Smugglers Break Through Wall Of Central Medical Store Of Sayaji Hosp., Vadodara, Steal Equipment Repair Kits In Workshop
પોલીસ પેટ્રોલિંગના ધજાગરા:વડોદરાની સયાજી હોસ્પિ.ના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરની દીવાલમાં બાકોરું પાડી તસ્કરો ઘૂસ્યા, વર્કશોપમાં સાધનો રીપેરીંગની કીટના ટુલ્સની ચોરી
વડોદરા19 કલાક પહેલા
કૉપી લિંક
સયાજી હોસ્પિટલના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરની દીવાલમાં બાકોરું પાડી ઓક્સિજન રૂમમાંથી સાધનો રીપેરીંગ કરવાની કીટના ટુલ્સ ચોરી કરીને ફરાર થઇ ગયા
રાવપુરા પોલીસે CCTVની મદદથી તસ્કરોની શોધખોળ હાથ ધરી
વડોદરા શહેરમાં તરખાટ મચાવી રહેલા તસ્કરોએ મોડી રાત્રે સયાજી હોસ્પિટલના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરની દીવાલમાં બાકોરું પાડી ઓક્સિજન રૂમમાંથી સાધનો રીપેરીંગ કરવાની કીટના ટુલ્સ ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે રાવપુરા પોલીસે CCTVની મદદથી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ ચોરીના બનાવોને અટકાવવામાં નિષ્ફળ
છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં તસ્કરોએ હાહાકાર મચાવી મૂક્યો છે. વડોદરા શહેરમાં ઉપરા-છાપરી બની રહેલા ચોરીના બનાવોએ પોલીસ તંત્રની ઉંઘ હરામ કરી નાંખી છે. માત્ર દારૂના કેસો કરવામાં વ્યસ્ત રહેતી પોલીસ શહેરમાં ચોરીના વધી રહેલા બનાવોને ડામવામાં ધરાર નિષ્ફળ પુરવાર થઇ રહી છે. રાત્રિ પેટ્રોલિંગ વાતો કરતા પોલીસ તંત્ર દ્વારા ખરેખર રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવે છે કે, માત્ર કાગળ ઉપર પેટ્રોલિંગ થઇ રહ્યું છે. તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. મંગળવારે રાત્રે સયાજી હોસ્પિટલના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરની દીવાલને બાકોરું પાડીને પ્રવેશેલા તસ્કરો રીપેરીંગ કીટના ટુલ્સની ચોરી જતાં હોસ્પિટલમાં ચકચાર મચી ગઇ હતી.
રાવપુરા પોલીસે CCTVની મદદથી તસ્કરોની શોધખોળ હાથ ધરી
વર્કશોપમાં સામાન અસ્તવ્યસ્ત જોતા કર્મચારીઓ ચોંકી ઉઠ્યા
સયાજી હોસ્પિટલના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાં સવારે કર્મચારીઓ ફરજ હાજર થયા હતા. સ્ટોરના મુખ્ય દરવાજો ખોલીને અંદર ગયા હતા. સ્ટોર રૂમમાં જતાં તેઓને બાયોમેડિકલ વર્કશોપમાં સામાન અસ્તવ્યસ્ત જોતા ચોંકી ઉઠ્યા હતા. વધુ તપાસ કરતા તેઓને બાકોરું જણાઇ આવ્યું હતું. આ સાથે તેઓને તાજેતરમાં જ લગાવવામાં આવેલો ટેબલ ઉપર પડેલો CCTV જોયો હતો.
પોલીસ શહેરમાં ચોરીના વધી રહેલા બનાવોને ડામવામાં ધરાર નિષ્ફળ પુરવાર થઇ રહી છે
કર્મચારીઓએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી
આ બાયોમેડિકલ સ્ટોરમાં બાયોમેડિકલ એન્જિનિયરો સાધનોનું રીપેરીંગ કામ કરે છે. કર્મચારીઓએ તેની બાજુમાં આવેલા ઓક્સિજન રૂમના તાળાં તુટેલા જોતા તેમાં તપાસ કરી હતી. જેમાં ઓક્સિજન રૂમ સ્થિત કબાટોનો સામાન વેરવિખેર જોતા તુરંત જ તેઓએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.
વર્કશોપમાં સાધનો રીપેરીંગની કીટના ટુલ્સની ચોરી
તપાસ બાદ કઇ કઇ વસ્તુઓની ચોરી થઇ છે તે બહાર આવશે
કર્મચારીઓએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા સેન્ટ્રલ મેડિકલ સ્ટોરના અધિકારી ડો. જાગૃતિ ચૌહાણ સ્ટોર ઉપર આવી પહોંચ્યા હતા. જ્યાં તપાસ દરમિયાન જણાવ્યું હતું કે, બાયોમેડિકલ વર્કશોપમાંથી તસ્કરો સાધનો રીપેરીંગ કરવાના ટુલ્સ ચોરી કરી ગયા હોવાનું અનુમાન છે. તસ્કરો ઓક્સિજન સિલીન્ડર કે અન્ય કોઇ ચિજવસ્તુઓ ચોરી ગયા નથી. તેમ છતાં, પોલીસ અને અમારા દ્વારા વધુ તપાસ બાદ ચોક્કસ કઇ કઇ ચિજવસ્તુઓની ચોરી થઇ છે તે બહાર આવશે.
સેન્ટ્રલ મેડિકલ સ્ટોરની દીવાલમાં બાકોરું પાડી તસ્કરો ઘૂસ્યા
પોલીસે CCTVની મદદથી તસ્કરોની શોધખોળ શરૂ કરી
તેમણે જણાવ્યું હતું કે, આ બનાવ અંગેની જાણ રાવપુરા પોલીસને કરવામાં આવતા પોલીસ આવી પહોંચી હતી. પોલીસ દ્વારા સ્થળની મુલાકાત લઇ તપાસ કરવામાં આવી છે. પોલીસે CCTV ફૂટેજ મેળવીને સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાં ચોરી કરનાર તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.
અન્ય સમાચારો પણ છે...