રા
જકારણ એવું ક્ષેત્ર છે જ્યાં સતત કંઇક ને કંઇક ચાલતું જ રહે છે. પોલિટિક્સમાં દરેક મૂવનો કોઇ ને કોઇ મતલબ હોય છે. સોગઠા ગોઠવાતા રહે છે, દાવપેચ રમાતા રહે છે, દાણા દબાવી જોવાય છે અને મોકા જોઇને ચોક્કા-છક્કા ફ્ટકારી દેવાય છે. રાજકારણીઓને કુદરતે ગજબનું દિમાગ આપ્યું હોય છે. એના મન અને મગજમાં જે ચાલતું હોય છે એ સામાન્ય માણસની કલ્પના બહારનું હોય છે. ચેસના ચેમ્પિયનને એક વખત એવું પૂછવામાં આવ્યું હતું કે, ચેસમાં તમારું મગજ આટલું બધું ચાલે છે તો રાજકારણમાં નસીબ કેમ નથી અજમાવતા? ખેલાડીએ એવો જવાબ આપ્યો હતો કે, રાજકારણ પાસે તો ચેસનું કંઈ ન આવે. ચેસમાં તો દરેકે દરેક પ્યાદા દેખાતા હોય છે, રાજકારણમાં ઘણાં બધાં અદૃશ્ય પરિબળો પણ કામ કરતાં હોય છે. ખેલાડીઓ અને રાજકારણીઓને કુદરતે અલગ અલગ માટીમાંથી બનાવ્યા હોય છે. આપણી રાજધાની દિલ્હીની હવામાં રાજકારણ ફ્ેલાયેલું છે. દેશનો કોઇ ને કોઇ રાજકારણી દિલ્હીમાં હલચલ મચાવતો રહે છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી વિધાનસભાની ચૂંટણી બાદ પહેલી વખત દિલ્હીની મુલાકાતે આવ્યાં. આ વખતે તેમનું રોકાણ લાંબું એટલે કે પાંચ દિવસનું છે. મમતા બેનરજીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓ સાથે મુલાકાતો ગોઠવાઇ. મમતાની એક એક મુલાકાત પાછળ તેમના ઇરાદાઓ શું છે એની ચર્ચાઓ રાજકારણની ગલીઓમાં થઈ રહી છે.
આપણા દેશમાં અત્યારે એવી સ્થિતિ છે કે, રાજકીય પક્ષોના નેતા એકબીજાને મળે એટલે તરત જ એવી વાતો થવા લાગે છે કે, શું ત્રીજા મોરચાની તૈયારીઓ શરૃ થઇ ગઇ છે? થોડા સમય પહેલાં એનસીપીના શરદ પવારની હિલચાલ ઉપરથી ત્રીજા મોરચાની વાતો ઊડી હતી. હવે મમતા બેનરજીની મુલાકાતે નવી ચર્ચાઓ જગાવી છે. દેશના દરેક રાજકીય પક્ષોને એક વાત સારી રીતે સમજાઇ ગઇ છે કે, ભાજપને ટક્કર આપવાનું કોઇ એકલ-દોકલનું કામ નથી. બધા ભેગા મળે તો કદાચ કંઈક મેળ પડે! લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં ભાજપને જે રીતની જીત મળી છે એણે વિપક્ષોની હાલત કફેડી કરી નાખી છે. ભાજપના આટલા વર્ચસ્વ છતાં અમુક રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ જળવાઇ રહ્યું છે. બંગાળમાં મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસ, તમિલનાડુમાં એમ. કે. સ્ટાલિનની પાર્ટી ડીએમકે, ઓડિસામાં નવીન પટનાયકના બીજુ જનતાદળ, તેલંગાણામાં કે. ચંદ્રશેખર રાવની તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ, આંધ્ર પ્રદેશમાં વાયએસ જગન મોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ પાર્ટી, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપી, ઝારખંડમાં શિબુ અને હેમંત સોરેનની ઝારખંડ મુક્તિ મોરચો, દિલ્હીમાં આમઆદમી પાર્ટી અત્યારે સત્તામાં છે. બીજા તો અનેક નાના પક્ષો અલગ અલગ રાજ્યમાં નાનુંમોટું વજૂદ ધરાવે છે. દેશના મતદારોમાં છેલ્લાં થોડાં વર્ષોથી એક જુદા જ પ્રકારની માનસિકતા જોવા મળે છે. હવે મતદારો કેન્દ્ર માટે કોણ લાયક છે અને સ્ટેટ માટે કોણ યોગ્ય છે એ જોઇને મત આપવા લાગ્યા છે. બંગાળની જ વાત લઇએ તો બંગાળ લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૪૨માંથી ૧૮ બેઠકો મળી હતી. વિધાનસભામાં ભાજપને કુલ ૨૯૪માંથી ૭૬ બેઠકો જ મળી હતી. લોકસભાની ચૂંટણીમાં મમતા બેનરજીની ટીએમસી પાર્ટીની બાર બેઠકો ઘટી હતી. વિધાનસભામાં મમતાની પાર્ટી ટીએમસીને અગાઉની ચૂંટણીમાં જેટલી બેઠકો મળી હતી એના કરતાં બે બેઠકો વધુ એટલે કે ૨૧૩ બેઠકો મળી હતી. કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ છે પણ કોંગ્રેસના સિતારાઓ ઘણા સમયથી ર્ગિદશમાં છે.
મમતા બેનરજીની સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલને મળવાના છે તેવી વાત આવી ત્યારથી ત્રીજા મોરચાની વાતો થઈ રહી છે. મમતાની મુલાકાત માત્ર ઔપચારિક છે કે પછી તેની પાછળ કોઇ હેતુ છે? લોકસભાની ચૂંટણી એપ્રિલ-મે ૨૦૨૪માં થવાની છે. એ હિસાબે હજુ અઢી વર્ષ કરતાં પણ વધુ સમય છે. ત્રીજા મોરચાના પ્રયાસો આપણા દેશમાં ક્યારેય સફ્ળ રહ્યા નથી. કામપૂરતા અમુક પક્ષો ભેગા થાય છે અને કામ પતે એટલે પાછા પોતપોતાના રસ્તા પકડી લે છે. ૨૦૧૯ની ચૂંટણી પહેલાં મમતા બેનરજીએ જ થર્ડ ફ્રન્ટની ખૂબ વાતો કરી હતી પણ તેનો કોઈ મેળ પડયો નહોતો. મમતા ઉપરાંત બીજા ઘણા નેતાઓએ ત્રીજા મોરચાના પ્રયાસો કર્યા હતા. અમુક રાજ્યોમાં બે-ત્રણ પક્ષો ભેગા થયા હતા પણ એ લોકોને ખાસ કંઈ ફયદો થયો નહોતો. ઉત્તર પ્રદેશમાં બીએસપીનાં માયાવતી અને એસપીના અખિલેશ યાદવે સમજૂતી સાધી હતી. જેવું ઇલેક્શન પત્યું એટલે બંને અલગ થઇ ગયાં હતાં. ત્રીજા મોરચામાં સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે, નેતા કોણ? દરેક પક્ષના નેતા પોતાને મહાન સમજે છે.
મમતા બેનરજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં. ચૂંટણી વખતની વાતો જુદી હોય છે અને આવી મુલાકાતોનો ગ્રેસ પાછો અલગ હોય છે. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસે એકબીજાને નબળા દેખાડવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. બંગાળમાં તો ચૂંટણી પૂરી થઇ ગઇ એ પછી પણ ઘણીબધી બબાલો થઇ. નંદીગ્રામ બેઠક પર મમતા બેનરજી ભાજપના શુવેન્દુ અધિકારી સામે હારી ગયાં હતાં. હજુ મમતાએ વિધાનસભાની ચૂંટણી લડવાની અને જીતવાની છે. મમતા પોતાના માટે એકદમ સલામત હોય એવી જ બેઠક શોધશે છતાં ભાજપ તેને શક્ય બનશે એટલા હંફવવાના તમામ પ્રયાસો કરશે.
મમતા આખાબોલા છે. કોથળામાં પાંચ શેરી રાખીને મારવાની એને આદત નથી. તે જે કંઇ કરે છે એ ડંકે કી ચોટ પર કરે છે. મમતાએ કહ્યું કે, પેગાસસ જાસૂસી મુદ્દે તેમણે વડાપ્રધાન મોદી સાથે વાત કરી છે. એક વાત તો એવી પણ છે કે, મમતા બેનરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળવાનાં છે. મમતા બેનરજીને બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે બનતું નથી. બંને વચ્ચે છાશવારે ચકમક ઝરતી રહે છે. મમતા બેનરજીએ રાષ્ટ્રપતિને એક કરતાં વધુ વખત એવી વિનંતી કરી છે કે, રાજ્યપાલ જગદીપ ધનખડને બંગાળમાંથી હટાવો. વિધાનસભામાં મળેલી જીત બાદ મમતા બેનરજીની તાકાતમાં વધારો થયો છે એ વાત નક્કી છે. બંગાળના વિજય પછી એવી વાતો પણ ખૂબ થઇ કે, હવે મમતાદીદી નેશનલ પોલિટિક્સ ઉપર હાથ અજમાવવાનાં છે. મમતા બેનરજીએ અમુક રાજ્યોમાં વીડિયો કોન્ફ્રન્સથી સંબોધનો પણ કર્યાં. બંગાળ સુધી ઠીક છે પણ રાષ્ટ્રીય રાજકારણમાં મમતાનો કેટલો ગજ વાગે એ સવાલ છે. ચૂંટણી પતી ગઇ છે, મમતાને જે જોઈતું હતું એ મળી ગયું છે, હવે તેમણે કંઈ ગુમાવવાનું છે નહીં એટલે તેઓ કંઈક ને કંઈક ગતકડાં કરતાં રહેવાનાં છે!