Activa Driver Killed, Driver Detained In BRTS Bus Collision In Ahmedabad's Shastringarh
અકસ્માત:અમદાવાદમાં રોંગ સાઈડમાં આવેલી BRTS બસની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત, ટોળાના મારથી બચવા ડ્રાઈવર બસ પર ચડી ગયો
અમદાવાદ14 કલાક પહેલા
કૉપી લિંક
અકસ્માત સર્જાતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
મૃતકનાં પરિવારજનોએ પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકાર્યો
મૃતકના મૃતદેહને સોલા સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર આવેલા પલ્લવ ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે એકિટવાચાલકનું રોગ સાઈડમાં આવેલી BRTS બસની ટક્કરે મોત નીપજ્યું છે. મૃતક છાપા વિતરણનું કામ કરતો હતો અને આજે સવારે ઘરે પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે ટોળેટોળાં એકઠાં થયાં હતાં, જેથી બસ-ડ્રાઇવર ગભરાઈને બસની ઉપર ચઢી ગયો હતો. લોકોએ બસ-ડ્રાઈવર સામે કાર્યવાહી માટે હાય હાય BRTS વગેરે નારા લગાવ્યા હતા. B ડિવિઝન ટ્રાફિક-પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે લાશને પીએમ માટે મોકલી BRTS બસચાલક સામે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાના જણાવ્યા મુજબ BRTS બસ સ્ટેન્ડ નજીકના સીસીટીવી ફૂટેજ મુજબ એક્ટિવા ચાલક રોડ ક્રોસ કરતો હતો ત્યારે તેણે બસને આવતી જોઈ ન હતી અને બસ સાથે ટક્કર વાગી હતી. બસ ડ્રાઈવરનું નામ શંકર દયામા છે. પોલીસ તપાસ ચાલી રહી છે.
અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કર્યું
આ અકસ્માતને લઈને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કર્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં BRTS બસોએ 800 થી વધુ અકાસ્માત સર્જી 30 થી વધુ લોકોનો જીવ લીધા. BRTS શહેરોમાં ટ્રાફિક સમસ્યાનુ પણ મુળ છે પરંતુ સરકાર તંગડી ઉંચી રાખવા જીવલેણ પ્રોજેક્ટને ચલાવી રહી છે.
મૃતદેહને સોલા સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો.
રોંગ સાઈડ પર આવી રહેલી બસે અકસ્માત સર્જ્યો
શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં જલુભાઈ દેસાઈ તેમનાં પત્ની અને બે બાળકો સાથે રહેતાં હતાં. જલુભાઈ છાપા વિતરણનું કામ કરતા હતા. આજે વહેલી સવારે જલુભાઇ રાબેતા મુજબ છાપા નાખવા ગયા હતા. 6.30ની આસપાસ એક્ટિવા લઈને ઘરે પરત ફરતા હતા ત્યારે પલ્લવ ચાર રસ્તા પાસે રોગ સાઈડમાં આવેલા BRTS ઇલેક્ટ્રિક બસ-ચાલકે ટક્કર મારી હતી, જેથી જલુભાઈ નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં 108ને એક નરસિંગ સ્ટાફ યુવકે ફોન કરી જાણ કરી હતી. જલુભાઈને યુવકે પંપિંગ કર્યું હતું, પરંતુ ઓક્સિજનની વધુ જરૂર પડી હતી, જેથી જલુભાઈનું મોત નીપજ્યું હતું.
લોકોનો રોષ જોઈને ડ્રાઈવર બસ પર ચડી ગયો.
ડ્રાઇવર લોકોનો રોષ જોઈ અને બસની ઉપર ચડી ગયો
ઘટનાને પગલે મૃતકનાં પરિવારજનો અને સમાજના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. BRTS બસનો ડ્રાઇવર લોકોનો રોષ જોઈને બસની ઉપર ચડી ગયો હતો. ન્યાય માટે તેમણે હાય હાય BRTSના નારા લગાવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં B ડિવિઝન ટ્રાફિક-પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમજાવટ કરી મામલો થાળે પાળ્યો હતો. હાલ લાશને પીએમ માટે મોકલી પોલીસે BRTS બસ ડ્રાઇવરની અટકાયત કરી તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.
તાજેતરમાં જ અખબારનગર અંડરપાસમાં અકસ્માત સર્જાયો હતો.
BRTS બસો અકસ્માતો કરવા માટે કુખ્યાત
શહેરમાં BRTS બસો અકસ્માતો કરવા માટે કુખ્યાત છે. ગત ડિસેમ્બર મહિનામાં શહેરના અખબારનગર અન્ડરબ્રિજમાં આખી બસ જ ઘૂસી જતાં બસનાં બે ફાડિયાં થઈ ગયાં હતાં, જેને પગલે બે લોકોને ઈજા પહોંચી હતી. આ બે ઈજાગ્રસ્તમાંથી ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી હતી. BRTS બસ શહેરના અખબારનગર અન્ડરબ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટૂ-વ્હીલરચાલક આડે આવ્યો હતો, જેને પગલે તેને બચાવવા જતાં આ અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.
6 મહિના પહેલાં સેટેલાઈટ વિસ્તારમાં ઈસરો પાસે BRTSની બસનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો.
અગાઉ BRTSની બસનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો
6 મહિના પહેલાં પણ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં ઈસરો પાસે BRTSની બસનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો. બસમાં સદભાગ્યે ચાર જ પેસેન્જર સવાર હતા, જેમાં બે પેસેન્જરને સામાન્ય ઈજાઓ થઈ છે. બસની આગળ અન્ય કોઈ બસ નજીક ના હોવાને કારણે મોટો ગંભીર અકસ્માત સર્જાતા રહી ગયો હતો. કોઈપણ વ્યક્તિને જાનહાનિ થઈ ના હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે ટ્રાફિક-પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત પછી બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી અને પોલ સાથે ટકરાઇ હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. અકસ્માતને પગલે ડરી ગયેલા મુસાફરોએ રાડારાડ કરી મૂકી હતી.
અન્ય સમાચારો પણ છે...