Hina Started The Immunity Booster Product A Year Ago, Today Has A Business Of 2.5 Lakh Per Month, Also Employs 5 Women.
આજના પોઝિટિવ સમાચાર:હિનાએ એક વર્ષ અગાઉ ઇમ્યુનિટી બૂસ્ટર પ્રોડક્ટનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, આજે દર મહિને 2.5 લાખનો બિઝનેસ, 5 મહિલાને નોકરી પણ આપી
નવી દિલ્હી3 કલાક પહેલા
કૉપી લિંક
37 વર્ષીય હિનાએ MBAનો અભ્યાસ પૂરો કર્યા પછી થોડાં વર્ષો નોકરી કરી, જોકે લગ્ન પછી તેમણે જોબ છોડી દીધી.
કોરોના આવ્યા પછી દુનિયાભરમાં હેલ્થ સપ્લિમેન્ટ્સની માગ વધી ગઈ છે. મોટા ભાગના લોકો ઈમ્યુનિટી બૂસ્ટરનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ મહામારી વચ્ચે અનેક નવી નવી બ્રાન્ડ્સ અને સ્ટાર્ટઅપ શરૂ થયાં છે, એમાં એની પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરી રહ્યા છે અને તેમને ઉત્તમ નફો પણ મળી રહ્યો છે. મુંબઈના રહેવાસી હિના યોગેશ પણ તેમાંનાં એક છે. ગત વર્ષે ઓગસ્ટમાં તેમણે ઘરેથી જ હેલ્થ સપ્લિમેન્ટ્સનું સ્ટાર્ટઅપ શરૂ કર્યુ. આજે તેમની પાસે 20થી વધુ પ્રોડક્ટ્સ છે, દેશભરમાં માર્કેટિંગ કરી રહ્યાં છે. દર મહિને 2.5 લાખનું ટર્નઓવર તેઓ મેળવી રહ્યાં છે.
37 વર્ષીય હિના મુંબઈમાં ઊછર્યાં, MBAનો અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે કેટલાંક વર્ષો સુધી કામ કર્યું. એ પછી તેમના લગ્ન થઈ ગયા અને પોતાના પતિ સાથે ચેન્નઈ શિફ્ટ થયા. ત્યાર બાદ સંતાનો થયાં અને તેઓ ફરી નોકરી જોઈન ન કરી શક્યાં. ઘરેથી જ તેઓ થોડુંઘણું ફ્રિલાન્સ વર્ક કરતાં હતાં.
પુત્ર રમતી વખતે જલદી થાકી જતો હતો
આ બિઝનેસને શરૂ કરવાના પ્લાન અંગે હિના કહે છે કે અમારો પુત્ર ફિઝિકલી થોડો નબળો હતો. તે રમતી વખતે જલદી થાકી જતો હતો. આ કારણથી અમે ખૂબ પરેશાન રહેતાં હતાં. ત્યાર પછી ડોક્ટર અને એક્સપર્ટ્સની સલાહ પછી અમે હોમમેડ હેલ્થ સપ્લિમેન્ટ્સ આપવાનું શરૂ કર્યું. એમાં એવી પ્રોડક્ટ્સ હતી જે અમારાં દાદી અગાઉથી ઉપયોગ કરતાં આવ્યા ંછે, જેમ કે તુલસીનાં પાન, મોરિંગા પાઉડર, હળદર-મરીથી બનેલી પ્રોડક્ટ પોતાના બાળકને આપવાનું શરૂ કર્યું.
એનું સારું પરિણામ પણ મળ્યું. 6 મહિનાથી પણ ઓછા સમયમાં પુત્રની ઈમ્યુનિટી વધી ગઈ. વરસાદમાં ભીંજાયા પછી પણ તે બીમાર પડતો નહોતો, તેની સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ વધી ગઈ. એ પછી અમે એનો રેગ્યુલર ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું.
હિના વધુમાં કહે છે, જ્યારે અમને આવી પ્રોડક્ટ્સના ઉપયોગથી ઉત્તમ રિઝલ્ટ મળ્યું તો એને લઈને રિસર્ચ કરવાનું શરૂ કર્યું કે અન્ય કઈ કઈ પ્રોડક્ટ્સનો ઉપયોગ અમે કરી શકીએ છીએ. લગભગ બેથી ત્રણ વર્ષના રિસર્ચ પછી અમે અન્ય કેટલીક પ્રોડક્ટ્સ એમાં સામેલ કરી. એનો પણ રિસ્પોન્સ સારો રહ્યો. જે બીજા લોકોને અમે ઉપયોગ માટે આપ્યા, એ લોકોએ પણ અમારી પ્રશંસા કરી.
અગાઉથી નહોતો કોઈ બિઝનેસ પ્લાન
હિના ટીમ મેમ્બર્સ સાથે. તેમણે 5 સ્થાનિક મહિલાઓને પોતાનાં કામ દ્વારા રોજગારી સાથે જોડી.
તે કહે છે કે અગાઉથી અમારો કોઈ આવો બિઝનેસ પ્લાન નહોતો. જ્યારે ગત વર્ષે કોવિડ આવ્યો તો એ પ્રકારની પ્રોડક્ટ્સની માગ વધી ગઈ. લોકો નવાં નવાં હેલ્થ સપ્લિમેન્ટ્સની ડિમાંડ કરવા લાગ્યા. અમારી પાસે અગાઉથી રિસર્ચ વર્કનો અનુભવ હોવાથી અમે કેટલીક પ્રોડક્ટ પણ તૈયાર કરી હતી અને એનો ઉપયોગ પણ કરી રહ્યા હતા, આથી નક્કી કર્યું કે આને કમર્શિયલ લેવલ પર શરૂ કરવામાં આવે. એના પછી તેમણે પોતાની બચતમાંથી 2 લાખ રૂપિયા ખર્ચ કર્યા અને ઓગસ્ટ 2020માં yuva soul નામથી પોતાની કંપની રજિસ્ટર કરાવી. ઓનલાઈન વેબસાઈટ લોન્ચ કરી. થોડાં મશીનો ખરીદ્યાં અને કામ કરવાનું શરૂ કર્યું.
અગાઉ તેમણે સ્થાનિક લોકો અને પોતાના પરિચિતોને ઉપયોગ કરવા પ્રોડક્ટ્સ આપી. તેમનો રિસ્પોન્સ સારો રહ્યો અને તેમના દ્વારા બીજા લોકો પણ જોડાતા ગયા. એના પછી વેબસાઈટ અને સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રોડક્ટ્સનું માર્કેટિંગ શરૂ કરી દીધું. ધીમે ધીમે બિઝનેસ વધવા લાગ્યો. અલગ-અલગ શહેરોમાંથી તેમની પાસે ઓર્ડર આવવા લાગ્યા.
શરૂઆતના ત્રણ મહિને ન થઈ ખાસ કમાણી
પ્રોડક્ટ તૈયાર કરવા માટે મેડિસિનલ પ્લાન્ટના હર્બને પ્રથમ સૂકવવામાં આવે છે, પછી એનો પાઉડર તૈયાર કરવામાં આવે છે.
તે વધુમાં જણાવ્યું હતું કે અમે ઉત્તમ પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા હતા. લોકોનો રિસ્પોન્સ પણ સારો મળી રહ્યો હતો, જેમને એવી પ્રોડક્ટ્સની જરૂર હતી. એને કારણે શરૂઆતના ત્રણ મહિના નહીંવત્ કમાણી થઈ. એ પછી અમે ઓનલાઈન પેઈડ પ્રમોશન કરવાનું શરૂ કર્યું. માર્કેટિંગની સ્ટ્રેટેજી બદલી. ફ્લિપકાર્ટ અને અમેઝોન જેવા પ્લેટફોર્મની મદદ લીધી. એનો અમને ફાયદો પણ મળ્યો અને અમે ટૂંક સમયમાં જ 50 હજાર પ્રતિ માસનો બિઝનેસ કરવા લાગ્યા.
આજે અમે લોકો ઓનલાઈનની સાથે જ અનેક શહેરોમાં રિટેલરશિપ માર્કેટિંગ પણ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં જ દેશભરમાં પણ રિટેલ માર્કેટિંગ કરીશું. હાલમાં દર મહિને 2.5 લાખ રૂપિયાનું વેચાણ થઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ આ આંકડો વધી જશે.
કઈ રીતે તૈયાર કરે છે પ્રોડક્ટ્સ?
હિનાએ પોતાની સાથે 5 સ્થાનિક મહિલાને રાખી છે, જે પ્રોડક્ટની પ્રોસેસિંગ અને પેકેજિંગમાં તેમની મદદ કરે છે. પ્રોડક્ટ બનાવવાની પ્રોસેસને લઈને તે કહે છે, સૌપ્રથમ અમે સ્થાનિક કિસાનો પાસેથી રૉ મટીરિયલ ખરીદીએ છીએ. પછી એને તડકામાં સૂકવીએ છીએ અને ગ્રાઈન્ડરની મદદથી પાઉડર બનાવીએ છીએ. એ પછી અગાઉથી તૈયાર ફોર્મ્યુલા અનુસાર અલગ-અલગ પ્રોડક્ટને એકબીજાની સાથે નક્કી ક્વોન્ટિટીમાં મિક્સ કરીએ છીએ. એ પછી એનો ક્વોલિટી ટેસ્ટ થાય છે. પછી તેનું પ્રોસેસિંગ અને પેકેજિંગનું કામ થાય છે.
હાલ હિના અને તેમની ટીમ મળીને 21 પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે. એમાં હેલ્થ સપ્લિમેન્ટ્સ પાઉડર અને હર્બલ ટી સામેલ છે.
હાલમાં હિનાની પાસે 21 પ્રોડક્ટ્સ છે. એમાં 11 હેલ્થ સપ્લિમેન્ટ્સ પાઉડર અને 10 અલગ-અલગ પ્રકારની હર્બલ ટી છે. જે સંપૂર્ણપણે નેચરલ રીતે બનાવવામાં આવેલી હોય છે. એમાં કોઈપણ પ્રકારના કેમિકલ કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ તેઓ કરતા નથી. તેમના પ્રમાણે તમામ પ્રોડક્ટ એક્સપર્ટની દેખરેખમાં બની છે અને લેબમાં તેમનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે.
તમે આ પ્રકારનો બિઝનેસ કઈ રીતે શરૂ કરી શકો છો?
કોરોનાકાળમાં હેલ્થ સપ્લિમેન્ટની ડિમાન્ડ વધી છે. એક રિપોર્ટ અનુસાર, છેલ્લા એક વર્ષ દરમિયાન હેલ્થ સપ્લિમેન્ટના માર્કેટમાં બમણો વધારો નોંધવામાં આવ્યો છે. જો તમે આ સેક્ટરમાં બિઝનેસ શરૂ કરવા માગો છો તો ઉત્તમ સ્કોપ છે, પરંતુ તેના અગાઉ તમારે રિસર્ચ અને સ્ટડીની જરૂર પડશે. કઈ કઈ પ્રોડક્ટ્સથી હેલ્થ સપ્લિમેન્ટ્સ બનાવી શકાય છે અને તેમને તૈયાર કરવાની રીત શું હશે, એ તમારે જાણવાનું રહેશે. એ માટે તમે કોઈ હેલ્થ એક્સપર્ટનું મંતવ્ય લઈ શકો છો.
અત્યારે એલોવેરા, સરગવો, લેમન ગ્રાસ, તુલસીનાં પાન, હળદર- કાળા મરી જેવી નેચરલ ચીજો દ્વારા મોટે પાયે હેલ્થ સપ્લિમેન્ટ્સ તૈયાર કરવામાં આવે છે. અનેક લોકો તો ઘરમાં જ આ પ્રકારની પ્રોડક્ટ્સ તૈયાર કરી રહ્યા છે. તેને તૈયાર કરવાની રીત અને આ પ્રોડક્ટ્સની ઉપલબ્ધતા પણ ખૂબ મુશ્કેલ નથી. એના માટે ખૂબ વધુ બજેટ પણ જરૂરી નથી. જો ઉત્તમ રીતે માર્કેટિંગ કરવામાં આવે તો સારો નફો કમાઈ શકાય છે. પુણેના રહેવાસી પ્રમોદ પણ સરગવાનાં પાનમાંથી આરોગ્યપ્રદ નાસ્તો અને ચોકલેટ તૈયાર કરી રહ્યા છે. એનાથી તેમને સારીએવી કમાણી થઈ રહી છે.
અન્ય સમાચારો પણ છે...