આજે ગુરુવાર છે, તારીખ 29 જુલાઈ, અષાઢ વદ છઠ.
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ધરોઈ ડેમમાં વીજ મેઈન્ટેનન્સને કારણે આજે મહેસાણા, પાટણ અને બનાસકાંઠાનાં 250 ગામમાં પાણીકાપ.
2) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અથવા નાયબ મુખ્યમંત્રી સિસોદિયા હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કરવા સોખડા આવશે.
3) રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની સંભાવના.
4) PM મોદી એજ્યુકેશન કોમ્યુનિટીને સંબોધન કરશે.
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ગુજરાતમાં સાર્વજનિક ગણેશોત્સવની છૂટ, લગ્નમાં 400 લોકો સામેલ થઈ શકશે, 8 શહેરને રાત્રિ કર્ફ્યૂમાં 1 કલાકની રાહત
ગુજરાત સરકારે કેટલીક નવી છૂટછાટોની જાહેરાત કરી છે. 8 શહેરને રાત્રિ કર્ફ્યૂમાંથી 1 કલાકની રાહત આપવામાં આવી છે, જ્યારે ગણેશોત્સવ ઊજવવાની પણ છૂટ આપી છે. આ ઉપરાંત લગ્ન સમારોહમાં હવે 200ને બદલે 400 લોકો ઉપસ્થિત રહી શકશે અને આ 8 મહાનગરમાં હોટલ અને રેસ્ટોરાં રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
2) રાજ્યમાં કોરોનાના કેસો ઘટ્યા ત્યારે ખાનગી લેબમાં ટેસ્ટના ભાવ ઘટાડ્યા, હવે RT-PCR ટેસ્ટમાં રૂ.300નો અને CT સ્કેનમાં રૂ.500નો ઘટાડો
મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેબિનેટની બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટ કરાવવાનો દર ઘટાડવામાં આવ્યો છે. હવે ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટનો ચાર્જ રૂ.700થી ઘટાડી રૂ.400 કરવામાં આવ્યો છે. જ્યારે ઘરેથી સેમ્પલ લઈને ટેસ્ટ કરવાનો ચાર્જ રૂ.900થી ઘટાડી રૂ.550 કર્યો છે.
3) જેતપુરમાં અચાનક ટ્રેન આવી જતાં પાટા પર રમતાં બે બાળકને મોત આંબી ગયું, ગભરાઈને ભાગવા જતાં ટ્રેન નીચે કચડાયાં
જેતપુરમાં 2 બાળકને પાટા પર રમત રમતી વેળાએ ટ્રેન આવી જતાં મોત આંબી ગયું હતું. 2 બાળક આર્યન કુમાર શંભુ પ્રસાદ અને દીપુ સિંઘેર મંડલનાં ટ્રેનના પાટા નીચે આવી જતાં મોત થયાં હતાં. ત્યાર બાદ બંને બાળકોના મૃતદેહ પીએમ અર્થે જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
4) હરિધામ સોખડામાં જ્યાં જુઓ ત્યાં હરિભક્તો જ દેખાય છે, સ્વામીજીના છેલ્લીવાર દર્શન કરવા હરિભક્તોએ 2 કિમી લાંબી લાઇન લગાવી
હરિધામ સોખડાના અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં હરિભક્તો ઊમટી પડ્યા હતા. હરિધામ સોખડામાં જ્યાં જુઓ ત્યાં માત્ર હરિભક્તો જ દેખાતા હતા. હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહના અંતિમ દર્શન કરવા હરિભક્તોએ સ્વામિનારાયણ મંદિરથી સોખડા ગામ સુધી 2 કિમી લાંબી લાઇન લગાવી હતી.
5) હવે બેંક ડૂબશે તોપણ 90 દિવસમાં 5 લાખ સુધીની થાપણ મળી જશે, અત્યારસુધી એક લાખ રૂપિયાની લિમિટ હતી
કેન્દ્રીય કેબિનેટે ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટ (DICGC) સુધારા બિલને મંજૂરી આપી દીધી છે. બિલ મંજૂર થયા બાદ બેન્ક બંધ થાય કે ડૂબી જાય તો ગ્રાહકોની 5 લાખ રૂપિયા સુધીની રકમ સુરક્ષિત રહેશે. ડિપોઝિટરોને આ રકમ 90 દિવસની અંદર મળશે. હાલ ગ્રાહકોની બેંકમાં જમા થયેલા એક લાખ રૂપિયા સુધી જ સુરક્ષિત હોય છે.
6) ઉત્તરપ્રદેશના બારાબંકીમાં માર્ગ અકસ્માતમાં 19 લોકોનાં મોત; PMએ મૃતકોના પરિવારને આર્થિક સહાય જાહેર કરી
ઉત્તરપ્રદેશના બારાબંકીમાં મંગળવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. લખનઉ-અયોધ્યા હાઈવે પર રસ્તાની બાજુ પાર્ક કરેલી બસને પૂરઝડપે આવેલી એક ટ્રક અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતમાં 19 લોકોનાં મોત નીપજ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારને 2-2 લાખ સહાયતા આપવાની જાહેરાત કરી છે.
7) બસવરાજ બોમ્મઈએ કર્ણાટકના CM પદના શપથ ગ્રહણ કર્યા, બોમ્મઈનું નામ પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ સૂચવેલું
બસવરાજ બોમ્મઇ કર્ણાટકના નવા CM બન્યા છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે રાજભવન ખાતે બોમ્મઈને પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા. ગઈ સાંજે 7 વાગ્યે ધારાસભ્ય પક્ષની બેઠકમાં રાજીનામું આપનારા ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ બોમ્મઈના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને સર્વસંમતિથી સ્વીકારી લેવામાં આવ્યો હતો.
8) દેશભરમાં વરસાદનો કહેર યથાવત્; જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં 4નાં મોત, મહારાષ્ટ્રના 7 જિલ્લામાં યલો અલર્ટ, હિમાચલમાં પૂર
દેશભરમાં વરસાદનો કહેર યથાવત્ છે. જમ્મુ-કાશ્મીરમાં કિશ્તવાડના હોંજર ડચ્ચન ગામમાં વાદળ ફાટતાં 4 લોકોનાં મોત થયાં છે અને 30થી 40 લોકો ગુમ થયા છે. મહારાષ્ટ્રમાં હવામાન વિભાગે ફરીવાર મુશળધાર વરસાદની આગાહી કરી છે. રાજ્યના 7 જિલ્લામાં યલો અલર્ટ આપ્યું છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં અચાનક આવેલા પૂરમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 9થી વધુ લોકો ગુમ થયા છે.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) અમેરિકાએ ભારતમાં કોવિડ-19 વેક્સિનેશન પ્રક્રિયામાં મદદરૂપ બનવા 25 મિલિયન ડોલર સહાય જાહેર કરી
2) તાલિબાન સામે નરમ પડી અફઘાન સરકાર; રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું- તાલિબાન સાથે સીધી વાતચીત કરવા તૈયાર
3) સોનિયાને મળ્યાં મમતા; દીદીએ કહ્યું- પ્રાદેશિક પક્ષો પર કોંગ્રેસ વિશ્વાસ કરે, 2024માં વિપક્ષ ઈતિહાસ રચશે
આજનો ઈતિહાસ
વર્ષ 1958માં આજના દિવસે બીજા વિશ્વયુદ્ધ બાદ વિશ્વની બે મહાસત્તા-અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે શીતયુદ્ધની શરૂઆત થઈ હતી.
અને આજનો સુવિચાર
દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..
અન્ય સમાચારો પણ છે...