300% Increase In Inquiries In Life Insurance, Rs. Investment Up To Rs 15 Lakh And Portfolio Management Services From Rs 50 Lakh
ભાસ્કર એનાલિસિસ:લાઈફ ઈન્સ્યોરન્સમાં 300% ઈન્કવાયરી વધી, હેલ્થમાં 15 લાખ સુધી તો પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસમાં 50 લાખથી રોકાણ શરૂ થયું
રાજકોટ5 કલાક પહેલા
કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
કોરોના બાદ લોકોએ મોજશોખ માટે બજેટ 50 ટકા ઘટાડી નાખ્યું, મધ્યમવર્ગીય પરિવારના હાથમાં રોકડ આવતા માર્કેટમાં ખરીદી નીકળી
કોરોનામાં કેટલાક લોકોએ સ્વજન ગુમાવ્યા અને ભારે આર્થિક તકલીફ વેઠ્યા બાદ હવે હેલ્થ ઈન્સ્યોરન્સમાં પરિવારનો વીમો લેવાનું પસંદ કરે છે
લાઈફ સ્ટાઈલ- બજેટમાં બદલાવની શરૂઆત પહેલી લહેરથી થઈ અને બીજી લહેર બાદ સંપૂર્ણ પરિવર્તન આવ્યું
કોરોના બાદ રાજકોટની જનતાની લાઇફ સ્ટાઈલ, ખરીદી માટેનું બજેટ,ખર્ચ, બચત અને ડિમાન્ડ વગેરેમાં બદલાવ આવ્યો છે. દિવ્ય ભાસ્કરે આ અંગે બજારમાં રિસર્ચ અને એનાલિસિસ કર્યુ તો જાણવા મળ્યું કે, રવિવારને રજાના દિવસે સવારથી જ ફરવા નીકળી જતી અને રાત્રીનું ભોજન હોટેલ-રેસ્ટોરન્ટમાં કરી ઘરે પરત ફરી રજાને તહેવારની જેમ ઉજવતી રાજકોટની રંગીલી જનતાએ ખર્ચ અને મોજશોખ માટે પોતાનું બજેટ 50 ટકા ઘટાડી નાખ્યું છે. હેલ્થ- લાઇફ ઇન્સ્યોરન્સ માટે ઘર દીઠ બજેટ ફાળવવાનું શરૂ થઈ ગયું છે.
આશુતોષ ફાઇનાન્સિયલ સર્વિસ પ્રા.લિ.ના એમ.ડી. અને ટેક્સ એન્ડ ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટ દક્ષેશ કોઠારીએ જણાવ્યું કે, લાઈફ ઈન્સ્યોરન્સમાં 300 ટકા ઈન્કવાયરી વધી, હેલ્થ ઈન્સ્યોરન્સમાં રૂ.15 લાખથી અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસમાં રૂ.50 લાખથી રોકાણ શરૂ થવા લાગ્યું છે. પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં રોકાણ કરવા માટેનો એક ખાસ વર્ગ છે. જેનું પ્રમાણ કોરોના બાદ ડબલ થયું છે. કોરોનાની બીજી લહેરમાં પરિવારના મોભી અને અન્ય સભ્યો સંક્રમિત થયા. કેશના અભાવે દાખલ થવાથી લઇને સારવાર મેળવવામાં મુશ્કેલી પડી, તો કોઇ પરિવારમાં સભ્યોનું નિધન થયું. આ દરેક પરિસ્થિતિએ ઈન્સ્યોરન્સનું મહત્ત્વ સમજાવ્યું છે. જેને કારણે લોકો હવે હેલ્થ ઈન્સ્યોરન્સમાં દરેક ફેમિલીનો વીમો લેવાનું પસંદ કરે છે.
સોની બજાર : 70 ટકા ખરીદી દાગીના માટે અને 30 ટકા વર્ગ રોકાણ કરનાર છે.10 ટકા બજેટ વધ્યું છે.10 ગ્રામથી સોનાના રોકાણમાં શરૂઆત થાય છે.
કારણ : કોવિડમાં લોકોને સોનાને કારણે લોન અને રોકડ તાત્કાલિક મળી ગયા. રોકાણ કરનાર વર્ગનું પ્રમાણ એટલે ઘટ્યું કે, હોસ્પિટલના ખર્ચ વધવાને કારણે બચત ઘટી.
કાપડ માર્કેટ : મોંઘા હોય તેવા કપડાંની ખરીદી લોકો ટાળી રહ્યા છે. અત્યારે 70 ટકા વેપાર નાનો અને 30 ટકા મોટો છે. કોરોના પહેલા સામાન્ય બજેટ રૂ. 2 હજાર સુધીનું હતું તે હવે રૂ. 500 થી 1000 સુધીનું છે.
કારણ : લગ્ન પ્રસંગમાં મર્યાદિત લોકોને જ મંજૂરી છે. બહાર હરવા- ફરવા જવાનું ચલણ ઘટી રહ્યું છે.લોકોમાં રોજ બરોજમાં પહેરી શકાય તેવા કપડાંનો ઉપયોગ વધ્યો છે પરિણામે તેની ડિમાન્ડ નીકળી છે.
મ્યુચ્યુઅલ ફંડ-
એસ.
આઈ.
પી. : ઈન્કવાયરી ત્રણ ગણી વધી છે. રોકાણની રકમ રૂ. 500થી શરૂ થાય છે અને અનલિમિટેડ છે.
કારણ : છેલ્લા એક વર્ષમાં લોકોને સારું વળતર મળ્યું. બેન્કમાં મૂકેલી બચત કરતા વધુ વ્યાજ ટૂંકા સમયગાળામાં મળી રહ્યું છે.
મોબાઈલ માર્કેટ : કોરોના પહેલા લોકો રૂ. 15 હજારથી 20 હજાર સુધીનો મોબાઈલ લેતા હતા. જ્યારે કોરાના બાદ લોકો રૂ.10 થી 12 હજાર સુધીની જ રકમ મોબાઇલ માટે ફાળવે છે.
કારણ : મોટા ભાગની ખરીદી એ વિદ્યાર્થી માટેની છે. ઘર દીઠ મોબાઈલ વધવા લાગ્યા છે. હવે લોકોએ બજેટ ઘટાડી નાખ્યું છે.
સોવેરિયન ગોલ્ડ બોન્ડ-
પ્યોર ગોલ્ડ : 100 માંથી 50 ટકા વર્ગ સોવેરિયન ગોલ્ડમાં રોકાણ કરે છે, 50 ટકા વર્ગ એ પ્યોર ગોલ્ડમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.રોકાણ માટે લોકો ઓછામાં ઓછું 10 ગ્રામ સોનું ખરીદ કરે છે.
કારણ : બોન્ડમાં એટલે ઈન્વેસ્ટમેન્ટ વધવાનું કારણ તેમાં વળતર વધુ મળે છે. ખરીદ- વેચાણ સમયે કોઇ મુશ્કેલી પડતી નથી. એફ.ડી.નો જે રોકાણ કરનાર વર્ગ હતો એ હવે પ્યોર ગોલ્ડ તરફ વળ્યો છે.
રિયલ એસ્ટેટમાં 25 ટકા રોકાણ વધ્યું, ગામડાંના લોકો રાજકોટમાં રોકાણ કરી રહ્યા છે
જેતપુર,મોરબી,ગોંડલ, સહિત આજુબાજુના શહેરમાંથી લોકો રાજકોટમાં રોકાણ કરી રહ્યા છે. રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાની કેપેસિટી 25 ટકા વધી છે.જેનું કારણ એ છે કે, એક તો ગત વર્ષે સારો વરસાદ રહ્યો હતો. લેન્ડમાં જેમને ઈન્વેસ્ટ કર્યું હતું તેનું વળતર સારું મળ્યું. પહેલા કરતા હોમ લોનના વ્યાજદર ઘટી ગયા. પ્રકૃતિ તરફનો લગાવ વધતા હવે વીકેન્ડ હાઉસ, ફાર્મહાઉસ વગેરેમાં રોકાણ કરી રહ્યા છે. - ધ્રુવિક તળાવિયા, વાઈસ પ્રેસિડેન્ટ રાજકોટ બિલ્ડર એસોસિએશન
ભાસ્કરે આટલા લોકો સાથે વાતચીત કરી એનાલિસિસ કર્યું
ધ્રુવિક તળાવિયા (રાજકોટ બિલ્ડર એસોસિએશન પ્રેસિડેન્ટ)
દિનેશભાઈ ધામેચા (પૂર્વ પ્રમુખ- ધી રાજકોટ હોલસેલ ટેક્સટાઈલ્સ મર્ચન્ટ એસોસિએશન)
દક્ષેશ કોઠારી (ટેક્સ એન્ડ ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટ)
સુદીપ મહેતા (ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર)
રામકુમાર બરછા (મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર)
વિરલ લોઢિયા (બુલિયન વેપારી)
મયૂરભાઈ આડેસરા (પૂર્વ સેક્રેટરી- જેમ્સ એન્ડ જ્વેલરી એસો.)
જિગ્નેશભાઇ પટેલ (મોબાઈલના વેપારી)
રવજીભાઈ રામોલિયા (ટીવી એપ્લાયન્સિસ ટ્રેડર્સ એસોસિએશન)
અન્ય સમાચારો પણ છે...