Share
। કોલંબો ।
ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં ચાર રાજપક્ષે ભાઇઓમાં સૌથી નાના સભ્ય ૭૦ વર્ષીય બાસિલ રાજપક્ષેએ ગુરુવારે શ્રીલંકાના નાણામંત્રીપદે શપથ લીધા હતા. આ સાથે શ્રીલંકામાં આ રાજપક્ષે પરિવારની સત્તા પરની પકડ વધુ મજબુત થઇ ગઇ છે. શ્રીલંકામાં રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કૃષિ અને નાણા વિભાગ પર ચાર સગા ભાઇઓનો કબજો છે.
ગોટબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ, મહિંદા રાજપક્ષે પ્રધાનમંત્રી અને કૃષિમંત્રી ચામાલ રાજપક્ષે બાદ બાસિલ રાજપક્ષે મંત્રીમંડળમાં સામેલ થયા હોય તેવા ચોથા ભાઇ બન્યા છે. બાસિલના મંત્રી મંડળમાં સામેલ થવાની સાથે સરકારમાં રાજપક્ષે પરિવારના લોકોની કુલ સંખ્યા સાતની થઇ ગઇ છે.
મહિંદાના મોટા દીકરા નમલ મંત્રીમંડળમાં રમતગમત મંત્રી છે જ્યારે ચામાલના દીકરા શીશેંદ્ર રાજ્યમંત્રી છે. આ સિવાય ભાણેજ નિપુના રાનાવાકા પણ સાંસદ છે. અત્યાર સુધી નાણામંત્રાલયનો હવાલો પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષે પાસે હતો હવે તેઓ આર્થિક નીતિ અને યોજનાઓ લાગુ કરવાની નવી જવાબદારી આપવામાં આવી છે. બાસિલ રાજપક્ષેને ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી મહિંદા રાજપક્ષે સરકારનો બૌદ્ધિક આધાર સ્તંભ માનવામાં આવતા હતા.
બાસિલ પાસે અમેરિકા અને શ્રીલંકાનું બેવડું નાગરિકત્વ છે અને તેઓએ ફઇનાન્સ મેનેજમેન્ટથી લઇને પર્યાવરણના ક્ષેત્રમાં ઘણી કામગીરી કરી છે. બાસિલે ગયા વર્ષે થયેલી સંસદીય ચૂંટણી લડી નહોતી અને તેઓ ચૂંટાયેલા સાંસદોની રાષ્ટ્રીય યાદી દ્વારા સંસદમાં પહોંચ્યા છે. સત્તારૂઢ એસએલપીપીના એક સાંસદે આ અઠવાડિયે તેમના હોદ્દા પરથી રાજીનામું આપતા બાસિલનો સંસદમાં પ્રવેશવાનો માર્ગ મોકળો થઇ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery