Share
ઓવર વ્યૂ
ભારત દાયકાઓથી બાળમજૂરીના દૂષણને સહન કરી રહ્યું છે. દેશનું બાળપણ પોતાના રંગીન સપનાઓના સ્થાને ક્યારેય કચરા-પોતા કરીને કોઈના ઘરને ચમકાવતું રહે છે અથવા તો ક્યારેક પોતાના નાજુક ખભા પર વજન ઉપાડીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. આપણા દેશમાં બાળકોને ભગવાનનું રૂપ માનવામાં આવે છે, પરંતુ તેની પાસે મજૂરી કરાવવામાં કોઈ ખચકાટ અનુભવાતો નથી. સરકારો બાળમજૂરીને ખતમ કરવા માટે મોટી મોટી વાતો કરે છે અને જાહેરાતો કરે છે પરંતુ તેનું પરિણામ કોઈ નથી આવતું. આટલી બધી જાગરૂકતા પછી પણ દેશમાંથી બાળ મજૂરી નાબૂદ થવાની સંભાવના દૂર દૂર સુધી દેખાતી નથી. જો કે બાળમજૂરી ફક્ત ભારત પૂરતી સીમિત નથી, આ એક વૈશ્વિક દૂષણ છે. આજે વિશ્વભરમાં લગભગ ૨૧.૮ કરોડ બાળકો કામ કરે છે અને તેમાંના મોટાભાગના બાળકોને યોગ્ય શિક્ષણ અને પોષણ પ્રાપ્ત થતું નથી. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વિશ્વમાં એકવીસ કરોડ એંસી લાખ બાળમજૂરો છે, જ્યારે એકલા ભારતમાં જ તેની સંખ્યા એક કરોડ છવ્વીસ લાખ છાસઠ હજારથી ઉપર છે. દુઃખદ બાબત એ છે કે તેઓ ખતરનાક પરિસ્થિતિની વચ્ચે કામ કરે છે. તેમનામાંથી અડધા બાળકોની સ્થિતિ સૌથી ખરાબ છે, જેમ કે હાનિકારક વાતાવરણ, ગુલામી અથવા મજબૂર શ્રમના અન્ય રૂપ, માદક પદાર્થની દાણચોરી અને વેશ્યાવૃત્તિ સહિતની ગેરકાનૂની કામગીરી, સશસ્ત્ર સંઘર્ષનો પણ સમાવેશ થાય છે.
ભણવાની અને રમવાની વયે કામ કરતાં આ બાળકો પોતાનું બાળપણ ગુમાવી દે છે. એ સાચંુ છે કે આપણે દેશમાં બાળમજૂરી રોકવા માટે ઘણા નિયમો અને કાયદા છે, પરંતુ તેનો કડકાઈથી અમલ નથી થતો. તેના કારણે જ ભારતમાં બાળમજૂરી મુખ્ય સમસ્યાઓમાની એક છે. એવું નથી કે દેશમાંથી બાળમજૂરીને ખતમ કરી શકાય તેમ નથી. જો લોકોમાં જાગરૂકતા વધારવામાં આવે અને કાયદાનું યોગ્ય પાલન કરવામાં આવે તો દેશમાંથી બાળમજૂરીને સંપૂર્ણ રીતે ખતમ કરી શકાય છે. પરંતુ દેશમાં બાળમજૂરોની સંખ્યા સતત વધી રહી છે અને તેમની પાસે ખતરનાક કામો પણ કરાવવામાં આવે છે. આમ તો બાળમજૂરો માટે ઘણા કારણો હોય છે પણ તેમાં મુખ્ય કારણ જોવામાં આવે તો ગરીબી છે.
ગરીબ લોકો પોતાના પરિવારનું પાલનપોષણ કરવા માટે પોતાના બાળકો પાસે મજૂરી કરાવે છે, આ તેમની મજબૂરી હોય છે. તેઓ પોતાના બાળકોને શાળાએ મોકલવાની સ્થિતિમાં હોતા નથી તેથી બાળકોને કામ પર મોકલે છે. ઘમા બાળકોને માતા-પિતા ના હોવાના કારણે બાળપણથી જ પોતાનું પેટ ભરવા મજૂરી કરવી પડે છે. ઘણા બાળકોના પરિવારો તેને ભણાવી શકવાની સ્થિતિમાં હોવા છતાં મજૂરીની લાલચમાં કામ પર જતા રહે છે. હાલની પરિસ્થિતિમાં ગરીબ બાળકોનું સૌથી વધારે શોષણ થાય છે. ગરીબ બાળાઓને માતા-પિતા ભણવા મોકલવાના બદલે ઘરકામ કરાવે છે. આ ઉપરાંત વધતી જતી વસતી, સસ્તી મજૂરી, શિક્ષણનો અભાવ અને હાલના કાયદાઓનો યોગ્ય અમલનો અભાવ બાળમજૂરી માટે વિવિધ કારણો છે. બાળમજૂરી માનવજાત માટે અભિશાપ છે અને દેશના વિકાસ આડેનો મોટો અવરોધ પણ છે. સ્વસ્થ બાળક રાષ્ટ્રનું ગૌરવ હોય છે. આજનું બાળક જ કાલનું ભવિષ્ય છે. આ પંક્તિઓ સ્પષ્ટ કરે છે કે દેશની ઉન્નતીના સર્વાધિક મહત્ત્વપૂર્ણ તત્ત્વ બાળકો જ હોય છે. પરંતુ જ્યારે આપણે કાલના ભવિષ્યને ચાની દુકાન પર, ઢાબા પર કામ કરતાં જોઈએ છીએ કે જ્યાં તેમની શારીરિક અને માનસિક ક્ષમતાનો દુરુપયોગ કરવામાં આવે છે ત્યારે આપણું માથું શરમથી ઝૂકી જાય છે. ભારતીય બંધારણ અનુસાર કોઈપણ ઉદ્યોગ, કારખાના અથવા કોઈ કંપનીમાં શારીરિક અથવા માનસિક શ્રમ કરવાવાળા પાંચથી પંદર વર્ષના બાળકોને બાળમજૂર ગણવામાં આવે છે. દેશમાં ૧૯૭૯માં સરકાર દ્વારા બાળમજૂરીને ખતમ કરવા માટે ઉપાય સૂચવવા ગુરુપાદ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ બાળમજૂરી રોકવા વિવિધ ભલામણો પણ કરી હતી. જો કે સરકાર દ્વારા સમાજે પણ જાગરૂક થઈને તેને રોકવાના પગલાં ભરવાની જરૂર છે. બાળમજૂરી ગરીબ બાળકોના ભવિષ્ય સાથે ચેડાં ઉપરાંત માનવ અધિકારનો ભંગ પણ છે. આના માટે સરકારોએ કેટલાક વ્યવહારું પગલાં ભરવા પડશે. આર્થિક રીતે સક્ષમ વ્યક્ત એક ગરીબ બાળકની જવાબદારી ઉપાડી લે તો આ સમસ્યા હલ થઈ શકે. હાલમાં ઘણા સ્વૈચ્છિક સંગઠનો પણ આ માટે પ્રયાસો કરી રહ્યા છે. ૨૦૨૫ સુધીમાં દેશમાંથી બાળમજૂરી નાબૂદ કરવાનું લક્ષ્ય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery