794 Children Orphaned In The State Due To Koro Epidemic, 3 Thousand Children Lost The Umbrella Of Mother Or Father
સહાય:કોરોનાથી 794 બાળક અનાથ બન્યાં, જ્યારે 3106 બાળકે એક વાલીની છત્રછાયા ગુમાવી, CM રૂપાણી સોમવારથી 4 હજારની યોજના શરૂ કરાવશે
અમદાવાદ9 કલાક પહેલા
કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર.
રાજ્ય સરકારની યોજનામાં કુલ 3900 બાળકને દર મહિને રૂ. 30.40 લાખ ચૂકવાશે
એક વાલીવાળાં 1377 બાળક 10 વર્ષથી નાનાં અને 1729 બાળક 10થી 18 વર્ષની વયનાં
મા-બાપ બંને ગુમાવનારાં 220 બાળક 10 વર્ષથી નાનાં અને 574 બાળક 10થી 18 વર્ષની ઉંમરનાં છે
કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનારાં બાળકો માટે ગુજરાત સરકારે યોજના શરૂ કરી છે, જેનો આગામી સોમવારથી મુખ્યમંત્રી રૂપાણી પ્રારંભ કરાવશે. રાજ્યમાં મહામારીમાં 794 બાળક માતા અને પિતા બંને ગુમાવી અનાથ બન્યાં છે. બીજી તરફ, ત્રણ હજારથી વધુ બાળકો મા અથવા બાપની છત્રછાયા ગુમાવી છે. રાજ્યમાં નિરાધાર બનેલાંમાંથી 220 બાળકો 10 વર્ષથી નાનાં અને 574 બાળક 10 વર્ષથી 18 વર્ષની ઉંમરનાં છે. જ્યારે એક વાલીવાળાં 1377 બાળક 10 વર્ષથી નાનાં અને 1729 બાળક 10થી 18 વર્ષની વયનાં છે.
મુખ્યમંત્રીના હસ્તે યોજનાનું લોન્ચિંગ થશે
જે બાળકે કોરોના અગાઉ એક વાલી ગુમાવ્યા હોય અને કોરોનામાં અન્ય વાલીનું મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં પણ આ યોજનાનો લાભ અપાશે. અનાથ બાળકના કિસ્સામાં તેની જવાબદારી લેનારી વ્યક્તિના અલગ નવા બેન્ક અકાઉન્ટમાં દર મહિને ડીબીટી દ્વારા રૂ. 4 હજાર જમા થશે અને 10 વર્ષ બાદ બાળકના નામે ખાતું ખોલાવી એમાં સહાય જમા કરાશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં નવાં આવેલાં અધિક મુખ્ય સચિવ સુનયના તોમર દ્વારા આ નવી યોજનાના અમલીકરણ માટે સમીક્ષા બેઠક યોજાઈ ચૂકી છે અને હવે ચોથી જુલાઈએ કાર્યક્રમ યોજી મુખ્યમંત્રીના હસ્તે યોજનાનું લોન્ચિંગ થશે, એમ જણાવાઈ રહ્યું છે. જે કુલ 3900 બાળક છે તેમને દર મહિને રૂ. 30.40 લાખ ચૂકવાશે.
સરકાર કોરોનાથી નિરાધાર બાળકોને સહાય આપશે
મુખ્યમંત્રી રૂપાણીએ આજે જાહેર કરેલી આ યોજનામાં કોરોનાથી નિરાધાર થયેલાં બાળકોને તેમની ઉંમર 18 વર્ષની થાય ત્યાં સુધી દર મહિને બાળકદીઠ ચાર હજારની માસિક સહાયતા આપશે. એ ઉપરાંત 18 વર્ષ પૂર્ણ કર્યાં હોય અને તેમનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં હોય તો તેમને પણ ધ્યાનમાં રાખીને આફ્ટર કેર યોજના અંતર્ગત તેમને 21 વર્ષની ઉંમર સુધી અને એવી જ રીતે 21 વર્ષથી 24 વર્ષ સુધી આ આફ્ટર કેર યોજનામાં પણ જે બાળકો જોડાયેલાં હશે તેમને 6 હજાર રૂપિયા માસિક આપવામાં આવશે.
બાળકોને અભ્યાસ લોનમાં અગ્રતા
જે બાળકોને વિદેશમાં ભણવા જવાનું થશે તેમને કોઈપણ જાતની આવકની મર્યાદામાંથી મુક્તિ આપવામા આવશે. આવનારા દિવસોમાં એ બાળકોને રાજ્ય સરકારની વિદેશની લોનની જે યોજના છે એમાં પણ અગ્રતાક્રમ આપવામાં આવશે. મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં જે બાળકો સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં ઉચ્ચ અભ્યાસ કરતા હશે તે બાળકોને અગ્રતાક્રમ આપવામાં આવશે, જેમાં કોઈપણ આવકની મર્યાદા રાખવામા આવશે નહીં. આ પ્રકારની યોજનામાં રાજ્ય સરકાર 50 ટકા ફી માફી આપે છે. એ ઉપરાંત બાળકોને સરકારની MYSY યોજનાનો લાભ પણ મળશે.
કેન્દ્ર સરકાર અભ્યાસ ખર્ચ ઉઠાવશે અને મેડિક્લેમ આપશે ( પ્રતીકાત્મક તસવીર)
નિરાધાર કન્યાઓને લગ્ન માટે પણ સરકાર સહાય કરશે
આવી નિરાધાર કન્યાઓને લગ્ન માટે કુંવરબાઇનું મામેરું યોજના અંતર્ગત સમાવેશ કરીને આ યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે અને યોજના અન્વયે મામેરાની રકમ રાજ્ય સરકાર આપશે. કોરોનાના સમયગાળા દરમિયાન માતા-પિતા ગુમાવનારાં અનાથ બાળકોને મુખ્યમંત્રી અમૃતમ “મા” કાર્ડ યોજના અંતર્ગત મળવાપાત્ર તબીબી સારવાર પણ અગ્રતાના ધોરણે અપાશે. આ યોજનાનો લાભ લેતાં બાળકોના પાલક વાલીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (NFSA) અન્વયે અગ્રતાના ધોરણે આવરી લેવાશે. જેથી આવા પરિવારોને દર મહિને રાહત દરે ઘઉં, ચોખા, ખાંડ વગેરે મળવાપાત્ર અનાજ મળી રહે.
કેન્દ્ર સરકાર અભ્યાસખર્ચ ઉઠાવશે અને મેડિક્લેમ આપશે
મોદી સરકારે પણ દેશમાં કોરોનાને કારણે અનાથ થયેલાં બાળકો માટે જાહેરાત કરી હતી. આવાં બાળકોનો ભણવાનો ખર્ચ પણ PM કેર ફંડમાંથી અપાશે. 18 વર્ષની ઉંમર સુધી દર મહિને આર્થિક મદદ કરાશે.આ ઉપરાંત બાળકની ઉંમર 23 વર્ષ થશે ત્યારે 10 લાખની સહાય અપાશે.
5 લાખનો હેલ્થ ઈન્શ્યોરન્સ મળશે
આ બાળકોને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત 5 લાખનો હેલ્થ ઈન્શ્યોરન્સ પણ મળશે. તેમનું પ્રીમિયમ PM કેર ફંડમાંથી અપાશે. ઉચ્ચ અભ્યાસ માટે જો લોન લીધી છે તો એમાં રાહત અપાશે. આ લોનનું વ્યાજ પણ આ ફંડમાંથી અપાશે.
SVP હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે 4 વર્ષના અનાથ અને કોરોના પોઝિટિવ બાળકને માતા-પરિવારની હૂંફ આપી 8 દિવસમાં સ્વસ્થ કર્યો હતો.
ઉચ્ચ શિક્ષણ માટે મદદ
બાળકોને વર્તમાન શિક્ષણ લોનને લગતાં ધોરણો પ્રમાણે ભારતમાં પ્રોફેશનલ કોર્સ અથવા હાયર એજ્યુકેશન માટે લોન લેવામાં મદદ કરવામાં આવશે.
આ વિકલ્પ તરીકે એવાં બાળકોને કેન્દ્ર અથવા રાજ્ય સરકારની યોજના અંતર્ગત સ્નાતક અથવા પ્રોફેશનલ કોર્સ ફી અથવા ટ્યૂશન ફીની સમકક્ષ સ્કોલરશિપ આપવામાં આવશે.
જે બાળકો વર્તમાન સ્કોલરશિપ સ્કીમ હેઠળ એલિજિબલ નથી તેમના માટે PM કેર્સથી એક જેવી સ્કોલરશિપ મળશે.
હેલ્થ ઈન્શ્યોરન્સ
તમામ બાળકોને આયુષ્યમાન ભારત યોજના (PM-JAY) હેઠળ લાભાર્થી માનવામાં આવશે. તેમને 5 લાખ રૂપિયાનો હેલ્થ વીમા કવર મળશે.
18 વર્ષની ઉંમર સુધી આ બાળકોને પ્રીમિયમ રકમની ચુકવણી PM કેર્સમાંથી આપવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...