન્સીના પ્રેમીનું છરીના ઘા મારી મર્ડર કર્યું
અમદાવાદ શહેરમાં સામાન્ય બાબતમાં બોલાચાલી અને હત્યાના બનાવો વધી રહ્યા છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં એક મહિલા સહિત ત્રણ લોકોની હત્યાની ઘટના બની છે. મેઘાણીનગર અને રામોલ વિસ્તારમાં પ્રેમપ્રકરણ અને મેમકોમાં અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે. રામોલમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી અને પોતે આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું પણ મોત નીપજ્યું હતું.
5) PM મોદીએ હિલ સ્ટેશન પર એકત્રિત થયેલી ભીડ બાબતે ચિંતા વ્યક્ત કરી
PM મોદીએ મંગળવારે પૂર્વોત્તરનાં રાજ્યોમાં કોરોનાની સ્થિત પર ચર્ચા કરી. આ દરમિયાન આસામ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગલેન્ડના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. મોદીએ તેમને કહ્યું હતું કે હિલ સ્ટેશન, માર્કેટમાં માસ્ક પહેર્યા વગર અને પ્રોટોકોલ વગર ભારે ભીડ એકત્રિત થાય એ યોગ્ય નથી. આ બાબત આપણા માટે ચિંતાનો વિષય છે.
6) મજૂરોથી ભરેલી ટ્રેનોને ટાઇમ બોમ્બથી ઉડાવવાની ફિરાકમાં ISIના સ્લીપર સેલ; ભાસ્કરને મળ્યો રેલવે પોલીસનો સિક્રેટ પત્ર
પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ઇન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ(ISI)ભારતમાં આંતકી ઘટનાને અંજામ આપવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમના નિશાને બિહાર અને ઉત્તરપ્રદેશ જવાવાળી ટ્રેનો છે. આ ટ્રેનમાં ખૂબ ભીડ હોય છે. ISIએ આ ટ્રેનોમાં ટાઇમરના ઉપયોગ વડે બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચ્યું છે, જેનાથી જાન-માલનું વધારેમાં વધારે નુકસાન થઇ શકે. આ વાતનો ઘટસ્ફોટ મંગળવારે થયો, જ્યારે બિહાર રેલવે પોલીસનો એક ડિપાર્ટમેન્ટલ લેટર ભાસ્કરના હાથે લાગી ગયો.
7) દેશની પ્રથમ કોરોનાની દર્દી ફરી સંક્રમિત: વુહાનથી પરત આવેલી મેડિકલ વિદ્યાર્થિનીએ દોઢ વર્ષ પછી પણ વેક્સિન લીધી ન હતી
દેશની કોરોનાની પ્રથમ દર્દી દોઢ વર્ષ પછી ફરી સંક્રમિત થઈ છે. પ્રથમવાર તે સંક્રમિત થઈ ત્યારે વુહાનથી ભારત પરત આવી હતી. કેરળના ત્રિશૂરમાં રહેનારી મેડિકલ વિદ્યાર્થિની દિલ્હી જવા ઈચ્છતી હતી, આથી તેણે RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો છે.
8) સિદ્ધુનું AAPમાં જવાનું નક્કી:સિદ્ધુએ ટ્વીટ કર્યું- આમ આદમી પાર્ટીએ મારા વિઝનને હંમેશાં ઓળખ્યું
પંજાબના મુખ્યમંત્રી પર શાબ્દિક હુમલો કરનારા નવજોત સિંહ સિદ્ધુએ આમ આદમી પાર્ટીની પ્રશંસા કરી નવા રાજકીય સંકેતો આપ્યા છે. સિદ્ધુએ કહ્યું હતું કે પંજાબમાં વિપક્ષ પાર્ટી AAPએ હંમેશાં તેનાં વિઝન અને કામને ઓળખ્યું છે. તેઓ જાણે છે કે વાસ્તવમાં પંજાબ માટે કોણ લડી રહ્યું છે.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ઇરાકમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 64 લોકોનાં મોત, 100 ઇજાગ્રસ્ત
2) મોદી સરકારની કેબિનેટ કમિટી તૈયાર, મનસુખ માંડવિયા-સ્મૃતિ-સિંધિયા સહિત યુવા નેતાઓની એન્ટ્રી
3) રાહુલ ગાંધીને મળ્યાં પ્રશાંત કિશોર, પ્રિયંકા અને પંજાબના પ્રભારી હરીશ રાવત પણ હાજર રહ્યા
આજનો ઈતિહાસ
14 જુલાઈ 1996ના રોજ અમેરિકાએ બ્રાઉન સંશોધન અંતર્ગત હથિયારો મોકલવાની શરૂઆત કરી હતી.
અને આજનો સુવિચાર
જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી, એમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..
અન્ય સમાચારો પણ છે...