આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ગુજરાત હાઈકોર્ટમાં કોરોના મામલે સુનાવણી કરશે, રાજ્ય સરકારે રજૂ કર્યું છે સોગંદનામું 2) નૌકાદળમાં પરીક્ષા વગર ઓફિસર બનવાની સુવર્ણ તક, આજથી 16 જુલાઈ સુધી કરી શકાશે અરજી. 3) રાજકોટ જિલ્લા કલેક્ટરની રાજકોટ-અમદાવાદ સિક્સ લેનની ધીમી કામગીરી મામલે અધિકારીઓ સાથે મીટિંગ. અરૂણ મહેશ બાબુ એઈમ્સ અને હીરાસર એરપોર્ટની પણ મુલાકાત લેશે.
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન ગુજરાતમાં બનશે, ધોલેરા SIRમાં પ્લાન્ટ સ્થાપવા ગૂગલના અધિકારીઓ આવીને ગયા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયો અને ગૂગલની પાર્ટનરશિપમાં બનેલા નવા સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટની જાહેરાત કરી છે. ગુજરાત સરકારનાં ઉચ્ચ આધિકારિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગૂગલ આ સ્માર્ટફોનનું ઉત્પાદન ગુજરાતમાં કરી શકે છે. થોડા સમય પૂર્વે ગૂગલના અધિકારીઓ રાજ્યમાં લોકેશન જોવા માટે પણ આવ્યા હતા.
2) અમદાવાદ શહેર અને જિલ્લામાં 1-1 મળી રાજ્યમાં કુલ 3ના મોત, કોરોનાના દૈનિક નવા કેસ ઘટીને 84 થયાં, 300 ડિસ્ચાર્જ
રાજ્યમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 24 કલાકમાં 84 નવા કેસ નોંધાયા છે. બીજી વેવમાં સતત ચોથીવાર 100થી ઓછા કેસ નોંધાયા છે. અમદાવાદ શહેર, અમદાવાદ અને સુરત જિલ્લામાં 1-1 મળીને કુલ 3 દર્દીના મોત થયા છે. 16 જિલ્લા અને બે કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. તેમજ 300 દર્દી સાજા થયા છે. જેને પગલે રિક્વરી રેટ સુધરીને 98.44 ટકા થયો છે.
3) કોરોનાની ત્રીજી વેવ સામે ટકવા વેક્સિન જ જડીબુટ્ટી, કોવિડથી સંક્રમિત થયા હશો તો પણ વાયરસ વધુ સમય ટકી નહીં શકે
કોરોના મહામારીમાં ડૉક્ટર, પેરામેડિકલ સ્ટાફ, નસિંગ સ્ટાફ અને અન્ય મેડિકલ સાથે જોડાયેલા લોકોએ જે સેવા આપી છે. એની જેટલી પ્રશંસા કરો એટલી ઓછી છે. ત્યારે અમદાવાદના એક ડોક્ટર અને તેમની ટીમે વેક્સિનની અસરકારકતાને લઈ કરેલા રિસર્ચમાં ખુલાસો થયો છે કે, વેક્સિન લેનાર દર્દીઓમાં કોરોનાની અસરકારકતા નબળી જોવા મળી હતી. તેમજ દર્દીઓને હોસ્પિટલમાં પણ ઓછો સમય રહેવું પડ્યું હતું.
4) યુરોપિયન યુનિયનના 7 દેશો અને સ્વિટ્ઝર્લેન્ડે ભારતની કોવિશીલ્ડને માન્યતા આપી; પહેલાં આ વેક્સિન લેનારને એન્ટ્રી નહીં મળે એવું કહ્યું હતું
ગુરુવારે યુરોપિયન યુનિયનના સાત દેશો- ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેનિયા, ગ્રીસ, આઈલેન્ડ, આયર્લેન્ડ, સ્પેન તેમજ સ્વિટ્ઝર્લેન્ડે ભારતની કોવિશીલ્ડ વેક્સિનને મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ યુરોપિયન યુનિયને આ વેક્સિન લેનારને એન્ટ્રી નહીં મળે એમ કહ્યું હતું. આની સામે ભારતે સખત વિરોધ નોંધાવ્યો હતો.
5) ઝાયડસ કેડિલાએ કોરોના વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી માગી, 12-18 વર્ષનાં બાળકો માટે આ પ્રથમ ભારતીય રસી હશે
ઝાયડસ કેડિલાએ તેની કોરોના વેક્સિન ZyCoV-Dના ઈમર્જન્સી ઉપયોગ માટે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DGCI) પાસેથી મંજૂરી માગી છે. આ વેક્સિન 12 વર્ષથી ઉપરના લોકો માટે છે. એના ફેઝ-3ની ટ્રાયલ પૂરી થઈ ચૂકી છે. કંપનીનું કહેવું છે કે વાર્ષિક 12 કરોડ ડોઝ બનાવવાનો પ્લાન છે. ZyCoV-Dને મંજૂરી મળશે તો આ દેશની પાંચમી એપ્રૂવડ વેક્સિન હશે.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ગુલશન કુમાર હત્યાકાંડ મામલે બોમ્બે હાઈકોર્ટે અબ્દુલ રઉફની આજીવન કેદની સજા યથાવત રાખી, હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો.
2) ચીના રાષ્ટ્રપતિ જિનપિંગે કહ્યું- તે સમય ગયો જ્યારે ચીનને કોઈપણ ધમકી આપી ચાલ્યા જતા હતા, અમે અમારા સૈન્યને વર્લ્ડ ક્લાસ બનાવીશું.
3) ડિજિટલ ઈન્ડિયાના 6 વર્ષ પૂર્ણ:વડાપ્રધાને કહ્યું- કોરોનાયુગમાં જે ડિજિટલ સોલ્યુશન્સ ભારતે તૈયાર કર્યા છે, તેની આજે સમગ્ર દુનિયામાં ચર્ચા.
આજનો ઈતિહાસ
1971ના યુદ્ધમાં પાકિસ્તાનની કારમી હાર બાદ 1972માં આજના દિવસે ભારત-પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર થયા હતા. ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને પાકિસ્તાની પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભૂટ્ટોએ આ ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
અને આજનો સુવિચાર
દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
અન્ય સમાચારો પણ છે...
એપ ખોલો