Before Heading To The Tokyo Olympics, Swimmer Mana Patel Took A Second Dose Of The Vaccine
કોરોના સામે કવચ:ટોક્યો ઓલિમ્પિક્સમાં જતાં પહેલાં સ્વિમર માના પટેલે અમદાવાદમાં વેક્સિનનો બીજો ડોઝ લીધો, લોકોને પણ વેક્સિન લેવા અપીલ કરી
અમદાવાદ18 કલાક પહેલા
કૉપી લિંક
ગોતાના વેક્સિનેશન સેન્ટરમાં વેક્સિન લેવા પહોંચેલી સ્વિમર માના પટેલની તસવીર.
માના પટેલે ગોતામાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરના રસીકરણ કેન્દ્રમાં વેક્સિનનો બીજો ડોઝ લીધો
વેક્સિનેશન કેન્દ્રના સ્ટાફે ઓલિમ્પિક્સમાં સારા પ્રદર્શન માટે માના પટેલને શુભેચ્છા પાઠવી
ગુજરાતની જાણીતી 21 વર્ષીય આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલે દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તે આગામી ટોક્યો ઓલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. ઓલિમ્પિક્સમાં ભાગ લેતાં પહેલાં તેણે આજે અમદાવાદમાં કોરોના વેક્સિન લીધી હતી. સ્વિમરે શહેરના ગોતા અર્બન હેલ્થ સેન્ટરના રસીકરણ કેન્દ્રમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. મૂળ અમદાવાદની માના પટેલ જાપાન ઓલિમ્પિક્સમાં 100 મીટર બેકસ્ટ્રોકમાં ભાગ લેશે, જ્યાં તે દેશનું નામ રોશન કરશે.
ટોક્યો જવાના 21 દિવસ પહેલાં માના પટેલે વેક્સિન લીધી
ઓલિમ્પિક્સમાં ખેલાડી ભાગ લે એ પૂર્વે વેક્સિનેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. ખેલાડીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓલિમ્પિક્સ કમિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવેલો છે. માના પટેલે સ્વાસ્થ્ય અને સુરક્ષાના હેતુસર અગાઉ કોરોનાનો પ્રથમ ડોઝ મેળવ્યો હતો. હવે જ્યારે 21 દિવસ બાદ ટોક્યો ઓલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા જઇ રહી છે ત્યારે તેણે પોતાની અને અન્ય ખેલાડીઓની સુરક્ષા અને કોરોના સામેની સલામતીને ધ્યાનમાં રાખીને વેક્સિનનો બીજો ડોઝ મેળવીને કોરોના રસીકરણ પૂર્ણ કર્યું છે.
દરેક નાગરિકને વેક્સિન લેવા અપીલ કરી
કોરોના રસીકરણ અંગે માના પટેલનું કહેવું છે કે કોરોના મહામારી સામે કોરોના વેક્સિનેશન જ અમોઘ શસ્ત્ર છે. ત્યારે દરેક નાગરિકે કોરોનાની રસી લઈને પોતાને કોરોનાથી સુરક્ષિત કરવા જોઇએ. અર્બન હેલ્થ સેન્ટરના હેલ્થકેરવર્કર્સે માના પટેલના કોરોના રસીકરણ બાદ તેને ટોક્યો ઓલિમ્પિક્સ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ કરનાર પ્રથમ મહિલા સ્વિમર
માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરનાર દેશની પ્રથમ મહિલા સ્વિમર બની ગઈ છે. આ સિવાય તે એવી માત્ર ત્રીજી ભારતીય છે જેણે ઓલિમ્પિક માટે આ રમતમાં કેટેગરીમાં ક્વોલિફાઇ કર્યું છે. ભારતની બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલે ભારતીય મહિલાઓના સ્તર પર મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજુએ પણ માના પટેલની આ ઉપલબ્ધિ અંગે ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યાં છે.
માના પટેલે અન્ય નાગરિકોને વેક્સિન લેવા અપીલ કરી.
માના પટેલ ઉપરાંત અન્ય બે પુરુષ સ્વિમર ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઇ
માના ઉપરાંત ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઇ થનારા અન્ય બે સ્વિમર શ્રીહરિ નટરાજ અને સજન પ્રકાશ છે. યુનિવર્સિટી ક્વોટા એક પુરુષ અને એક મહિલા પ્રતિસ્પર્ધીને ઓલિમ્પિક્સમાં ભાગ લેવાની મંજૂરી આપે છે. પોતાના સિલેક્શન વિશે ઓલિમ્પિક્સ.કોમ સાથે વાત કરતાં માના જણાવે છે કે હું ખૂબ જ આનંદ અનુભવી રહી છું. મેં મારા સાથી સ્વિમર્સ પાસેથી ઓલિમ્પિક્સ વિશે સાંભળ્યું છે અને ટીવી પર જોયું છે અને ઘણા ફોટો જોયા છે, પરંતુ આ વખતે ત્યાં રહીને દુનિયાના બેસ્ટ સ્વિમર્સ સાથે સ્પર્ધા કરવાની વાતથી મારા રૂંવાડાં ઊભાં થઈ જાય છે.
ઓલિમ્પિક અને પેરાલિમ્પિક માટે ક્વોલિફાઇ થનારી ગુજરાતની દીકરીઓ.
સ્પોર્ટ્સમાં નારીશક્તિનો ડંકો
ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના 60 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યમાંથી 6 ખેલાડી આગામી ઓલિમ્પિક્સ રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. એનાથી પણ વિશેષ, પહેલીવાર ગુજરાતની એકસાથે 6 દીકરી ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ થઈ છે. ગુજરાતની 6 દીકરીમાં માના પટેલ સ્વિમિંગમાં, ઈલાવેનિલ વલારીવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનિસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ-ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલિમ્પિક્સ-પેરાલિમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઊતરશે.
અન્ય સમાચારો પણ છે...