આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ભારતીય ક્રિકેટ ટીમ વન ડે અને T-20 રમવા શ્રીલંકા પહોંચી, આજથી અઠવાડિયું ક્વોરન્ટીન રહેશે.
2) નવી દિલ્હી-અમદાવાદ, ભાવનગર-બાંદ્રા ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ-ભાવનગર આજથી દરરોજ દોડશે.
3) મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આંગણવાડીનાં 14 લાખથી વધુ બાળકોને ગણવેશ વિતરણ કરાશે.
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) સવા વર્ષ બાદ રાજ્યમાં પહેલીવાર 100થી ઓછા કેસ, રાજ્યમાં માત્ર 96 નવા કેસ, એક શહેર અને 14 જિલ્લામાં એક પણ કેસ નહીં
રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે અને નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી વેવમાં પહેલીવાર 100થી ઓછા કેસ નોઁધાયા છે. સવા વર્ષ બાદ 24 કલાકમાં 96 નવા કેસ નોંધાયા છે. અગાઉ 14 એપ્રિલે 78 કેસ હતા, જોકે તેના બીજા દિવસે એટલે કે 15 એપ્રિલે 116 કેસ નોંધાયા હતા. 14 જિલ્લા અને ભાવનગર શહેરમાં શૂન્ય કેસ નોંધાયા છે, જ્યારે કુલ 3 દર્દીનાં મોત થયાં છે અને 315 દર્દી સાજા થયા છે.
2) ભારતમાં ટૂરિઝમને પ્રોત્સાહન આપવા 5 લાખ લોકોને ફ્રી ટૂરિસ્ટ વિઝા અપાશે, કોવિડ પ્રભાવિત સેક્ટર માટે 6.28 લાખ કરોડની જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે કોવિડથી અસરગ્રસ્ત અર્થતંત્રમાં તેજી લાવવા આર્થિક પેકેજની જાહેરાત કરી છે. નવા આર્થિક પેકેજમાં કોવિડથી પ્રભાવિત સેક્ટર્સ માટે નવી જાહેરાતો કરવામાં આવી છે. ભારતમાં ટૂરિઝમને પ્રોત્સાહન આપવા 5 લાખ લોકોને ફ્રી ટૂરિસ્ટ વિઝા પણ અપાશે. નાણામંત્રીએ કુલ 6,28,993 કરોડ રૂપિયાની આર્થિક રાહતની જાહેરાત કરી છે.
3) Twitterનું વધુ એક કૃત્ય:દેશના નક્શા સાથે ચેડાં, જમ્મુ-કાશ્મીર અને લદાખને ભારતથી અલગ દેશમાં દર્શાવ્યા
સોશિયલ મીડિયા પર ટ્વિટરે વધુ એક વિવાદ સર્જ્યો છે. વિવાદમાં રહેતા ટ્વિટરે હવે આ વખતે દેશના નક્શા સાથે ચેડાં કરતાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદાખને ભારતથી અલગ બતાવ્યા છે. બંને ભાગને અલગ-અલગ દેશમાં દર્શાવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ ઘટના સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર સફાળી જાગી હતી. આ અંગે સરકારે ટ્વિટરને નોટિસ ફટકારવાની તૈયારી કરી લીધી છે.
4) ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળી, નીતિન પટેલે રાજકીય પ્રસ્તાવ રજૂ કર્યો, પક્ષમાં બન્યો ચર્ચાનો વિષય
ગુજરાત ભાજપની ટીમ પાટીલની પ્રથમ કારોબારીની બેઠક યોજાઈ છે, જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ હોદ્દેદારો સહિતના સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજકીય પ્રસ્તાવ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રજૂ કર્યો હતો, જે પક્ષમાં જ ચર્ચાનો વિષય બન્યો હતો.
5) રાજ્યની તમામ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન અને PGના વિદ્યાર્થીઓની છેલ્લા વર્ષની પરીક્ષા ઓફલાઈન લેવા આદેશ
રાજ્યમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તમામ યુનિવર્સિટીઓના વિભાગને કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા ઓફલાઈન રીતે લેવાનો આદેશ કરાયો છે. યુનિવર્સિટી તથા કોલેજો જુલાઈમાં પોતાની અનુકૂળતા અનુસાર સ્નાતક તથા અનુસ્નાતકના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકશે.
6) જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન અટેકના એક દિવસ પછી કાલચુક મિલિટરી બેઝ પર દેખાયાં 2 ડ્રોન, આર્મીના ફાયરિંગ પછી અંધારામાં ગાયબ
જમ્મુમાં એરપોર્ટ સ્ટેશન પર ડ્રોન હુમલાના બીજા જ દિવસે આતંકીઓએ મિલિટરી સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જમ્મુના કાલુચક મિલિટરી સ્ટેશન પર 2 ડ્રોન જોવા મળ્યાં છે. જોકે સેના અલર્ટ પર જ હતી અને ડ્રોન દેખાતાં જ સેનાએ એના પર 20-25 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
7) જસદણમાં વીજળીના કડાકાભડાકા સાથે 1 કલાકમાં દોઢ ઇંચ, રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયાં, ગોંડલમાં ધોધમાર વરસાદ
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અસહ્ય બફારા વચ્ચે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જસદણમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડતાં રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયાં છે. આટકોટમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો હો. ગોંડલમાં પણ ધોધમાર વરસાદથી રસ્તા અને ખેતરો પાણી પાણી બની ગયાં હતાં, જ્યારે રાજકોટમાં યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં અમીછાંટણા થયા હતા.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1. અવંતિપોરામાં આતંકવાદીઓએ સ્પેશિયલ પોલીસ અધિકારીના ઘરમાં ઘૂસીને ફાયરિંગ કર્યું, SPO અને તેમની પત્નીનાં મોત
2. ઈન્દોરમાં પોલીસ અધિકારીએ વ્રત ખોલવા પનીર રોલનો ઓર્ડર કર્યો, મળ્યો ચિકન રોલ, જવાને કહ્યું- હું તો કોર્ટમાં જઈશ
3.ભારત વેક્સિનેશનમાં અમેરિકાથી આગળ નીકળ્યું, 32.36 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સિનનો ડોઝ લગાવ્યો
આજનો ઈતિહાસ
2011: અમેરિકાએ ભારતને માનવ તસ્કરીની વોચ લિસ્ટમાંથી બહાર કર્યું
2010: છત્તીસગઢમાં માઓવાદીઓના હુમલામાં 26 જવાન શહીદ થયા
2002: અટલ સરકારમાં ગૃહમંત્રી લાલકૃષ્ણ નાયબ-વડાપ્રધાન બનાવવામાં આવ્યા. અડવાણી દેશના સાતમા નાયબ-વડાપ્રધાન હતા
1997:ભારતીય ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદે ફ્રેંકફર્ટ ચેસ ક્લાસિકનો ખિતાબ મેળવ્યો. આનંદ 5 વખત વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપના વિજેતા રહ્યા છે
1613: શેક્સપિયરના લંડન સ્થિત ગ્લોબ થિયેટરમાં આગ લાગવાથી નુકસાનગ્રસ્ત થયું
શહેર