Share
સૌરાષ્ટ્રમાં શ્રાીકાર : લોધિકા, જેતપુર, કોટડા સાંગાણી, આજી-ર ડેમનો દરવાજો ૧ ફૂટ ખોલાયો : ગામો એલર્ટ
ભાદર-૧ ડેમ નીલાખામા પાણીની આવક શરૂ
માત્ર ૩૩% ભરાયેલા ડેમોમાં નવા નીરની આવક
કાલાવડના મૂળીલાની નદીમાં પૂર આવ્યું
આમરણ ચોવીસીમાં ભારે વરસાદથી ડેમી નદી બે કાંઠે
રાજકોટ- ગુરૂપૂર્ણિમાએ ગુરૂમંદિરો ઉપર જળાભિષેક કરતા હોય તેમ મેઘરાજા ગઇકાલે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસ્યા હતા. એકાદ સપ્તાહથી રાજકોટમાં છવાતા વરસાદી માહોલ બાદ ગઇકાલે કાળાડિબાંગ વાદળામાંથી મેઘરાજાએ રમઝટ કરી જુદા જુદા વિસ્તારોમાં અઢીથી ચાર ઈંચ જળવર્ષા કરી હતી. ગોંડલમાં ધોધમાર પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. લોધિકામાં સાડા ત્રણ ઈંચ તેમજ આમરણ ચોવીસી પંથકમાં દોઢથી પાંચ ઈંચ, જેતપુરમાં ૩, અમરેલીમા દોઢ ઈંચ, જામકંડોરણા, વડીયામાં એક ઈંચ વરસાદ પડયો હતો. ધોરાજી, ટંકારા, જોડીયા, જામજોધપુર, કાલાવડ, ઉપલેટા, જાફરાબાદમા અડધોથી પોણો ઈંચ જયારે પડધરી, ગીરગઢડા, લીલિયા, બગસરા, મોરબી, વાંકાનેરમાં ઝાપટા પડયા હતા. રાજકોટ શહેર સહિત જિલ્લામાં પડેલા વરસાદના કારણે રાજકોટ નજીક આવેલ આજી-૨ ડેમ ભરાઈ જતા ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામા આવ્યો હતો.
રાજકોટ શહેરમા ગઇકાલે સવારે ૧૧ વાગ્યાથી શરૂ થયેલી મેઘરાજાની સવારી લગભગ સાંજના ૬ વાગ્યા સુધી ચાલી હતી શહેરના સેન્ટ્રલ ઝોનમાં ૩ ઈંચ, વેસ્ટ ઝોનમાં ૨ ઈંચ અને ઇસ્ટ ઝોનમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. ગોંડલમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં ૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રાતાનાલા તથાં ઉમવાડા અંડરબ્રીજમાં કેડ સમાણા પાણી ભરાયા હતા.જેતપુરમાં ત્રણ ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ધોરાજીમાં બે કલાકમાં એક ઈંચ વરસાદ પડયો હતો. કોટડાસાંગાણીમાં બે ઈંચ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. કોટડાસાંગાણીના આસપાસના ખરેડા રાજગઢ, માણેકવાડા, રાજપરા, ખોખરી ભાડુઈ, અરડોઈ, મોટામાંડવામાં બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જામકંડોરણામાં ગઇકાલે બપોરના ૨-૧૫ કલાકે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે સવા કલાકમાં એક ઈંચ જેટલો વરસી ગયો હતો.
આમરણ ચોવીસી પંથકમાં ગઇકાલે બપોરે ૧૧થી ૧ દરમિયાન બે કલાકમાં દોઢથી પાંચ ઈંચ જેટલોા મુશળધાર વરસાદ વરસ્યો હતો.
અમરેલીમા દોઢ ઈંચ જયારે વડિયામાં બપોર બાદ ધીમીધારે એક જેટલો વરસાદ વરસ્યો હતો. તેમજ જાફરાબાદમા અડધો ઈંચ અને રાજુલા, બગસરા અને લીલિયામા ઝાપટા પડયા હતા. જામનગર જિલ્લામાં જોડીયા અને જામજોધપુરમાં અર્ધો ઇંચ વરસાદ પડયો હતો. મોટી પાનેલીમાં ગઇકાલે સાંજે ૫થી ૬ દરમિયાન ધીમીધારે એકથી દોઢ ઈંચ વરસાદ પડયો હતો. ટંકારામાં ૨૦ મીમી વરસાદ પડયો હતો. જયારે વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારો મહિકા, કોઠી, જોધપુર સહિતના ગામોમાં એકથી અઢી ઈંચ જેટલો વરસાદ પડયો હતો પરંતુ વાંકાનેર શહેરમા વરસાદ પડયો ન હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 25, 2021