આજે રવિવાર છે, તારીખ 25 જુલાઈ, અષાઢ વદ બીજ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિ વરસાદ પડી શકે, નવસારી, વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ
2) વેપારીઓ, દુકાનદારો, ફેરિયાઓ માટે રાજ્યભરમાં 1800 જેટલા કેન્દ્રો પર ખાસ વેક્સિનેશન કેમ્પ યોજાશે.
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) સ્વીટી પટેલનો પોલીસ પતિ અજય દેસાઈ જ હત્યારો નિકળ્યો, કરજણના બંગલે હત્યા કરી કિરીટસિંહની બંધ હોટેલ પાસે લાશ સળગાવી
વડોદરા જિલ્લા એસઓજી પીઆઈની પત્ની સ્વીટી પટેલના ગુમ થવાના કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. સ્વીટી પટેલની હત્યા PI પતિ અજય દેસાઈએ જ કરી છે. આરોપી PI એ.એ.દેસાઈએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ પત્ની સ્વીટીની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો હતો. 5 જૂને ગુમ થયા બાદ આજે એટલે કે 49 દિવસે સ્વીટી પટેલની હત્યા થઈ હોવાનો ખુલાસો થઈ ગયો છે.અજય દેસાઈએ પોતાના કરજણ સ્થિત ઘરે જ સ્વીટી પટેલની ઉંઘમાં જ ગળાટૂંપો દઈ હત્યા કરી દીધી હતી.
2) અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ગોંડલમાં 5 ઈંચ વરસાદ, 2 ઇંચ વરસાદમાં અડધું રાજકોટ પાણીમાં
ગુજરાતમાં થોડા સમયના વિરામ બાદ ચોમાસું ફરી જામી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી હતી. ત્યારે આજે(શનિવાર) રાજકોટ, અમદાવાદ, વડોદરા, બોટાદ અને અમરેલી સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
3) કપ્પા વેરિયન્ટના 5 નવા કેસ સાથે રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો, 39ના રિપોર્ટ પોઝિટિવ અને 42 ડિસ્ચાર્જ
રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો હવે લગભગ અંત આવી ગયો છે. જો કે રાજ્યમાં કોરોનાના કપ્પા વેરિયન્ટના 5 નવા કેસ નોંધાયા છે. જેમાં જામનગરમાં 3, ગોધરા અને મહેસાણામાં 1-1 છે. તો સતત ત્રીજા દિવસે રાજ્યમાં 30થી વધુ કેસ સામે આવ્યા છે.
4) 'ઈ કરીને' વજુભાઈનો હુંકારઃ 'મારો રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો તો કોઈ સવાલ જ નથી
કર્ણાટકના રાજ્યપાલ તરીકે વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂરો થયો છે. હવે તેઓ રાજકોટ આવી ગયા છે. જેને પગલે વજુભાઈના રાજકરણમાં સક્રિય થવાના સમાચારથી રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા છે. આ મુદ્દે આજે મીડિયાને વજુભાઇએ જણાવ્યું હતું કે 2022ની ચૂંટણીમાં પક્ષના હું કાર્યકર તરીકે કામ કરીને બે-તૃતીયાંશ બહુમતી માટે મહેનત કરીશ. હું સત્તામાં નહીં, સંગઠનમાં કામ કરીશ.
5) ઓલિમ્પિક્સના 120 વર્ષના ઇતિહાસમાં ભારતનું પહેલી વાર 'ફર્સ્ટ ડે, ફર્સ્ટ મેડલ', વેઈટલિફ્ટર મીરાબાઈને 49Kg કેટેગરીમાં સિલ્વર મેડલ
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પહેલો મેડલ જીતી લીધો છે. વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂ મહિલાઓની 49 કિલોની વેઇટ કેટેગરીમાં કુલ 202 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીતી છે. ચીનની હોઉ જિહૂઈએ 210 કિલોગ્રામ વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતના ઈતિહાસમાં પહેલીવાર ઓલિમ્પિકના પ્રથમ દિવસે જ ભારતે પ્રથમ મેડલ જીતી લીધો છે.
6) દેશના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ, મહારાષ્ટ્રમાં પૂરને લગતી ઘટનાઓમાં 136 લોકોએ જીવ ગુણાવ્યા, કર્ણાટકના 7 જિલ્લામાં રેડ એલર્ટ
દેશના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. મહારાષ્ટ્રના થાણે, રાયગઢ, રત્નાગિરિ, સતારા, સાંગલી અને કોલ્હાપુર જિલ્લાના 8 હજારથી વધુ લોકોને NDRF, નૌકાદળ અને સેના દ્વારા રેસ્ક્યૂ કર્યાં છે. ગુરુવારે સાંજથી લઈને અત્યારસુધીમાં વરસાદથી સંબંધિત અલગ અલગ ઘટનાઓમાં 136 લોકોનાં મોત નીપજ્યાં છે. બીજી બાજુ કર્ણાટકના સાત જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
7) સુપ્રીમે કહ્યું બોગસ વોટિંગ અને બૂથ કેપ્ચરિંગ કરનારા લોકો વિરુદ્ધ કડક પગલાં ભરવાં, ડર્યા વિના વોટિંગ કરવું દરેક નાગરિકનો અધિકાર
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ અને બૂથ કેપ્ચરિંગ સામે કડક પગલાં ભરવા જોઇએ. લોકશાહીમાં ચૂંટણીઓ સામાન્ય લોકોનો અભિપ્રાય પ્રતિબિંબિત કરે છે. ફ્રી ઇલેક્શન બંધારણના મુખ્ય માળખાનો એક ભાગ છે. ઝારખંડમાં 1989ની લોકસભા ચૂંટણી દરમિયાન ફ્રોડ અને ગડબડ કરનારા 8 આરોપીની સજા યથાવત્ રાખવાની સાથે આ મહત્વની વાત કહેવામાં આવી છે.
8) એઈમ્સના પ્રમુખ ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું- સપ્ટેમ્બર સુધીમાં બાળકો માટે વેક્સિન આવી શકે છે
ભારતમાં સપ્ટેમ્બર સુધીમાં બાળકોનું વેક્સિનેશન શરૂ થવાની સંભાવના છે. એઈમ્સના પ્રમુખ ડૉ રણદીપ ગુલેરિયાએ આજે આ વિશે જાણકારી આપતાં જણાવ્યું હતું કે બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સિનનાં પરીક્ષણો ચાલી રહ્યાં છે અને એનાં પરિણામો સપ્ટેમ્બર સુધી આવે તેવી આશા છે. આશા છે કે સપ્ટેમ્બર સુધી આપણે બાળકોનું રસીકરણ શરૂ કરી શકીએ.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1)જિનપિંગની તિબેટ મુલાકાત બાદ પૂર્વોત્તરમાં અમિત શાહ સક્રિય; પૂર્વોત્તરના રાજ્યના બે દિવસના પ્રવાસે ગૃહમંત્રી શિલોંગ પહોંચ્યા
2) આસારામ AIIMSમાં, ભક્તો પર લાઠીચાર્જ થયો ;ગુરૂ પૂર્ણિમા પર જેલમાંથી હોસ્પિટલ આવ્યા આસારામ, મોટી સંખ્યામાં સાધકો ભેગા થતા પોલીસે ખદેડ્યા
3) ખેડૂત આંદોલન મુદ્દે સિદ્ધુએ કહ્યું-ખેડૂત બોલાવશે ત્યારે ખુલ્લા પગે મળવા પહોંચી જઈશ
આજનો ઈતિહાસ
વર્ષ 1978માં આજના દિવસે માન્ચેસ્ટરની ડિસ્ટ્રીક્ટ જનરલ હોસ્પિટલમાં વિશ્વની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ થયો હતો.
અને આજનો સુવિચાર
દરેક બીજ એ ખેડૂતને મન ધાન્ય ભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..
અન્ય સમાચારો પણ છે...