મારું પોસ્ટિંગ ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ) સુરત તરીકે ૨૬ ઓગસ્ટ, ૧૯૯૦ના રોજ થયું હતું. તેના દસ જ દિવસમાં મારે બરોડા (હાલ વડોદરા) આવવાનું થયું કારણ કે ત્યાં એક અસાધારણ પરિસ્થિતિનું સર્જન થયું હતું.
૪ સપ્ટેમ્બરે ગણેશ વિસર્જનનો પર્વ ચાલી રહ્યો હતો જે દક્ષિણ ગુજરાતમાં ઉજવાતા મોટા ઉત્સવોમાંનો એક છે. સુરતના રસ્તાઓ ઉપર માનવ મહેરામણ ઊભરાયેલો હતો અને સરઘસ જતું હતું ત્યારે સ્ટેબિંગની બે ઘટનાઓ બની જેમાં એકનું મોત થયું જ્યારે બીજી વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ, તેમ છતાં બધું સુપેરે પાર પડયું અને તેના માટે પોલીસની સતર્કતા અને શાંતિપ્રિય સુરતીઓનો આભાર માનવો જોઈએ. બીજી તરફ બરોડાથી ખરાબ સમાચાર આવ્યા કે ત્યાં ગણેશ વિસર્જન દરમિયાન અશાંતિ, તોફાન, હત્યા અને લૂંટ જેવી ચકચારી ઘટનાઓ બની હતી. પોલીસે તેને કાબૂ કરવા ફાયરિંગ કરવું પડયું હતું અને કરફ્યૂ પણ લાદવો પડયો હતો.
પાંચમી તારીખે રાત્રે મને સ્ટેટ પોલીસ કન્ટ્રોલ રૃમમાંથી વાયરલેસ મેસેજ મળ્યો કે મારે બરોડા રિપોર્ટ કરવાનો છે અને રાયોટ ડયૂટી સંભાળવાની છે. હું બીજા જ દિવસે એટલે કે છઠ્ઠીએ સુરત છોડીને બરોડા પહોંચી ગયો. મને ત્યારે ખબર જ નહોતી કે હું સુરત પરત નહીં આવી શકું.
બરોડા પહોંચીને મેં સીપી (કમિશનર ઓફ પોલીસ) બરોડાને રિપોર્ટ કર્યો અને તેમની સૂચના મુજબ માંડવી (વડોદરાનો હાર્દ સમાન વિસ્તાર જ્યાં વધારે તોફાન થયા હતા) ખાતે રાયોટ ડયૂટીમાં જોડાઈ ગયો અને પંદર દિવસ સુધી ડયૂટી કરી. ત્યારબાદ મારો રેગ્યુલર પોસ્ટિંગ ઓર્ડર આવ્યો. ૨૧ સપ્ટેમ્બર, ૧૯૯૦ના રોજ મને ડીસીપી (નોર્થ)નો ચાર્જ લેવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.
આમ તો હું બરોડામાં માત્ર છ મહિના માટે રહ્યો હતો પણ મને નહોતી ખબર કે આ સમય મારા ૩૫ વર્ષની કારકિર્દીનો સૌથી રોમાંચક સમય રહેશે. તે સમયે અશાંતિ, રમખાણો, હત્યા, સ્ટેબિંગ, આગચંપી, પથ્થરમારો, અથડામણ જેવી ઘટનાઓ રોજિંદા ધોરણે બનતી હતી પણ અમે ખૂબ પ્રોફેશનલી કામ કર્યું અને સદ્નસીબે શહેરમાં સ્થિતિ કાબૂમાં આવી ગઈ.
બરોડામાં પોલીસ તરીકે રોજિંદા જીવનમાં પણ ફરજ બજાવવી ખૂબ જ રોમાંચક હોય છે કારણ કે આ ખૂબ જ જિવંત શહેર (હેપનિંગ પ્લેસ) છે. પણ અહીંયા હું એવી ઘટનાની વાત કરી રહ્યો છું જે કદાચ પોલીસ અધિકારીની કારકિર્દીમાં ભાગ્યે જ એકાદ વખત આવતી હોય છે ઃ ગુજરાત જેવા શાંતિપ્રિય રાજ્યમાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર.
૪ ડિસેમ્બર ૧૯૯૦ના રોજ સમાચાર આવ્યા કે બોમ્બે (હાલમાં મુંબઈ)માં હથિયારધારી આતંકીઓથી ભરેલી એક જીપનો પીછો કરીને તેને અટકાવવા દરમિયાન એક સબ ઈન્સ્પેક્ટર અને બે પોલીસ જવાનની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. ઘટના એવી હતી કે, બલદેવસિંહ નામનો આતંકવાદી જીપમાં હથિયાર ધારી સાથીઓ જોડે જઈ રહ્યો હતો ત્યારે તેને એક ચાર રસ્તે ચેકપોસ્ટ માટે પોલીસે ઊભો રાખ્યો હતો. તેણે એકે-૪૭ દ્વારા ફાયરિંગ કરીને ત્રણ પોલીસ કર્મીઓની ઘટનાસ્થળે જ હત્યા કરી નાખી. બોમ્બે સિટી પોલીસ કન્ટ્રોલરૃમ દ્વારા તમામ ચેકપોઈન્ટ ઉપર આતંકવાદીઓની અટકાયત કરવા સાબદાં રહેવા માટે એલર્ટ જારી કરવામાં આવ્યું. બોમ્બે પોલીસના બહાદુર જવાનો દ્વારા કેટલાક ચેકપોઈન્ટ ઉપર આ આતંકવાદઓને રોકવા માટે પ્રયાસ કરવામાં આવ્યો પણ તે ફાયરિંગ કરીને અને બેરિકેડ્સ તોડીને નાસી ગયા. ત્યારબાદ તરત જ પોલીસ કમિશનરે આદેશ જારી કર્યા કે આતંકવાદીઓની જીપને રોકવી નહીં જેથી વધુ જાનહાનિ ટાળી શકાય. તે ખરેખર બુદ્ધિશાળી નિર્ણય હતો. આવી ઘટનાઓ અંગે થયેલા અભ્યાસ જણાવે છે કે, આવી સ્થિતિમાં સુરક્ષા જવાનોના જીવ ન જાય અથવા તો નિર્દોષોનાં મોત ન થાય તે માટે આવા નિર્ણય લેવા સલાહભર્યા (એડવાઈઝેબલ) છે.
સ્વાભાવિક રીતે બોમ્બેના હૃદયસમા વિસ્તારમાં ધોળા દિવસે આતંકવાદીઓ દેખાવાની ઘટના રાષ્ટ્રીય સ્તરે સમાચારોમાં ચમકી અને અખબારોની હેડલાઈન્સ બની. આ સમાચાર મળતાં જ મારામાં રહેલી પોલીસ તરીકેની ચેતના જાગ્રત થઈ અને મને સ્વાભાવિકપણે જ વિચાર આવ્યો કે, મારી બીટમાં જો આવી ઘટના બને તો અમે શું કરી શકીએ. તેનું સૌથી મોટું કારણ એ પણ હતું કે, અમે જ્યારે ૧૯૮૫માં પોલીસ ર્સિવસમાં જોડાયા ત્યારે પંજાબમાં અને ત્યારબાદ ૧૯૮૯થી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ સખત વધી ગઈ હતી અને સતત આવા સમાચારો આવતા જ રહેતા હતા.
આ ઘટના અંગે હું સતત વિચાર કરતો રહ્યો અને એક દિવસ મેં મારા સાથી ડીસીપીની કચેરીમાં જઈને તેમની સાથે વિચાર-વિમર્શ કર્યો. મેં પૂછયું કે, આપણને માહિતી મળે કે, કેટલાક આતંકવાદીઓ બરોડાની કોઈ ઈમારતમાં સંતાઈ ગયા છે તો આપણે શું કરીશું?
સમય પસાર થવા સાથે ૧૯૯૦નું વર્ષ પૂરું થયું અને જાન્યુઆરી, ૧૯૯૧ આવ્યું પણ આતંકવાદીઓ વિશેનું મારું મનોમંથન સતત ચાલુ રહ્યું.
૨૩ જાન્યુઆરી ૧૯૯૧ના રોજ બપોરે સીપી સાહેબનો મને વાયરલેસ ઉપર સંદેશ આવ્યો કે હું તાત્કાલિક તેમને મળું. તેમની ઓફિસમાં તેમણે મને બોમ્બે પોલીસના કેટલાક અધિકારીઓની મુલાકાત કરાવી. જેમણે જણાવ્યું કે, તેમની પાસે નક્કર માહિતી હતી કે, આતંકવાદી બલદેવસિંહ અને તેના સાથીઓ બરોડામાં સંતાયા છે.
સત્ય જાણ્યા પછી મેં સીપી સાહેબને કહ્યું કે, આપણે આ કામ કરીશું, (કારણ કે ઘણા લાંબા વિચારો બાદ મારા મગજમાં સ્થિતિ સ્પષ્ટ હતી), અને બીજી કેટલીક બાબતો સાથે મેં જણાવ્યું કે, આપણને બે લાઈટ મશિન ગન્સ (ન્સ્ય્)ની જરૃર પડશે.
મેં તાત્કાલિક અને સ્વાભાવિકપણે જ એલએમજીની માગ કરી હતી, કારણ કે ૧૯૯૦ના પ્રારંભિક તબક્કામાં રાજસ્થાનના એક ડીઆઈજીપી (ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ)એ મને તેમનો અનુભવ જણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આતંકવાદીઓ સામેના એન્કાઉન્ટર દરમિયાન એકે-૪૭નો સામનો કરવા માટે એલએમજી સિવાય બીજા કોઈ હથિયારો સક્ષમ સાબિત થતાં નથી. આ અમૂલ્ય સૂચન મારા મનમાં ઘર કરી ગયેલું હતું.
ત્યારબાદ મારી ઓફિસમાં બેસીને મેં અને મારા અધિકારીઓ તથા બોમ્બે પોલીસના અધિકારીઓએ ભેગા મળીને ઉપલબ્ધ માહિતી અંગે ચર્ચા કરીને એક વ્યૂહાત્મક રણનીતિ તૈયાર કરી. ટૂંકમાં કહીએ તો, બલદેવસિંહ ખૂંખાર આતંકી હતો અને તેણે હત્યાઓ કરી હતી તથા બોમ્બે અને પૂણેમાં આતંક ફેલાવ્યો હતો. એકે-૪૭ અને હેન્ડગ્રેનેડ જેવાં ઘાતક હથિયારો દ્વારા તેની ગેંગે સમગ્ર મહારાષ્ટ્રમાં આતંક ફેલાવ્યો હતો.
બોમ્બે પોલીસના બાતમીદારે બલદેવસિંહને છાણી રોડ પર આવેલી સોગન સોસાયટીમાં આવેલા ત્રણ માળના બંગલા નંબર ૧૧માં જોયો હતો. તે વિસ્તાર સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવતો હતો.
(આવતીકાલે બીજા ભાગમાં વાંચો- સમગ્ર વિસ્તારને ફરતે પોલીસ ફોર્સ ગોઠવાઇ ગઇ અને આતંકીઓએ શરણાગતિ સ્વીકારવાની ના પાડી દીધી)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery