Police File 1000 Page Chargesheet In Black Market Scam Of Amphotericin B Injection Of Mucormycosis In Rajkot
રાજ્યવ્યાપી કૌભાંડ:રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસનાં ઇન્જેક્શનની કાળાબજારીના કૌભાંડમાં પોલીસે 1000 પેજની ચાર્જશીટ રજૂ કરી, 15 આરોપી બે મહિનાથી જેલહવાલે
રાજકોટ6 કલાક પહેલા
કૉપી લિંક
પોલીસે બે મહિના પહેલાં રાજકોટમાં રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપ્યું હતું.
ગુનામાં સંડોવાયેલા જેતપુરના 2 આરોપીને પકડી પાડવા તપાસ ચાલુ
સુરતનો શખસ 345 રૂપિયાનું એક ઇન્જેક્શન 6500 રૂપિયામાં વેચતો હતો
કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન આરોગ્ય વિભાગ સારવાર માટે તનતોડ મહેનત કરી રોગને નાથવા મહેનત કરતું હતું. ત્યારે આવા મહામારીના સમયમાં કાળાં બજાર કરનારા બેફામ બન્યા હતા. રાજકોટમાં રેમડેસિવિર બાદ મ્યુકોરમાઈકોસિસ સારવારમાં વપરાતા એમ્ફોટેરેસિન-બી ઇન્જેક્શનની કાળાબજારીનું રાજ્યવ્યાપી કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં રાજકોટ SOG પોલીસે સુરતના મુખ્ય આરોપી હાર્દિક પટેલ સહિત 15 આરોપીની ધરપકડ કરી 4 લાખ 23 હજાર 467 કિંમતનાં 101 ઇન્જેક્શન સહિત કુલ 7 લાખ 40 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે 1000 પેજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે.
પોલીસ બે મહિના પહેલાં રેડ પાડી કૌભાંડ બહાર લાવી હતી
રાજકોટ શહેર SOG પોલીસ બાતમીના આધારે આ સમગ્ર કૌભાંડ બહાર લાવી હતી, જેમાં રૈયા રોડ પર સેલ્સ હોસ્પિટલ નજીક મેહુલ કટેશિયા નામની વ્યક્તિ મ્યુકોરમાઈકોસિસની સારવાર માટે વપરાતા એમ્ફોટેરેસિન-બી ઇન્જેક્શનની કાળાબજારી કરી રહ્યો હતો. આ ઇન્જેક્શનની મૂળ કિંમત 345 રૂપિયા છે, પરંતુ મેહુલ 6500 રૂપિયા વસૂલી કાળાબજારી કરતો હતો, આથી પોલીસે ડમી ગ્રાહક મોકલી આરોપીની ધરપકડ કરી બે ઇન્જેક્શન કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ કૌભાંડમાં પોલીસે 15 આરોપી ધરપકડ કરી હતી.
15 આરોપીને બે મહિનાથી જામીન મળ્યા નથી
આ કૌભાંડમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં સમગ્ર કૌભાંડ રાજ્યવ્યાપી હોવાનું સામે આવતાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી, જેમાં મુખ્ય આરોપી સુરતનો હાર્દિક પટેલ હોવાનું સામે આવતાં તેના સહિત 15 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાદમાં રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂરા થતા આરોપીઓને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જોકે આજે બે મહિના થયા છતાં એકપણ આરોપીને જામીન મળી શક્યા નથી અને તમામ આરોપીઓ જેલની હવા ખાઇ રહ્યા છે. નિયમ મુજબ, સમયમાં ચાર્જશીટ દાખલ કરવાની હોય, માટે બે દિવસ પૂર્વે રાજકોટ SOG પોલીસે કોર્ટ સમક્ષ 1000 પેજની ચાર્જશીટ રજૂ કરી છે.
ચાર્જશીટમાં સમગ્ર કૌભાંડના મુદ્દાને આવરી લેવામાં આવ્યા
રાજકોટ SOG પી.આઇ આર.વાય.રાવલે જણાવ્યું હતું કે ગુનાની ગંભીરતા સમજી પોલીસે પહેલેથી જ કડક કાર્યવાહી કરી છે, જેમાં રિમાન્ડ મેળવી ગુનાના મૂળ સુધી પહોંચી તમામ 15 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. આજે નિયમ મુજબ ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી છે અને એમાં સમગ્ર ગુનાનું કાવતરું શું હતું, કેવી રીતે ગુનો આચરવામાં આવ્યો, મુખ્ય આરોપી સહિત તમામ આરોપીની શું ભૂમિકા હતી સહિતના તમામ મુદ્દા આવરી લેવામાં આવ્યા છે. કુલ 1000 પેજની ચાર્જશીટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે.
તમામ આરોપી હાલ જેલહવાલે છે.
ઇન્જેક્શનના પેકિંગ અને સ્ટિકર બદલી કૌંભાડ આચરતા
શુભમ રામપ્રશાદ તિવારી નામનો આરોપી મૂળ યુપીનો રહેવાસી છે અને અંકલેશ્વરની લાયકા લેબ્સ લિમિટેડ કંપનીમાં સ્ટોર ઇન્જચાર્જ તરીકે નોકરી કરતો હતો. તે સ્ટોરમાંથી સ્ટિકર, પેકિંગ મટીરિયલ ચોરી વિશ્વાસ પાવરા નામના આરોપી પાસેથી લીપોસોમલ એમ્ફોટેરેસિન-બી નામના ઇન્જેક્શનની સીલપેક બોટલો મેળવી એના પર સ્ટિકર ચોટાડી પેકિંગ કરી અભિષેક નામના આરોપી સાથે મળી હાર્દિકને રૂપિયા 4500માં વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
જેતપુરના બે આરોપીની શોધખોળ ચાલુ છે
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ મૂળ સુરતનો રહેવાસી છે અને તે પોતે અંકલેશ્વરની જે.બી. કેમિકલ કંપનીમાં નોકરી કરતો હતો. શુભમ તિવારી સાથે રૂમમાં ભાડે સાથે રહેતો હોવાથી સંપર્ક થયો હતો અને ઇન્જેક્શનની કાળાબજારી કરવા પ્લાન ઘડ્યો હતો. આ કૌભાંડમાં જેતપુરના 2 આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. ત્યારે આ બે આરોપીને પકડી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે આ 2 આરોપી પકડાયા બાદ તેની તપાસમાં વધુ કોઇ આરોપીઓનાં નામ ખૂલશે કે કેમ એ જોવું મહત્ત્વનું રહેશે.
પોલીસે 7 લાખ 40 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સુરતથી સૌરાષ્ટ્રનાં શહેરો સુધી આ રીતે ચલાવાતું હતું નેટવર્ક
મહારાષ્ટ્રનો વતની વિશ્વાસ પાવરા લાયકા કંપનીમાં પ્રોડક્શન વિભાગમાં જુનિયર એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. નાઇટ ડ્યૂટી દરમિયાન લીપોસોમલ ઇન્જેક્શનની ભરેલી સીલપેક બોટલો સ્ટિકર વગરની ચોરી કરતો.
ઇન્જેક્શનની બોટલ ચોરી કરીને વિશ્વાસ લાયકા કંપનીના જ સ્ટોરકીપર શુભમ રામપ્રસાદ તિવારીને આપતો હતો, શુભમ સ્ટોરમાંથી સ્ટિકર, પેકિંગ અને મટીરિયલની ચોરી કરતો અને ત્યાર બાદ તે ઇન્જેક્શનને બોક્સમાં પેક કરી તેના રૂમ પાર્ટનર અશરનસાર તુરહા સાથે મળી વચેટિયાઓને વેચતો હતો.
શુભમ અને અભિષેક પાસેથી ઇન્જેક્શન સુરતનો હાર્દિક મુકેશ વડાલિયા ખરીદ કરતો હતો, હાર્દિક અમદાવાદ, સુરત ઉપરાંત જેતપુરમાં જનતા ડ્રગ્સ નામે એજન્સી ધરાવતા હિરેન મનસુખ રામાણીને આપતો હતો. હિરેન રામાણી જેતુપરમાં જ મેડિકે ફાર્મા નામે મેડિકલ એન્જસી ભાગીદારીમાં ચલાવતા સાગર ચમન કિયાડાને આપતો હતો.
સાગર કિયાડા પાસેથી રાજકોટની ક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા રિપેરિંગનું કામ કરતાં રુદય મનસુખ જાગાણી પાસે ઇન્જેક્શન આવતાં હતાં અને ત્યાંથી અન્ય કૌભાંડિયાઓ ખરીદી પોતાની ઇચ્છા મુજબ જરૂરતમંદ દર્દીઓને વેચતા હતા.
રાજકોટની સેન્ટ્રલ જેલમાં રહેલા આરોપીનાં નામ
1. મેહુલભાઇ ગોરધનભાઇ કટેશિયા - નર્સિંગ સ્ટાફ
2.રાયસિંગ ઉર્ફે ગોપાલ જગદીશભાઇ વંસ - ધંધો
3.અશોક નારણભાઇ કાગડિયા - નર્સિંગ સ્ટાફ
4. નનકુંજ જગદીશભાઇ ઠાકર - ખાનગી નોકરી
5.વત્સલ હરાજભાઇ બારડ - ખાનગી નોકરી
6.યશ ક્રદલીપકુમાર ચાવડા - ધંધો
7.સાગરભાઇ ચમનભાઇ કીયાડા - મેડિકલ એજન્સી સંચાલક
8.ઉત્સવ નપયુષભાઇ નિમાવત - ખાનગી નોકરી
9.રુદયભાઇ મનસુખભાઇ જાગાણી - CCTV કેમેરા ફિટિંગ
10. હિરેન મનસુખભાઇ રામાણી - દવા એજન્સી
11.હાર્દિક મુકેશભાઇ વડાલિયા - નોકરી કેમિકલ કંપની
12.શુભમ રામપ્રશાદ તિવારી - સ્ટોર ઇન્ચાર્જ - ઇન્જેક્શન કંપની
13.નવશ્વાસ રાયનસિંગ પાવરા - નોકરી ઇન્જેક્શન કંપની
14.અભિષેક કુમાર શ્રવણકુમાર શાહ - નોકરી ઇન્જેક્શન કંપની
અન્ય સમાચારો પણ છે...