11.64 Lakh Doses Given By The Government, 14.06 Lakh Doses Given By The Municipality!
ભાસ્કર એક્સક્લૂઝિવ:વડોદરામાં સરકારે આપ્યા 11.64 લાખ ડોઝ, પાલિકાએ મૂક્યા 14.06 લાખ ડોઝ; રસીમાં નંબર 1 બનવાની હોડમાં પાલિકા આંકડાનું મેનેજમેન્ટ ભૂલી!
વડોદરા19 કલાક પહેલાલેખક: અર્પિત પાઠક
કૉપી લિંક
ફાઇલ તસવીર
પાલિકાના ગણિત મુજબ 1 ટકા વેસ્ટેજ થાય છે, જે 12 હજાર ડોઝ મૂકી દીધાનું ગણીએ તો પણ 22 હજાર ડોઝનો મેળ પડતો નથી
રાજયમાં 88 ટકા વેક્સિનેશન સાથે મોટા શહેરોમાં નંબર 1 રહેલા વડોદરાના રસીકરણના આંકડાનું મિસ મેનેજમેન્ટ છતુ થયું છે. પાલિકાને રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટરે આપેલી રસીનો આંકડા 11. 64 લાખ છે. જયારે કેન્દ્રના પોર્ટલનો પાલિકાએ જાહેર કરેલો આંકડો 14.06 લાખ છે. આ બંને આંકડામાં 2,42,530 ડોઝનો તફાવત છે. બીજી તરફ કોવિન પોર્ટલ મુજબ રસી મૂકાવનારના આંકડા અને પાલિકાએ જાહેર કરેલા આંકડા મુજબ 22,777 ડોઝનો તફાવત છે. પાલિકાના ગણિત મુજબ 1 ટકા વેસ્ટેજ થાય છે, જે 12 હજાર ડોઝ પણ મૂકી દીધાનું ગણીએ તો પણ 22 હજાર ડોઝનો મેળ પડતો નથી. આરોગ્ય વિભાગના જ બંને આંકડાના તફાવત અંગે પાલિકાના આરોગ્ય વિભાગ પાસે ચોક્કસ જવાબ નથી.
ફાઇલ તસવીર
પોર્ટલ અને પાલિકાના આંકડામાં 22 હજારનો તફાવત
પાલિકા રસી લેનારના આંકડા જાહેર કરે છે, પરંતુ રસીના વેસ્ટેજના નહીં. પાલિકા દ્વારા દલીલ કરાય છે કે, એક વાયલમાં 10 ડોઝ હોય છે, પરંતુ તેમાંથી 11 કે 12 ડોઝ આપી શકાય છે. જેને પગલે મળેલી રસી કરતાં વધુ ડોઝ થાય છે, તેમ છતાં પાલિકાને જ જાહેર કરેલા બંને આંકડામાં તફાવત છે. પાલિકાના ચોપડે નોંધાયેલા આંકડા મુજબ કુલ 13,83,913 લોકોને શનિવાર સુધી રસી આપવામાં આવી છે, જ્યારે પોર્ટલ મુજબ પાલિકા કહે છે, 14,06,690 લોકોને રસી મૂકાઇ છે, જે 22,777નો તફાવત દર્શાવે છે.
ફાઇલ તસવીર
પાલિકા કહે છે, ‘તફાવત કેમ છે તે અમને ખબર નથી’
પાલિકાનું આરોગ્ય વિભાગ કહે છે કે રિજયોનલ ડેપ્યુટી ડાયરેકટરની કચેરી દ્વારા જાહેર કરાયેલા આંકડા અને અમારા આંકડા અલગ કેમ છે તે ખબર નથી. અમને અત્યાર સુધી જે રસી મળી છે તે જાહેર કરી છે. આ સાથે પાલિકા દ્વારા જિલ્લાના લોકો, બહારનાનું ભૂલથી વડોદરામાં મેપિંગ અને આર્મી જવાનોના મેપિંગમાં ભૂલ હોવાનો લૂલો બચાવ કર્યો હતો.
સરકાર માત્ર વાયલ જ ગણે છે, ડોઝ નહીં
કેન્દ્ર સરકાર દ્વારા અપાતી રસીના માત્ર વાયલ ગણાય છે, જેમાં ડોઝ કરતાં જથ્થો વધારે આવે છે, જેથી વેસ્ટેજ માઇનસમાં આવે છે, મળેલી રસી કરતાં વધુ લોકોને રસી આપી શકાય છે. > એન.પી. જાની, ડેપ્યુટી ડાયરેક્ટર, એમ્યુનિટિ, ગાંધીનગર
અમારે પણ તફાવત અંગે તપાસ કરવી પડશે
પોર્ટલ મુજબ 14 લાખ,અમે નોંધેલા મુજબ 13 લાખના આંકને પગલે 22 હજારનો તફાવત છે. જિલ્લા- શહેરના આંકડા એક થયા હોય કે પછી અન્ય કારણથી તફાવત આવી શકે. તપાસ કરવી પડશે.> ડો.દેવેશ પટેલ, મુખ્ય આરોગ્ય અમલદાર
દર 2 કલાકે પોર્ટલમાં આંકડા અપડેટ કરવાના હોય છે
શહેરમાં ચાલી રહેલા વેક્સિનેશનમાં સરકારી કે ખાનગી દવાખાના દ્વારા અપાતા રસીકરણમાં તમામ ડેટા કેન્દ્ર સરકારના કોવિન પોર્ટલમાં દર 2 કલાકે અપડેટ કરવાના હોય છે. તો પછી આંકડાઓમાં વિસંગતતા કેવી રીતે આવી શકે તે પ્રશ્નો સર્જાય છે.
માત્ર કોવિશિલ્ડનો વધુ જથ્થો આવે છે
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ કોવિશિલ્ડના વાયલમાં રસી વધુ આવે છે. સરકાર દ્વારા આપવામાં આવતા વાયલમાં 10 ડોઝની ગણતરી કરાય છે, પરંતુ 10થી 15 ટકા વધુ રસી હોવાથી 11 ડોઝ પણ મૂકી શકાય છે.
રસીકરણના આંકડામાં 3 વિસંગતતા
1. સરકારે આપેલા અને કોર્પોરેશને મૂકેલા ડોઝના આંકડામાં 2.42 લાખનો તફાવત
2. પોર્ટલ પર રસી લીધેલાના આંકડા-પાલિકાના ચોપડે નોંધાયેલા આંકડામાં 22 હજારનો ફેર
3. સરકારે આપેલા ડોઝ અને કોર્પોરેશનને મળેલા ડોઝમાં 1.65 લાખનો તફાવત
રિજનલ ડે.ડાયરેક્ટર મુજબ પાલિકાને અપાયેલા ડોઝ
કોવિશિલ્ડ
9,26,350 કેન્દ્ર સરકાર તરફથી
1,60,850 રાજ્ય સરકાર તરફથી
કુલ
કોવેક્સિન
59,960 કેન્દ્ર સરકાર તરફથી
17,000 રાજ્ય સરકાર તરફથી
કુલ