દિલીપકુમાર માત્ર અભિનેતા નહીં સેક્યુલર ભારતના સ્તંભ હતા
Share
દિલીપકુમારનાં અવસાનથી સમગ્ર દેશ શોકમગ્ન છે. તેમના મૃત્યુ સાથે જ દેશે એક વયોવૃદ્ધ અને સૌથી સફળ અભિનેતાને ખોઇ દીધા. તેઓ સેક્યુલર ભારતના સૌથી મહત્ત્વપૂર્ણ હસ્તાક્ષરો પૈકીના એક હતા. અખંડ ભારતના પેશાવર સાથે સંબંધ ધરાવનારા એક પઠાણ પરિવારના નવયુવક યુસુફ ખાન સમાવેશી મુંબઇમાં પોતાના પિતા લાલા ગુલામ સરવર સાથે કેટલાક સમય સુધી ફળોનો બિઝનેસ કરતા હતા, પરંતુ તેમની રુચિ કળા અને ફિલ્મોમાં હતી. દેશમાં સાંપ્રદાયિકતાનું ઝેર પૂરી રીતે ઘોળાઇ ચૂક્યું હતું તેવા દોરમાં દેવિકા રાણીએ તેમને ફિલ્મોમાં તક આપી હતી. ૧૯૪૫ના દોરની આ વાત છે. યાદ રહે કે મુસ્લિમ લીગ ત્યાં સુધીમાં ભારતના મુસ્લિમો માટે પાકિસ્તાનની માગણી કરી ચૂક્યું હતું. સાંપ્રદાયિક વાતાવરણ ગરમ થઇ ચૂક્યું હતું.
તે સમયે ફિલ્મી દુનિયાની ટોચની હસ્તી દેવિકા રાણી સાથે યુસુફખાનની મુલાકાત થાય છે. હિંદીના લબ્ધપ્રતિષ્ઠિત નવલકથાકાર ભગવતી ચરણ વર્માએ તેમના માટે ત્રણ ફિલ્મી નામ સૂચવ્યા હતા. તે નામ હતા વાસુદેવ, દિલીપકુમાર અને જહાંગીર. યુસુફખાને પોતાના માટે ‘દિલીપકુમાર’ નામ પસંદ કર્યું હતું. તે પછી સમગ્ર વિશ્વ તેમને દિલીપકુમારના નામે જ ઓળખે છે. અભિનય જગતના પ્રથમ પુરુષ તરીકે તેમણે પોતાની જાતની સ્થાપના કરી હતી. દેવદાસ, મુઘલે આઝમ, તરાના, રામ ઔર શ્યામ, ક્રાંતિ, સૌદાગર જેવી સંખ્યાબંધ ફિલ્મોમાં પોતાના સ્વાભાવિક અભિનય થકી તેમણે ભારતના મહાનતમ અભિનેતાના રૃપમાં પોતાનું નામ આરક્ષિત કરી લીધું. ભારત કદી દિલીપકુમારનો ધર્મ જાણવાની ચેષ્ટા નથી કરતો. ભારતની આ તો તાસિર છે. તેઓ બધાના નાયક બની રહ્યા. તમે ગુણી હોવ તો તમારંુ સન્માન તો થશે જ, પછી ભલે તમે દિલીપકુમાર હોવ, તબલાવાદક ઝાકિરહુસેન હોવ, ફિલ્મી અભિનેતા ઇરફાન ખાન હોવ કે પછી હોકીના મહાન ફોરવર્ડ ખેલાડી મહમદ શાહિદ હોવ.
દિલીપકુમાર અને તેમના કુટુંબની ભારત પ્રતિની નિષ્ઠા પણ કમાલની રહી. વર્ષ ૧૯૪૭માં દેશના ભાગલા પડયા. દેશ છોડીને હજારો-લાખો મુસ્લિમ પાકિસ્તાન જવા લાગ્યા. દિલીપકુમારના પિતા લાલા ગુલામ સરવરના પેશાવરમાં રહેતા સંબંધીઓએ પત્ર લખવાનું શરૃ કર્યું કે મુંબઇ છોડીને ઘેર પાછા આવી જાય. પણ ગુમાલ સરવરે તે તમામ આગ્રહને ફગાવી દીધા. તેમનું કહેવું હતું કે હવે તેઓ ભારતમાં જ રહેશે. ભારત છોડવાનો સવાલ જ નથી. આ પૂરો કિસ્સો દિલીપસાહેબે પોતાની આત્મકથા ‘ધ સબસ્ટન્સ એન્ડ ધ શેડો’માં વિસ્તારપૂર્વક વર્ણવ્યો છે. જરા એક કાલ્પનિક સ્થિતિ પર વિચાર કરો. શું તેમના પિતા બહેતર જીવનની શોધમાં પરિવારસહ મુંબઇ ના આવત તો દિલીપકુમાર આટલી ઊંચી બુલંદીઓને સ્પર્શી શકત? જરાપણ નહીં. મુંબઇના સમાવેશી અને પ્રોફેશનલ વિશ્વે તો તેમની પ્રતિભાની ઓળખ કરી. તેમને ભરપૂર તક આપી.
હકીકતે મુંબઇનો મુસલમાન દેશના બાકીના વિસ્તારોના મુસલમાન કરતાં જરા અલગ લાગે છે. સાઉથ મુંબઇમાં તાજ હોટેલ પાછળ આવેલા શાનદાર મહોલ્લા કોલોબાને જુવો. અહીં યુરોપીય શૈલીની ઇમારતોની ભરમાર છે. અહીં ઝવેરાત સહિતના અનેક શો રૃમ મુસ્લિમના છે. તેના બોર્ડ વાંચીને તે વાત સમજાઇ જશે. તે સ્થાન ગેટવે ઓફ ઇન્ડિયાથી ખૂબ જ નજીક છે.
હવે જુહૂ જઇએ. જુહૂ બીચ પર હિજાબ ધારણ કરીને મુસ્લિમ કન્યાઓ વોલિબોલ રમતી હોવાનો નજારો જોવો તો સામાન્ય છે. શું તમે દેશના અન્ય કોઇ વિસ્તારમાં મુસલમાનનો કોઇ ઝવેરાતનો મોટો શો રૃમ જોયો છે? શું તમે કોઇ શહેરમાં હિજાબ ધારણ કરીને કન્યાઓને વોલિબોલ રમતા જોઇ છે? દિલ્હી. ઉત્તરપ્રદેશ અને બિહારી મુસલમાન મુંબઇવાળા કરતાં ખૂબ અલગ છે. દિલ્હીની નોકરી કરવાની માનસિકતા બધાને નોકરી મેળવવા પ્રેરિત કરે છે. મુંબઇનો મિજાજ બિઝનેસનો છે. તેનો પ્રભાવ તમામ મુંબઇકર પર થાય છે. મુંબઇના ખોજા, મેમણ અને વહોરા મુસ્લિમોના લોહીમાં બિઝનેસ છે. તેઓ નોકરી નહીં પણ બિઝનેસ કરવાનું પસંદ કરે છે. તે બધા મોટો બિઝનેસ કરતા પણ હોય છે.
સિપ્લા કંપની મુંબઇમાં જ છે. ખ્વાજા અબ્દુલ હામિદે ૧૯૩૫માં અંધેરીમાં પોતાની સિપ્લાની પ્રથમ ફેક્ટરી લગાવી હતી. ચાર જુલાઇ, ૧૯૩૯માં મહાત્મા ગાંધી પોતે ત્યાં આવ્યા હતા. ગાંધીજીએ હામિદને કહ્યું હતું કે જીવનરક્ષક દવાઓ પર સદાય શોધ કરતા રહે. સિપ્લા આજે દેશની ટોચની ફાર્મા કંપની છે. અબજો રૃપિયાનો ર્વાિષક કારોબાર છે. સિપ્લાના વર્તમાન ચેરમેન વાય.કે. હામિદ કોર્પોરેટ ઇન્ડિયાનું એક ખાસ નામ છે. આ મુંબઇમાં જ ૧૯૬૦માં વાર્કહર્ડ ફાર્માની પણ સ્થાપના થઇ હતી. તેના ઉત્પાદક એકમો ભારત બહાર બ્રિટન, આયર્લેન્ડ, ફ્રાન્સ અને અમેરિકામાં પણ છે. તેના ચેરમેન હબીલ ખુરાકીવાલા ફિક્કીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. મુંબઇમાં મુસલમાન હિંદી અને ઉર્દૂ ઉપરાંત ગુજરાતી, કાંેકણી અને મરાઠી પણ બોલી લે છે. મરીન ડ્રાઇવ પર સાંજે ફરવા નીકળતા વહોરા મુસલમાનોને તમે ગુજરાતીમાં વાત કરતા સાંભળી શકો છો.
મુંબઇમાં હિજાબ ધારણ કરીને મહિલાઓ લક્ઝરી કાર ચલાવી રહી છે. તેમની ઓળખનો ભાગ છે બુરખા અને હિજાબ. તેમને તમે જુહૂના શુદ્ધ શાકાહારી રેસ્ટોરન્ટમાં ઢોસા કે વડાપાંઉને ન્યાય આપતાં પણ જોઇ શકો છો. આ રીતને સમાવેશી અને ધર્મનિરપેક્ષ મુંબઇ મહાનગરમાં દિલીપકુમારે જીવનના લગભગ ૮૫ વર્ષ પસાર કર્યા હતા. તેમના મૃત્યુ પછી ઘણાબધા લોકો તેમના જન્મસ્થાન પેશાવરની વાતો તો કરી રહ્યા છે, પરંતુ કોઇ એમ નથી કહેતું કે અરબી સાગરને કિનારે વસેલા મુંબઇએ દિલીપકુમારને ઓળખ્યા, સમજ્યા અને તેમનું ઘડતર કર્યું. તેઓ પણ દેશહિત માટે સદાય સક્રિય રહ્યા. દેશ પર જ્યારે પણ સંકટ આવ્યું ત્યારે તેમણે પાછીપાની નથી કરી. મુંબઇના શેરિફથી માંડીને રાજ્યસભાના નોમિની સભ્યપદ પણ સંભાળ્યું. મુંબઇમાં શેરિફ પદ એક દોરમાં ખૂબ જ સન્માનિત વ્યક્તિને જ અપાતું હતું. તેમની અંત્યેષ્ટીમાં બધા સામેલ થયા. સામેલ થનારા પૈકી કોઇએ તેમનો ધર્મ ના પૂછયો. ભારતની આ તો વિશેષતા છે.
(લેખક પૂર્વ સાંસદ છે)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery