An Announcement Will Be Made Today To Declare Dholavira A World Heritage Site
ગુજરાતને મળશે વધુ એક વર્લ્ડ હેરિટેજ સાઇટ:યુનેસ્કો ધોળાવીરાને આજ-કાલમાં ‘વૈશ્વિક ધરોહર’ જાહેર કરશે, 28મી સુધી ચર્ચા-વિચારણા થશે
ભુજ17 કલાક પહેલા
કૉપી લિંક
ધોળાવીરા - ફાઇલ તસવીર.
લગભગ ત્રણ દાયકા પહેલાં થયેલા ઉત્ખનનકાર્ય બાદ ધોળાવીરાનાં અનેક રહસ્યો બહાર આવવા લાગ્યાં હતાં
ચીનમાં ચાલી રહેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકમાં દર વર્ષની જેમ વિશ્વ વિરાસત સ્થળોની યાદી જાહેર કરાઈ છે, જેમાં ભારતને ફરી સફળતા મળી છે. તેલંગાણાના રામપ્પા મંદિરે દેશની 39મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે. એને પગલે હવે ધોળાવીરાની પણ ઘોષણા સોમવારે અથવા મંગળવારે થઈ શકે છે.
યુનેસ્કોએ શનિવારથી વિવિધ દેશોના વિશ્વ વિરાસત સ્થળનાં નામો જાહેર કરવાની શરૂઆત કરી હતી, જેમાં રામપ્પા મંદિરની ઘોષણા રવિવારે કરી હતી. એની સાથે પ્રધાનમંત્રીએ પણ દેશને આ અંગે જાણકારી આપી ખુશી વ્યક્ત કરી હતી. યુનેસ્કોએ જાહેર કર્યું છે કે 28મી જુલાઇ સુધી વિવિધ સાઇટ અંગે ચર્ચા ચાલુ રહશે, એટલે કે ધોળાવીરાની જાહેરાત ગમે ત્યારે થઇ શકે છે. નોંધનીય છે કે રામપ્પા મંદિરનું નામ સરકારે વર્ષ 2020 માટે મોકલ્યું હતું. 2021માં સરકારે ધોળાવીરાનું નામ મોકલ્યું હતું. ધોળાવીરાને વૈશ્વિક ધરોહર જાહેર કરવા યુનેસ્કો દ્વારા વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે.
1991-92માં સંશોધન કરવામાં આવ્યું હતું
કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગના વડા ડો. મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે સિંધુ સભ્યતાના સાૈથી મોટાં નગરોમાં સામેલ થતા ધોળાવીરા અનેક રીતે ખાસ છે. લગભગ ત્રણ દાયકા પહેલાં થયેલા ઉત્ખનનકાર્ય બાદ ધોળાવીરાનાં અનેક રહસ્યો બહાર આવવા લાગ્યાં હતાં. ડો. આર.એન. બિસ્ટ દ્વારા 1991 અને 1992માં ધોળાવીરામાં સંશોધન કાર્ય કરાયું હતું. કેન્દ્ર સરકારે વર્ષ 2020માં યુનેસ્કોને ધોળાવીરાનું ડોઝિયર મોકલવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ચારેક માસ પહેલાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટી ધોળાવીરાની મુલાકાત કરી હતી, જેમાં ધોળાવીરાની આસપાસ ભૂસ્તરીય મહત્ત્વનાં સ્થળો કેવી રીતે વિકસાવી શકાય અને એનું મહત્ત્વ આંતરરાષ્ટ્રીય સ્તરે કેવું છે એ વિશે કહેવામાં આવ્યું હતું.
ખડીરના વિકાસનાં હવે દ્વાર ખૂલશે
ધોળાવીરા હવે જ્યારે વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થવા જઇ રહ્યું છે ત્યારે એને સૌથી નજીકથી જાણનારા અને વિશ્વને આ પુરાતત્ત્વીય શહેરથી રૂબરૂ કરાવનારા પદ્મશ્રી પુરાતત્ત્વવિદ આર.એન. બિસ્ટ આ જાહેરાતથી ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને નેવુંના દાયકામાં તેણે પોતે કેવી રીતે ધોળાવીરાના એક પછી એક રહસ્યને ઉજાગર કર્યાં એની વિસ્તૃત માહિતી આપી હતી. ધોળાવીરા અન્ય હડપ્પીય શહેરથી અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે. વિશ્વ વિરાસત સ્થળ બનતાં કચ્છ તેમજ ખડિર વૈશ્વિક નકશા પર આવી જશે અને પ્રવાસનની નવી જ તકો અહીં ઊભી થશે. આર.એન. બિસ્ટના શબ્દોમાં જાણીએ ધોળાવીરાની વિશેષતા.
સ્ટેડિયમ, લિપિ, પાણી સંગ્રહ કરવાની રીત શહેરને બનાવે છે અનોખું
ધોળાવીરા અનેક આયોજનબદ્ધ શહેર હતું. અહીં પાણી સંગ્રહ, પૂરથી બચવાનાં કાર્યો, સ્ટેડિયમ સહિતનાં સ્થળો માત્ર ધોળાવીરામાં છે. અન્ય કોઇ હડપ્પન શહેરમાં આવી યોજના નથી. ખાસ કરીને ધોળાવીરામાં 10 અક્ષર ધરાવતું સાઇન બોર્ડ મળી આવ્યું છે. આ લિપિ માત્ર ધોળાવીરામાં મળી છે, જેના અક્ષર જિપ્સમથી બનાવવામાં આવ્યા છે. નગરને ખાલી કરતી વખતે લોકોએ પ્રવેશદ્વાર પરથી આ સાઇનબોર્ડ એક રૂમમાં રાખી દીધું હતું, જેથી એ સુરક્ષિત મળી શક્યું છે. ધોળાવીરા પ્રારંભ, મધ્યમ અને એના અંતના સમયનું સંપૂર્ણ બાંધકામ મળી શક્યું છે.
બાૈદ્ધ સ્તૂપ જેવાં સ્મારકો
ભારતમાં બાૈદ્ધ જોવા મળે છે તેનાં મૂળિયાં ધોળાવીરામાં છે. ધોળાવીરામાં અંદાજે પાંચેક સ્તૂપ છે, જેમાંથી બે જ શોધાયાં છે. એ પણ એક ધોળાવીરાને અનોખું કરે છે.
ભવિષ્યમાં સંશોધનની તકો
પુરાતત્ત્વવિદોએ જે હેતુથી અહીં ખોદકામ કર્યું હતું એનાથી અનેક ગણી વિશેષ શોધ અહીં થઈ છે. અહીં હજુ પણ અનેેક રહસ્યો છે, જેથી ભવિષ્યમાં સંશોધનની વિપુલ તકો છે.
ધોળાવીરા જેવી સમાધિ અન્ય કોઈ સ્થળે મળી નથી
બિસ્ટે જણાવ્યું હતું કે ધોળાવીરામાંથી જે સમાધિઓ મળી છે એવી અન્ય કોઈ સાઇટમાંથી મળી નથી. મૃતકની સમાધિમાંથી કોઈ કંકાલ કે અસ્થિ મળ્યાં નથી ! સમાધિમાંથી મૃતકની અન્ય સામગ્રી મળી છે. પણ ખુદ મૃતકનાં કંકાલ નથી. ધોળાવીરામાંથી એકમાત્ર હાડપિંજર મળ્યું છે, જે એક સ્ત્રીનું છે.
રિસ્ટોરેશનનું 80 ટકા કામ પૂર્ણ
આ Jurassic Fossil Woodને રિસ્ટોર કરવાનું કાર્ય પૂરા ભારત વર્ષમાં પ્રથમ વખત થઈ રહ્યું છે અને અત્યારસુધીમાં રિસ્ટોર કરવાનું 80% કામ પૂર્ણ થઈ ગયું છે. અર્થ એન્ડ સાયન્સ વિભાગ, કચ્છ યુનિવર્સિટીના હેડ ડૉ. મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે અગાઉ આ પ્રકારના wood થાઈલેન્ડ, અમેરિકા અને કેનેડામાં પણ જોવા મળ્યાં હતાં અને ત્યાંના તંત્ર દ્વારા ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે ત્યાં મ્યુઝિયમ બનાવવામાં આવ્યું હતું, જ્યારે અહીં એને ખુલ્લામાં રાખવામાં આવ્યું છે, માટે આપને વહીવટીતંત્ર કોઈ વ્યવસ્થા ઊભી કરે એવી મારી અપીલ છે.
અન્ય સમાચારો પણ છે...