Corona Testing 28 Domes Resumed In A Month And A Half, With A Maximum Of 44,819 People Vaccinated In One Day
અગમચેતી?:અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગના 28 ડોમ દોઢ મહિને ફરી શરૂ કરાયા, અચાનક ડોમ શરૂ કરતાં અનેક તર્ક-વિતર્કો
અમદાવાદ14 કલાક પહેલા
કૉપી લિંક
ટાગોર હોલની બહાર કોરોનાના ટેસ્ટિંગ માટે ડોમ ઊભો કરવામાં આવતાં ફરી પાછી લોકોની લાઇનો લાગી હતી.
8 ડોમમાં 50 એન્ટિજન અને 50 RT-PCR ટેસ્ટ કરાશે
બીજી બાજુ એક દિવસમાં સૌથી વધુ 44,819 લોકોને વેક્સિન અપાઈ
શહેરમાં મંગળવારે એક જ દિવસમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક 44,819 નાગરિકને કોરોનાની રસી આપવામાં આવી હતી. અગાઉ 3 જુલાઈએ 44,540ને રસી આપવામાં આવી હતી. ત્યાર બાદ એમાં ક્રમશ: ઘટાડો થયો હતો. જો આ રીતે વેક્સિનેશનની પ્રક્રિયા ચાલુ રહે તો 2થી 3 મહિનામાં 100 ટકા નાગરિકોને પ્રથમ ડોઝ મળી જશે. મંગળવારે 44,819ને રસી અપાઈ હતી, જેમાં 23,980 યુવાનોનો સમાવેશ થાય છે. શહેરમાં અત્યારસુધીમાં 3428627ને રસી અપાઈ છે, જેમાં 26.97 લાખે પ્રથમ અને 7.31 લાખને બીજો ડોઝ અપાયો છે.
કોરોના ટેસ્ટ માટે બીજી લહેર દરમિયાન ડોમ પર લાઈનો લગાવી હતી.
બીજી બાજુ, મ્યુનિ.એ શહેરમાં કોરોનાના ટેસ્ટિંગ માટેના 28 ડોમ દોઢ મહિના પછી શરૂ કર્યા છે. આ ડોમ પર આરટી-સીપીસીઆર અને એન્ટિજન ટેસ્ટ કરવામાં આવશે. હાલ શહેરમાં કોરોના દૈનિક કેસ સિંગલ ડિજિટમાં આવી રહ્યા છે. 28 ડોમમાં રોજ 100 ટેસ્ટ કરવા માટેની તૈયારી કરવામાં આવી છે. 50 રેપિડ એન્ટિજન ટેસ્ટ અને 50 આરટી-પીસીઆર ટેસ્ટ કરાશે. ગુરુવારથી આ તમામ ડોમમાં ટેસ્ટની કામગીરી પૂર્ણ ક્ષમતા સાથે શરૂ કરવામાં આવશે, જે માટે જરૂરી સ્ટાફની પણ ફાળવણી કરી દેવામાં આવી છે. અચાનક ટેસ્ટિંગ ડોમ શરૂ કરવામાં આવતાં અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે, જે દર્શાવે છે કે કંઈક અલગ રંધાઈ રહ્યું છે.
બીજી લહેરની શરૂઆતમાં કોરોના ટેસ્ટિંગના ડોમ ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યા હતા.
આ વિસ્તારમાં ઊભા કરાયેલા ડોમ પર કોરોનાના ટેસ્ટ કરાશે
વસ્ત્રાપુર, ઘાટલોડિયા સહિતનાં 18 સ્થળે ટેસ્ટિંગ ડોમ શરૂ થયા હતા. દાણાપીઠ મ્યુનિ. કચેરી, અંકુર, થલતેજ, પાલડી ટાગોર હોલ, ગોતા, કાંકરિયા, સાબરમતી, સહિતનાં કેટલાંક સ્થળે ડોમ શરૂ કરવામાં આવશે.
હાલમાં માત્ર અર્બન હેલ્થ સેન્ટરમાં જ ટેસ્ટ થતા હતા
ટેસ્ટિંગ ડોમ બંધ કરી માત્ર અર્બન હેલ્થ સેન્ટર પર જ ટેસ્ટ કરવામાં આવતા હતા. રેપિડ એન્ટિજન કે પછી આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવા ઇચ્છતા હોય તો તેમણે અર્બન હેલ્થ સેન્ટર પર જવું પડતું હતું.
એન્ટિબોડી તપાસી રહેલા કર્મીઓની તસવીર
82 ટકા અમદાવાદીઓમાં એન્ટીબોડી ડેવલોપ થઈ
કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ શહેરમાં હજારો લોકોના મોત અને કેસો થયા હતા. કોરોનાની ઘાતક બીજી લહેર પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે 28 મેથી 3 જૂન વચ્ચે શહેરમાં પાંચમો સીરો સર્વે કર્યો હતો. કોર્પોરેશને શહેરના અલગ અલગ ઝોનમાં રહેતા કુલ 5000 જેટલા લોકોના સેમ્પલ લીધા હતા. જેમાં 81.63 ટકા સીરો પોઝિટિવ મળ્યા છે. જેથી કહી શકાય કે અમદાવાદમાં રહેતા 82 ટકા લોકોમાં એન્ટીબોડી ડેવલોપ થઈ ચૂકી છે.
અમદાવાદમાં ક્યા ઝોનમાં કેટલા ટકા એન્ટિબોડી મળ્યાં?
પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારના બંને ઝોનમાં હાઈ સીરોપોઝિટિવિટી ડેલ્ટા વેરિએન્ટ ઈન્ફેક્શન અને વેક્સિનેશનના પરિબળોને કારણે જોવા મળ્યા હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે. મે મહિનાના અંત સુધીમાં ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત થયેલી વસ્તીની સંખ્યા ખૂબ જ વધુ જોવા મળી હતી. અગાઉના વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટ જેટલા ચેપી નહોતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફેબ્રુઆરી મહિનામાં ચોથો સીરો સર્વે કરવામા આવ્યો હતો. જેમાં લેવાયેલા સેમ્પલમાંથી 27.92 ટકા લોકોમાં એન્ટીબોડી હતા. પાંચમા સીરો સર્વેમાં દક્ષિણ ઝોનમાં 87.7%, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 87.2%, ઉત્તર ઝોનમાં 83.8%, મધ્ય ઝોનમાં 81.2%, પશ્ચિમ ઝોનમાં 79.3%, ઉત્તર-પશ્ચિમમાં 78.8% અને પૂર્વ ઝોનમાં 74.2% સીરો પોઝિટિવિટી હોવાનું બહાર આવ્યું છે.
સેમ્પલ લઈ રહેલા આરોગ્ય કર્મીની તસવીર
નવા 6 કેસ, આજે પણ કોઈ મોત નહીં
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે, જ્યારે કોઈ દર્દીનું મોત થયું નથી. 25 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બીજી બાજુ, સિવિલમાં હોસ્પિટલની 1200 બેડમાં કોરોનાના 18 અને મ્યુકર માઈકોસિસના 25 દર્દી દાખલ છે. છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા ઘટી છે.
અન્ય સમાચારો પણ છે...