આજે રવિવાર છે, તારીખ 4 જુલાઈ, જેઠ વદ દસમ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર1) વિજય રૂપાણી આજે મુખ્યમંત્રી બાલ સેવા યોજનાનું લોન્ચિંગ કરશે, કોરોનામાં વાલી ગુમાવનાર બાળકોને રૂ. 4 હજાર અપાશે2) તીરથ સિંહ રાવત રાજીનામા બાદ આજે પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે3) ગુજરાત યુનિવર્સિટીમાં ધોરણ 12 પછી ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજની એડમિશન પ્રોસેસ અને ઓપ્શન અંગેનો માર્ગદર્શન પ્રોગ્રામ4) અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કોરોના વેક્સિન સંદર્ભે ઝાયડસ કેડિલા અને હેસ્ટર બાયોસાયન્સની મુલાકાત કરશે5) અમદાવાદ શહેર ભાજપની વર્ચ્યુઅલ કારોબારી યોજાશે, કોરોનામાં મોતને ભેટેલા કાર્યકરોને શોકાંજલિનો ઠરાવ પાઠવશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચારો
1) આમિર ખાન-કિરણ રાવે લગ્નનાં 15 વર્ષ પછી સહમતીથી અલગ થવાની જાહેરાત કરી, દીકરા આઝાદના કો-પેરન્ટ્સ રહેશે
બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ પોતાના લગ્નજીવનની બાબતમાં પર્ફેક્ટ હસબંડ સાબિત નથી થયા. આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. જોકે આ નિર્ણય પાછળનું કારણ જાણવા નથી મળ્યું, પરંતુ બંનેએ પરસ્પર સહમતીથી છૂટા થવાનો નિર્ણય કર્યો છે, એવું મીડિયા સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે ખરું. તેમણે કહ્યું છે કે અમારા દીકરા આઝાદને અમે બહુ પ્રેમથી ઉછેર્યો છે. તેના માટે હવે અમે કો-પેરન્ટ્સ રહીશું અને તેનો ઉછેર સાથે જ કરીશું.
2) મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં વિકાસ માટે 702 કરોડની ફાળવણી કરી, પ્રહલાદનગર સહિત 3 જગ્યાએ મલ્ટીલેવલ પાર્કિંગ બનશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરપાલિકાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તેમજ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિતના વિવિધ વિકાસ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 702 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ભૌતિક આંતરમાળખાકીય વિકાસના 63 કામો માટે રૂ.354.80 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
3) સુરતમાં AAP અધ્યક્ષના ઘરે ભાજપના કાર્યકરો જતાં હોબાળો, ઈટાલિયાએ કહ્યું, પાટીલના માણસોએ મારાં મમ્મી અને બહેન સાથે અભદ્ર વર્તન કર્યું
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાના સુરતના મોટા વરાછા સ્થિતિ સુદામા ચોક ખાતેના ઘરે ભાજપ સમર્થિત ચારેક યુવાનોએ તેમની ગેરહાજરીમાં તેમની માતા સાથે પણ જીભાજોડી કરી હતી. સાથે જ તેમને શ્રીમદ્ ભગવદગીતા આપવાનો પ્રયાસ કરાયો હતો. ગોપાલ ઈટાલિયાએ પોલીસને જાણ કરવાની સાથે કહ્યું હતું કે પાટીલના માણસોએ મારાં મમ્મી અને બહેન સાથે અભદ્ર વર્તન કર્યું છે. અમરોલી પોલીસે યુવકોને ઝડપી લીધા બાદ બન્ને પક્ષની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.
4) પોલીસને સ્થળ પર જ લૂંટ, હત્યા, દુષ્કર્મ કે ડ્રગ્સ સહિતની ઘટનાની પ્રાથમિક તપાસ રિપોર્ટ મળશે, ગુજરાત પોલીસને 11 ખાસ વાન ફાળવાઈ
રાજ્યમાં હવે ગુનો બન્યા બાદ વૈજ્ઞાનિક તપાસના રિપોર્ટ માટે પોલીસે રાહ જોવી પડશે નહીં. પ્રાથમિક ગુનાનો રિપોર્ટ તૈયાર કરવા માટે ખાસ વાન દેશના વિવિધ રાજ્યોમાં ખાસ 55 વાન મોકલાઈ છે. જેમાં ગુજરાત પોલીસને 11 વાનની ફાળવાઈ છે. આ વાનની અંદર તમામ પ્રકારના ગુનાની પ્રાથમિક તપાસ માટે કીટ તૈયાર કરાયેલી છે. જેથી લૂંટ, મર્ડર, બળાત્કાર, ડ્રગ્સ, આગ સહિતની ઘટનાઓમાં સ્થળ પર જ પ્રાથમિક તપાસ કરી રિપોર્ટ મળશે.
5) કલોલના ધારાસભ્ય બલદેવજી ઠાકોરનાં બંગલામાં તસ્કરો ત્રાટક્યા, સોનાના દાગીના, ત્રણ Led TV, રોકડ મળી રૂ. 8. 51 લાખની મત્તા ચોરાઈ
ગાંધીનગરનાં કલોલના ધારાસભ્ય બલદેવજી ઠાકોરના કલોલના બંગલામાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. બંગલામાંથી ત્રણ led TV, સોનાના દાગીના તેમજ બે લાખ રૂપિયા રોકડા સિફ્તપૂર્વક ચોરી કરીને નાસી જતાં રાત્રિ કર્ફ્યૂની પોલીસ કામગીરી પર સવાલો ઉઠવા પામ્યા છે. હાલમાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી તસ્કરોએ ચોરીની ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો તેની મથામણમાં લાગી ગઈ છે. પોલીસ તપાસમાં ધારાસભ્યનાં બંગલાનાં મુખ્ય દરવાજાનું તાળું તોડી રૂ. 8.51 લાખથી વધુની મત્તા ચોરાઈ હોવાનું સામે આવ્યું છે.
6) સાબરમતી રિવરફ્રન્ટ પર ફૂટઓવર બ્રિજનું ડિસેમ્બરમાં લોકાર્પણ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પૂર્ણતાને આરે, હવે 92 મીટર ઊંચાં ત્રણ સ્કાઇસ્ક્રેપર બનશે
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ કાંઠા વિસ્તારમાં આવનારા સમયમાં 92.4 મીટરની ઊંચાઈ ધરાવતા અને 22 માળ સુધીનાં બિલ્ડિંગ પણ બનશે. મ્યુનિ.દ્વારા ડેવલપર્સ પાસેથી આ અંગે અભિપ્રાય મેળવવામાં આવતાં રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠાના ટાગોર હોલ અને ઈવેન્ટ સેન્ટર વચ્ચે આ પ્રકારનાં ત્રણ બિલ્ડિંગના નિર્માણને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ સ્કાઇસ્ક્રેપરની સાથે રિવરફ્રન્ટ પર ફૂટઓવર બ્રિજનું ડિસેમ્બરમાં લોકાર્પણ થશે. એ ઉપરાંત 4 ક્રિકેટ પિચ, 4 ટેનિસ કોર્ટ સાથેનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ પણ પૂર્ણ થવાને આરે છે.
7) પુણે-મુંબઈ એક્સપ્રેસ-વે પર કન્ટેનરે કારને ટક્કર મારી, પતિ-પત્ની અને 4 વર્ષના પુત્રનું ઘટનાસ્થળે મોત; ઘટના આગળની ટ્રકમાં લગાવાયેલા કેમેરામાં કેદ
મુંબઈ- પુણે એક્સપ્રેસ-વે પર એક દર્દનાક દુર્ઘટના સામે આવી હતી, જેમાં પતિ-પત્ની અને તેના 4 વર્ષના પુત્રનું મોત નીપજ્યું છે. આ દરેક લોકો કારમાં સવાર હતા. આ ઘટનાનો તમને વિચલિત કરી શકે છે. આ વીડિયોમાં એક બેકાબૂ કન્ટેનર પહેલા ગાડી અને પછી પોતાની આગળ ચાલતા ટ્રકને અડફેટે લે છે. આ દુર્ઘટનાને કારણે એક્સપ્રેસ-વે પર લગભગ 2 કલાક સુધી ટ્રાફિક-જામ સર્જાયો હતો.
8) ઉત્તર પ્રદેશમાં ભાજપની રેકોર્ડ બ્રેક જીત, જિલ્લા પંચાયતની 75 પૈકી 67 બેઠક પર ભગવો લહેરાયો, કોંગ્રેસનો ગઢ અમેઠીમાં ભાજપની જીત
ઉત્તર પ્રદેશમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ સર્જ્યો છે. ભાજપે રાજ્યની 75 પૈકી 65 બેઠક પર જીત મેળવી છે. બે બેઠક પર ભાજપના સમર્થકે જીત મેળવી છે. જ્યારે SPને ફક્ત 5 બેઠક મળી છે. એક બેઠક પર સહયોગી LJPએ કબ્જો કર્યો હતો. પ્રતાપગઢ બેઠક પર રાજા ભૈયાની પાર્ટીએ જીત હાંસલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં અધ્યક્ષની ચૂંટણીમાં SPએ 63 બેઠક મેળવી હતી.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ભારત બાયોટેકે ફેઝ-3ના ક્લિનિકલ ટ્રાયલના ફાઇનલ ડેટા જાહેર કર્યો, ડેલ્ટા વેરિયન્ટ પર વેક્સિન 65% અસરકારક 2) રાફેલ ડીલની ફ્રેન્ચ મેજિસ્ટ્રેટે શરૂ કરી તપાસ, ઇમેન્યુઅલ મેક્રોન અને પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદને પણ કરાશે સવાલ-જવાબ 3) ઉત્તર પ્રદેશમાં પિતાએ મસ્જિદ બહાર પ્રેમીને અને બાદમાં દીકરીની ગોળી મારી હત્યા કરી; ભાઈએ બહેનના પ્રેમીને ઘરે જઈ માર્યો
આજનો ઈતિહાસ
4 જુલાઈ 1902ની સાલમાં સ્વામી વિવેકાનંદનું બેલુર મઠ, હાવડા ખાતે માત્ર 39 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. જ્યારે 1900ની સાલમાં આધ્યાત્મિક ગુરુ શિવાનંદ સ્વામીનો તમિળનાડુના પટ્ટામેડાઈ ખાતે જન્મ થયો હતો.
અને આજનો સુવિચાર
હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
- સ્વામી વિવેકાનંદ
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
અન્ય સમાચારો પણ છે...
એપ ખોલો