શ્વાસ લેવામાં તકલીફ પડતાં ICUમાં એડમિટ હતા
બોલિવૂડના 98 વર્ષીય ખ્યાતનામ અભિનેતા દિલીપ કુમારનું વહેલી સવારે નિધન થયું છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે સવારે 7.30 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. 30 જૂને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ICUમાં હતા. દિલીપ કુમારને સાંજે 5 વાગે જુહુમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 6 જૂનના રોજ દિલીપ કુમારને એડમિટ કરવામાં આવ્યા હતા અને તેમને 11 જૂનના રોજ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજે દિલીપ કુમારના નિધનના સમાચાર તેમના જ ટ્વિટર હેન્ડલથી ફૈઝલ ફારુખીએ(દિલીપ કુમારના મિત્ર) આપ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી દિગ્ગજ અભિનેતાને શ્રદ્ધાંજલિ પાઠવી.
શ્વાસ લેવામાં તકલીફ પડતાં દાખલ કરવામાં આવ્યા હતા
98 વર્ષીય દિલીપ કુમારને હિંદુજા હોસ્પિટલના ICU વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તથા તેમની ઉંમર જોતાં પરિવારે હોસ્પિટલમાં એડમિટ કરવાનો નિર્ણય લીધો હતો.
દિગ્ગજોએ દિલીપ કુમારને શ્રદ્ધાંજલી પાઠવી
બોલિવૂડના 'ટ્રેજેડી કિંગ' દિલીપ કુમારના નિધન પછી ફિલ્મ જગત અને દેશમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. દેશના ઘણા દિગ્ગજો પણ દિલીપ કુમારની યાદમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને પોતાનું દુઃખ પ્રગટ કરી રહ્યા છે.
કોંગ્રેસના સંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને દિલીપ કુમારને શ્રદ્ધાંજલી આપી. એણે દિલીર કુમારના પરિવાર, ફેન્સ પ્રતિ પોતાની સંવેદના પ્રકટ કરી હતી. ભારતીય સિનેમા માટે દિલીપ કુમારનું યોગદાન હંમેશા યાદ કરાશે.
જૂનમાં પાંચ દિવસ એડમિટ રહ્યા હતા
નોંધનીય છે કે 6 જૂનના રોજ દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ પડતાં આ જ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને ફેફસાંમાં પાણી ભરાઈ ગયું હતું. ડૉક્ટર્સે પાણી બહાર કાઢ્યું હતું અને પાંચ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ગયા વર્ષે બે ભાઈનાં મૃત્યુ
ગયા વર્ષે દિલીપ કુમારના બે નાના ભાઈઓનાં કોરોનાને કારણે મૃત્ય થયાં હતાં. 2020માં બંને ભાઈઓ અસલમ ખાન (80) તથા અહેસાસ ખાન (90)નાં મોત કોરોનાને કારણે થયાં હતાં. બંને ભાઈ લીલાવતી હોસ્પિટલમાં એડમિટ હતા, જોકે દિલીપ કુમારને આજ સુધી બંને ભાઈનાં મૃત્યુ અંગે ખબર નહોતી.
પદ્મભૂષણ, દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત
દિલીપ કુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. તેમણે 'જ્વાર ભાટા', 'અંદાજ', 'આન', 'દેવદાસ', 'આઝાદ', 'મુગલ-એ-આઝમ', 'ગંગા જમુના', 'ક્રાંતિ', 'કર્મા', 'સૌદાગર' સહિત 50થી વધુ બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું હતું. છેલ્લે, તેઓ ફિલ્મ 'કિલા'માં જોવા મળ્યા હતા.
8 વાર ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો
દિલીપ કુમારને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અવૉર્ડ આઠ વાર મળ્યો હતો. હિંદી સિનેમાનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 2015માં સરકારે તેમને પદ્મભૂષણ અવૉર્ડથી સન્માનિત કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...